Sunday 10 July 2022

Suprem Court Refused to Reopen Gandhi Murder Case

 મહાત્મા ગાંધીની હત્યાના કેસને સાત દાયકા પછી ખોલવાનો સુપ્રીમે નન્નો ભણ્યો

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્ય ભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ.૧૦ જુલાઈ,૨૦૨૨. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-supreme-court-was-reluctant-to-open-the-case-of-mahatma-gandhis-assassination-after-seven-decades-130023088.html

·        નથુરામના હિટલિસ્ટ પર ગાંધી-નેહરુ સાથે જ સરદાર પટેલનું નામ હતું: ઇતિહાસવિદ ડૉ. મોરે

·        હિંદુ મહાસભાનું જૂઠાણું: ‘સરદારને મદદ કરવા માટે નથુરામે ગાંધીજીહત્યાની જવાબદારી કબૂલી’

·        યુવાપેઢીએ નીરક્ષીર કર્યા વિના સોશિયલ મીડિયામાં ફેલાવાતી તથ્યહીન ગબ્બરા માનવા જ નહીં

દેશના રાષ્ટ્રપુરુષોનાં મૃત્યુ કે હત્યાનાં કથિત રહસ્યો અંગે વાદવિવાદ ચાલુ જ રહે છે. થોડા વખત પહેલાં વધુ એક વાર મહાત્મા ગાંધીની હત્યાના કથિત વણઉકલ્યા રહસ્યની વાતને આગળ કરીને, એક સાવરકરવાદી સંશોધક, ‘અભિનવ ભારત’ના ટ્રસ્ટી અને મુંબઈના આવકવેરા સલાહકાર ડૉ. પંકજ કુમુદચંદ્ર ફડણીસ, હત્યાના ખટલાને ફરીથી ખોલવાની વિનંતી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. અગાઉ મુંબઈ હાઇકોર્ટે એમની આવી અરજીને ફગાવી દીધી હતી. સદનસીબે એ વેળાના સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ એસ. એ. બોબડે અને એલ. નાગેશ્વર રાવે પણ આ જ માર્ગ અપનાવ્યો. આવા સંવેદનશીલ પ્રકરણ અંગે તેમણે અદાલતના મિત્ર (એમિકસ ક્યુરી) તરીકે અમરેન્દ્ર શરણને નિયુક્ત કરીને એમનો અહેવાલ મેળવી લીધો છે. આશ્ચર્યજનક મુદ્દો એવો નોંધવામાં આવ્યો છે કે મહાત્માની હત્યા માટે નથુરામ ગોડસે ઉપરાંત જે બીજી કથિત વ્યક્તિએ ગોળી છોડી હોવાનો દાવો કરનાર વ્યક્તિને પોતે તબીબી સારવાર આપી હતી, એવું સોગંદનામું વડોદરાના ડૉ. દામોદર નેને (પુણેના ‘સોબત’માં દાદૂમિયાંના નામે લખનારા)એ રજૂ કર્યું હતું. અદાલતમિત્રનો અહેવાલ તૈયાર થયા પછી ડૉ.નેનેનો 2 ડિસેમ્બર 2017નો પત્ર અને સોગંદનામું 4 ડિસેમ્બર 2017ના રોજ મળ્યાની નોંધ એમણે અહેવાલના અંતમાં કરી છે. અદાલતમિત્ર આ સોગંદનામાને 60-70 વર્ષ પછી કરાયેલા અને સાંભળેલી વાત પર આધારિત’ હોવાથી ધ્યાને લેવાપાત્ર અને વિશ્વસનીય લેખતા નથી. અદાલતના મિત્ર એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શરણે આપેલો 36 પાનાંનો અહેવાલ જાહેર થયો છે. એમાં દર્શાવેલી વિગતો અરજદારની, અગાઉ જૂન 2016માં મુંબઈની વડી અદાલતે ફગાવેલી આવી અરજીમાં તથ્ય નહીં હોવાની વાતને અનુમોદન આપે છે. 19 ફેબ્રુઆરી 2018ના રોજ અદાલતે અરજદારને તેણે ન્યૂ યોર્કની લાઈબ્રેરી કોંગ્રેસમાંથી મેળવેલા મનાતા દસ્તાવેજો રજૂ કરવા માટે તક આપી હતી. વડોદરાના વયોવૃદ્ધ ડૉ. નેને દેશના ટોચના સત્તાધીશો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હોવા છતાં સુપ્રીમે અદાલતના મિત્રના અહેવાલ અને અન્ય તથ્યો તથા પુરાવાને ધ્યાને લઈને એમની વાતને નકારી હતી.

ગોડસે-આપ્ટેને ફાંસી, સાવરકર છૂટ્યા
30
જાન્યુઆરી 1948ના રોજ સાંજના 5.15 કલાકે નથુરામ ગોડસેએ છોડેલી ત્રણ ગોળીથી રાષ્ટ્રપિતાની હત્યા કરાયાનું સેશન્સ કોર્ટ અને વડી અદાલતમાં પુરવાર થયા પછી 21 જૂન 1949ના રોજ દોષિત જાહેર થયેલા અને મૃત્યુદંડની સજા પામેલા નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી અપાઈ હતી. આ ખટલાના 6 પ્રત્યક્ષદર્શીઓ હતા. હિંદુ મહાસભાના સર્વોચ્ચ નેતા વિનાયક દામોદર સાવરકર સહિત કુલ 12 જણાને આરોપી દર્શાવાયા હતા. ગોડસે અને આપ્ટે ઉપરાંત વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, શંકર કિસ્તય્યા, ગોપાલ ગોડસે (નથુરામનો ભાઈ), દત્તારામ પરચુરે, દિગંબર બડગે, ગંગાધર દંડવતે, ગંગાધર જાધવ અને સૂર્યદેવ શર્મા. નથુરામ અને આપ્ટેને ફાંસીની સજા થઇ હતી. કરકરે, પાહવા અને ગોપાલને આજીવન કેદ, સાવરકરને નીચલી અદાલતમાં જ છોડી મુકાયા હતા. બડગેએ તાજના સાક્ષી થવાનું પસંદ કર્યું હતું, જ્યારે બાકીના ત્રણ આરોપી ભાગેડુ જાહેર થયા હતા. ગાંધીજીની હત્યામાં ગોળી છોડનાર નથુરામ ઉપરાંત અન્ય વ્યક્તિ પણ હોવાની શંકા ઉપરાંત ત્રણ ગોળીને બદલે ચોથી ગોળી મળ્યા વિશે પ્રશ્નો ઊભા કરાતાં વર્ષ 1966માં ભારત સરકારે નિયુક્ત કરેલા જીવણલાલ કપૂર તપાસ પંચને પણ એ બાબતમાં કોઈ તથ્ય જણાયું નહોતું.

ત્રીજી ગોળી બાપુનાં વસ્ત્રોમાંથી મળી
સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા ખટલામાં ચાર ગોળી મળ્યાની તથા નથુરામ ઉપરાંત અન્ય વ્યક્તિએ પણ ગોળી છોડ્યાની વાતને આગળ કરવા ઉપરાંત બ્રિટિશ જાસૂસી તંત્ર થકી ઘડાયેલા મનાતા કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીહત્યા પ્રકરણને લગતા હજારો પાનાંના દસ્તાવેજોનો અભ્યાસ કરીને અદાલતમિત્ર એવા તારણ પર આવ્યા છે કે અદાલતે ડૉ. ફડણીસની વાતને સ્વીકારવા યોગ્ય નથી. ગાંધીજીની હત્યા તેમની પર નથુરામે છોડેલી ત્રણ ગોળીથી થઇ હતી. ચોથી ગોળીનો સંબંધ હત્યા સાથે આવતો નથી, કારણ જ્યારે પોલીસ નારાયણ આપ્ટેને 27 ફેબ્રુઆરી 1948ના રોજ ગ્વાલિયર લઇ ગઈ હતી ત્યારે તે ગ્વાલિયરમાં ડૉ. પરચુરેના ઘરના વાડામાંથી મળી હતી. નથુરામે માત્ર ત્રણ ગોળી ચલાવી, ત્રણ અવાજ થયા અને મહાત્માની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. ગાંધીજીના શરીરમાં ત્રણ જ ગોળીનાં નિશાન હતાં. એક છાતીમાં વાગી હતી અને બે પેટમાં વાગી હતી. સ્થળ પરથી બે ગોળી અને ત્રણ ખાલી કાર્ટ્રીજ મળી હતી. મહાત્મા ગાંધીનું પોસ્ટમોર્ટમ થયું નહોતું, પણ એમને અંતિમ સ્નાન કરાવતી વખતે તેમનાં વસ્ત્રોમાંથી મળેલી ત્રીજી ગોળી એમના પુત્ર દેવદાસ ગાંધીએ પોલીસને સુપરત કરી હતી. ગાંધીજીની જે તસવીર અરજદારે રજૂ કરી હતી, પણ ચાર ગોળી વાગ્યાની વાતને સમર્થન આપવા પ્રેરતી નથી. વળી, મોસ્કોમાં ભારતીય રાજદૂત વિજયાલક્ષ્મી પંડિતને નામે બ્રિટિશ કાવતરાની વાત કરાયાની વાતને પણ અદાલતમિત્રની તપાસમાં સમર્થન મળતું નથી.

બ્રિટિશ કે અમેરિકી કાવતરાના ગપગોળા
અરજદારે બ્રિટિશ જાસૂસી સંસ્થા ‘ફોર્સ 136’ થકી ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડાયાની વાત અરજીમાં રજૂ કરી છે. એની પાછળનો તર્ક એવો આપ્યો છે કે જો ગાંધીજી જીવે તો પાકિસ્તાન જાય અને ભારત-પાક સંબંધોમાં સુધારો થાય તો બ્રિટિશ નિકાસને અવળી અસર પહોંચે. અદાલતમિત્રના અહેવાલમાં બ્રિટિશ કે અમેરિકી જાસૂસી સંસ્થા થકી રાષ્ટ્રપિતાની હત્યાનું કાવતરું ઘડાયાને આધાર વગરની શંકા દર્શાવી હતી. નથુરામ સાથે સ્થળ પર સીઆઈએના એજન્ટ હર્બર્ટ રેઇનર હોવાની વાત પણ આધાર વગરની લાગે છે. હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા સાવરકરનું મૃત્યુ 1966માં થયું અને તેઓ કપૂર પંચ સમક્ષ હાજર થઈ શક્યા નહોતા, પણ અગાઉ સાવરકર સાથે ગાઢ રીતે સંકળાયેલા ગોડસે અને આપ્ટેને નેહરુ સરકારને ટેકો આપવા અને 15 ઓગસ્ટ 1947ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવા જેવા મુદ્દે વીર સાવરકર સાથે મતભેદ થયાનું અહેવાલ નોંધે છે.

સરદારને બદનામ કરવાનો પ્રયાસ
અગાઉ પણ ગાંધીજીની હત્યા પાછળ કોંગ્રેસના નેતા જ હતા, એવો તર્ક હિંદુ મહાસભા રજૂ કરતી રહી છે. જોકે એ વાતના પરપોટા સવેળા ફૂટતા રહ્યા છે. હિંદુ મહાસભાના નેતા અને ધારાશાસ્ત્રી બી. જી. કેસકરે ‘હુ કિલ્ડ ગાંધીજી? નોટ ગોડસે, હુ ધેન?’ નામની પુસ્તિકા લખીને ગાંધીજી પર ગોળી ચલાવનાર બીજી વ્યક્તિ કોંગ્રેસી હતી અને તે 1978 સુધી જીવતી હતી, એવી વાત આગળ કરી હતી. મહાત્માની હત્યા પાછળ સરદાર પટેલનો હાથ હોવાના સંકેત તેમણે આપ્યા હતા. નેહરુ સરદાર પાસેથી ગૃહ ખાતું લઈને મૌલાના આઝાદને આપવા માગતા હતા એવું જણાવીને કેસકરે નોંધ્યું છે કે ‘સરદાર વલ્લભભાઈ પટેલને પરોક્ષ મદદ કરવા માટે નથુરામે ગાંધીજીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી.’ એક ડાબેરી નેતાએ પણ ગાંધીજીની હત્યા સાથે સરદારના નામને જોડાવાનો કેસકર જેવો જ હીન પ્રયાસ કર્યો હતો. આવા આક્ષેપના આઘાતમાં સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો. પોતે જેમને ભગવાન ગણ્યા એવા ગાંધીજીની હત્યા વિશે આવી શંકા જાગે એ પણ એમને દુઃખદ લાગ્યું હતું.

સરદાર અને નેહરુની હત્યાના મનસૂબા
મહારાષ્ટ્રના મશહૂર ઇતિહાસકાર ડૉ. સદાનંદ મોરેએ ‘લોકમાન્ય તે મહાત્મા’ના દ્વિતીય ખંડમાં આ બાબત વિગતે લખી છે. મહારાષ્ટ્રના કેટલાક હિંદુવાદીઓ તો રાષ્ટ્રપિતા જ નહીં, સરદાર પટેલ અને પંડિત નેહરુની હત્યા કરવાના આગ્રહી હોવાનું એમણે સ્પષ્ટ કર્યું છે. ‘...મૂળે ભાગલાનો વિરોધ કરનાર ગાંધીને અવગણીને પાકિસ્તાનની રચનાનો સ્વીકાર કરવામાં પટેલ નેહરુ સાથે હતા. રામમનોહર લોહિયાએ પણ તેમને વિભાજનના ગુનેગાર ગણાવ્યા છે.’ એવું નોંધીને ડૉ. મોરે ઉમેરે છે કે 27 જાન્યુઆરી 1948ના રોજ હિંદુ મહાસભાના મહામંત્રી વિ. ઘ. દેશપાંડેએ કરેલા ભાષણમાં ‘નેહરુ અને પટેલને ફાંસી થવી જોઈએ’ એવું કહ્યાના સમાચાર ‘નવશક્તિ’માં છપાયાનું ય. દિ. ફડકેએ નોંધ્યું છે. ફડકે નામવંત ઇતિહાસકાર ગણાય છે. નથુરામના હિટલિસ્ટ પર ગાંધી અને નેહરુ સાથે જ સરદાર પટેલનું નામ હોવાનું પણ ડૉ. મોરે નોંધે છે. કમનસીબે કેસકરની થિયરીઓ આજે પણ એક યા બીજા સ્વરૂપે ચર્ચામાં રહે છે. પ્રજાએઅને ખાસ કરીને યુવા પેઢીએ સમગ્ર બાબતમાં પોતાની રીતે નીરક્ષીર કર્યા વિના (ફેક્ટ્સ ચેક વિના) સોશિયલ મીડિયામાં ફેલાવાતી તથ્યહીન વાતો માનવાથી દૂર રહેવું.

haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment