Sunday 13 March 2022

Maulana Azad cautioned Muslims about Pakistan in 1946

મૌલાના આઝાદની 1946ની પાકિસ્તાન અંગેની ભવિષ્યવાણીઓ સાચી ઠરી

ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ. રંગત-સંગત રવિ પૂર્તિ. ૧૩ માર્ચ, ૨૦૨૨.વેબ પૂર્તિ: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/maulana-azads-1946-predictions-about-pakistan-came-true-129491620.html

·         ગાંધીજીની જાણબહાર સરદાર-નેહરુએ ભાગલાને સંમતિ આપી હતી

·         ઝીણા તો અબુલ કલામ આઝાદને કોંગ્રેસના શોબોય જ કહેતા હતા

·         મૌલાનાએ 1946માં પાકમાં લશ્કરી તાનાશાહીનું ભવિષ્ય ભાખ્યું

ઈતિહાસમાં મૌલાના અબુલ કલામ આઝાદને ખલનાયક લેખાવવામાં આવે છે, કારણ એમણે સરદાર વલ્લભભાઈ પટેલની ભારે ટીકા કરી હતી. એના ઘટનાક્રમને પૂર્ણસ્વરૂપે નહીં જોનારાઓ માટે ઈતિહાસનું વિકૃતીકરણ થવું કે સત્તાધીશોની અનુકૂળતા મુજબનો ઈતિહાસ લખાવો કે એને જ સાચો માનવા માટે પ્રજા કે નવી પેઢીને ફરજ પાડવાના સંજોગો સર્જાય છે. ઐતિહાસિક ઘટનાક્રમથી અજ્ઞાન ઘણા બધા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભાગલા માટે જવાબદાર હતા. કેટલાકને ગાંધીહત્યાનું નથુરામ ગોડસેએ પુણ્યકાર્યકર્યાંનું પણ અનુભવાય છે. અહિંસાના મહાન પૂજારી મહાત્મા ગાંધીએ તો વિભાજનને પોતાનો મૃતદેહ પડે પછી જ શક્ય લેખાવ્યું હતું. જો કે, મહાત્માની બે બળદની જોડી એટલે કે સરદાર પટેલ અને પંડિત નેહરુ થકી ગાંધીજીની જાણબહાર ભાગલા અંગે સંમત થવાયા પછી રાષ્ટ્રપિતા વિવશ હતા. એ તો પાકિસ્તાન-સિંધ જઈને રહેવા પણ તૈયાર હતા. એમણે તો બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા ટળે એટલા માટે તત્કાલીન વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને સૂચવ્યું પણ હતું કે ઝીણા ભલેને સરકાર રચતા. જો કે, માઉન્ટબેટન આ વાતને કદાચ માન્ય રાખત જો નેહરુ અને સરદાર એ માટે સંમત થયા હોત અને કોંગ્રેસને એ માટે સંમત કરી શક્યા હોત. ગાંધી પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશના ભાગલા ટળે એ માટે ઝીણાને સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનાવવા તૈયાર હતા. કમનસીબે ભાગલાની દરખાસ્તનો સ્વીકાર કરવા જીભ કચરી બેસનારા સરદાર અને નેહરુએ મોહમ્મદ અલી ઝીણા સરકાર રચે એવા વિકલ્પનો ભારે વિરોધ કર્યો. કરુણતા તો જુઓ કે જે ગાંધી ભાગલાના સદૈવ વિરોધી રહ્યા, એમને ફાળે ગોડસેની ગોળીએ મરવાનું નિર્માયું હતું અને આજે પણ ઘણા લોકો ગાંધીજીને જ ભાગલા માટે જવાબદાર લેખે છે.

સરદાર ભાગલાના 'ટોર્ચબેરર'
ભારત સરકારના વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી આરુઢ થયા એ પછી એટલે કે નવેમ્બર 2014માં કેન્દ્ર સરકારની મૌલાના આઝાદ સંસ્થાના અધ્યક્ષ સીતારામ શર્માનો લેખ સત્તાવાર માહિતી બ્યુરો મારફત પ્રસારિત કરાવ્યો. મૌલાના આઝાદની 125મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ પ્રસારિત આ લેખમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આઝાદ ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના આઝાદના મુખેથી કોંગ્રેસીઓમાં ભાગલાના સૌથી મોટા ટેકેદાર’ (ટોર્ચબેરર ઓફ પાર્ટિશન) તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને દર્શાવાયા છે. સાથે જ પંડિત નેહરુને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતીની શક્યતાને બબ્બેવાર ફંગોળવાના દોષિત લેખવામાં આવ્યા છે. ઐતિહાસિક અનુકૂળતાઓને બદલે એ સંદર્ભે લખાયેલાં મૂળ લખાણો પર દૃષ્ટિપાત કરાય તો ચિત્ર સ્પષ્ટ થાય. સરદાર પટેલે કયા સંજોગોમાં ભાગલા વિના આરો નહીં હોવાનું સ્વીકાર્યું એની ચોખવટ બંધારણસભામાં પણ કરી હતી.

મુસ્લિમ લીગ સાથેની કોંગ્રેસની વચગાળાની સરકારમાં નાણાં વિભાગનો અખત્યાર સંભાળનાર લિયાકત અલી ખાને (જે પાછળથી પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા) સાદા પટાવાળાની નિમણૂક માટેની દરખાસ્તને પણ નામંજૂર કરવા ઉપરાંત જે વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું એમાં કોંગ્રેસના ટેકેદાર મનાતા ઉદ્યોગપતિઓને કરવેરાના ભારે બોજથી પાયમાલ કરવાની વેતરણ કરી હતી. ઝીણા મુસ્લિમ લીગના એવા નેતા હતા જે બોલીને ફેરવી તોળવામાં કુશળ હતા. એટલે સુધી કે પાકિસ્તાન મેળવ્યા પછી પણ એમને પસ્તાવો થયો અને ભારત પાછા આવવા કરાંચી (એ વેળાની પાકિસ્તાનની રાજધાની) ખાતેના ભારતીય રાજદૂત શ્રીપ્રકાશને એમણે એ સંદર્ભમાં વડાપ્રધાન નેહરુને સંદેશ પહોંચાડવા કહ્યું હતું. આટલું જ નહીં, એ સંદર્ભે પત્રવ્યવહાર પણ કર્યો હતો. પાકિસ્તાનની રચના લગભગ નક્કી હતી ત્યારે મૌલાનાએ ગુપ્ત સંદેશ મોકલી ઝીણાને વારવા પ્રયાસ પણ કરી જોયો હતો. જો કે, મૌલાનાને ઝીણા 'શોબોય ઓફ કોંગ્રેસ' ગણાવવાનું પસંદ કરતા હતા.

મૌલાના-સરહદના ગાંધીની ભૂમિકા
દુર્ભાગ્યે ભારતના ભાગલાનો વિરોધ કરનાર જે કોઈ બચ્યું હતું એમાં મૌલાના આઝાદ અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન હતા. સરહદના ગાંધીએ તો બાપુને આજીજી કરી કરતાં કહ્યું હતું કે બાપુ તમે અમને વરુ સામે ફેંકી રહ્યા છો. જો કે, ડાબો-જમણો હાથ વિભાજનના પક્ષે હોય ત્યારે ગાંધીજીની વિવશતા સમજી શકાય છે. મૌલાના આઝાદ 1946માં કોંગ્રેસના અધ્યક્ષ હતા અને એમણે પોતાના અનુગામી તરીકે પંડિત નેહરુની પસંદગીનો આગ્રહ સેવ્યો હતો. એપ્રિલ 1946માં સરદારનું નામ 14માંથી 12 પ્રાંતિક કોંગ્રેસ સમિતિઓએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સૂચવ્યા છતાં બાપુએ ચબરખીમાં કાંઈક લખ્યું અને સરદારે પોતાનું નામ પાછું ખેંચી લઈને નેહરુના નામની ભલામણ કરી હતી. ગાંધીજીએ સરદારને અન્યાય કર્યાની વાત ખૂબ ગાજી પણ સરદાર કે તેમનાં પુત્રી મણિબહેને સરદારને અન્યાય થયાનું ક્યારેય કહ્યું નહીં. ઊલ્ટાનું દુર્ગાદાસના દસ ગ્રંથોની શ્રેણીની પ્રસ્તાવનામાં મણિબહેને નોંધ્યું કે સરદારને વડાપ્રધાન થવાનો કોઈ મોહ ક્યારેય હતો નહીં.

મૌલાના કોંગ્રેસ કારોબારીની બેઠકમાં વિરોધ કરવાને બદલે સિગારેટ ફૂંકતા રહ્યાની વાત પણ ઘણા કોંગ્રેસી નેતાઓએ નોંધી છે છતાં એમનો લાહોરના ચટ્ટાન સામયિકના તંત્રી શોરિષ કાશ્મીરીને 1946માં જે ઇન્ટરવ્યૂ આપ્યો હતો એમાં પાકિસ્તાન મુસ્લિમોના હિતમાં નહીં હોવાની વાત ગાઈવગાડીને કહી હતી. આટલું જ નહીં, પાકિસ્તાનમાં લશ્કરી તાનાશાહી સ્થપાશે એ ભવિષ્યવાણી પણ મૌલાનાએ એ મુલાકાતમાં કરી હતી. એમની એ વાતો સાચી પડી અને આજકાલ પાકિસ્તાનમાં એમનો આ ઇન્ટરવ્યૂ સૌથી વધુ ચર્ચામાં છે. ભારતમાં કેરળના વર્તમાન રાજ્યપાલ આરીફ મોહમદ ખાન એને 2009માં ચર્ચામાં લાવ્યા પછી એ પાકિસ્તાનમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે. મૌલાના આઝાદ નેહરુ સરકારમાં પંડિત જવાહરલાલ નેહરુના નિષ્ઠાવંતોમાં સામેલ હતા.

પાકિસ્તાન વિશેની ભવિષ્યવાણી
મૌલાના આઝાદની આત્મકથા પૂર્ણસ્વરૂપે 1988માં પ્રકાશિત થઈ ત્યારે અગાઉ એના પ્રકાશને વખતે તેમના આગ્રહથી રાખી મૂકાયેલાં ત્રીસ પાનાં પણ પ્રજાની સામે આવ્યાં. રાષ્ટ્રના હિતમાં એમણે એ વેળા 30 પાનાં લખીને 30 વર્ષ પછી પ્રકાશિત કરવા હુમાયુ કબીરને આપી રાખ્યાં હતાં. એ પાછળથી કોલકાતાની નેશનલ લાઈબ્રેરી અને દિલ્હી સ્થિત અભિલેખાગાર (આર્કાઈવ્ઝ)માં જમા કરાવાયેલાં હતાં. એમની પૂર્ણ સ્વરૂપની આત્મકથા ‘India Wins Freedom’માં મૌલાના આઝાદે પોતાની સૌથી મોટી ભૂલ પોતાના પછી નેહરુને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની તરફેણ કરી એ ગણાવી હતી. એવું જ આચાર્ય કૃપાલાનીએ પણ પોતાની આત્મકથામાં નોંધ્યું છે. જો કે, આ બધાને પાછળથી જ્ઞાન લાધ્યું હતું. કૃપલાનીએ તો એપ્રિલ 1946માં કોંગ્રેસ અધ્યક્ષ માટે કોઈપણ કોંગ્રેસ પ્રાંતિક સમિતિએ નેહરુનું નામ સૂચવ્યું નહોતું ત્યારે પોતે જ પંડિતજીનું નામ સૂચવ્યું હતું. મૌલાનાએ બીજી ભૂલ સરદાર પટેલને ટેકો નહીં આપવાની કબૂલી હતી. સરદાર પટેલે નેહરુએ કરેલી ભૂલો ના કરી હોત એવું મૌલાના નોંધે છે. જો કે, મૌલાના અને સરદાર વચ્ચે બીજા ઘણા મુદ્દે મતભેદ હતા. પરંતુ 1946માં પોતે સરદારને કોંગ્રેસપ્રમુખ બનાવવામાં ટેકો આપ્યો હોત તો સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન તરીકે સરદારે દસ વર્ષ પછીના નોખા ભારતનાં દર્શન કરાવ્યાં હોત એવું પણ તેમનું માનવું હતું.

જો કે, સરદારના જીવતેજીવ મૌલાના કાયમ વલ્લભભાઈના વિરોધી રહ્યા, પણ પાછળથી એમને પોતાના વિચારો બદલવાનું સૂઝ્યું હતું. મૌલાનાએ છેક એપ્રિલ 1946માં લાહોરના ઉર્દૂ સામાયિક ચટ્ટાનમાટે શોરિષ કાશ્મીરીને આપેલી મુલાકાતમાં પાકિસ્તાન વિશે જે આઠ ભવિષ્યવાણી કરી હતી એ સંપૂર્ણ સાચી પડી હતી. મૌલાનાએ કરેલી એ ભવિષ્યવાણીઓમાં પહેલી જ લશ્કરી તાનાશાહીની હતી. પાકિસ્તાનનાં વિદેશી દેવાં અને આંતરરાષ્ટ્રીય સત્તાઓના અંકુશ હેઠળ નર્તન કરવાની બાબતો પણ એમાં સામેલ હતી. આ ઈન્ટરવ્યૂને અંગ્રેજીમાં આરીફ મોહમ્મદ ખાન કોવર્ટસામાયિકમાં 2009માં પ્રકાશમાં લાવ્યા એ પછી પાકિસ્તાનમાં પણ એની ખૂબ ચર્ચા થઈ છે. મૌલાનાએ ભાગલા પહેલાં જામા મસ્જિદ-દિલ્હી ખાતે મુસ્લિમોને સંબોધીને પાકિસ્તાનને ટેકો નહીં આપવા માટે સમજાવવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતા એ હકીકતને નકારી શકાય તેમ નથી.

haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment