Sunday 23 January 2022

Netaji Subhas Chandra Bose for Hindu-Muslim Harmony

દેશનાયક સુભાષચંદ્ર બોઝનો ઋણસ્વીકાર

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         નેતાજી કાયમ હિંદુ-મુસ્લિમ એકતાના પક્ષધર

·         જેલમાં હતા ત્યારે કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાયા

·         ગાંધીજીના માર્ગની વિરુદ્ધ છતાં રાષ્ટ્રપિતા કહ્યા

Dr. Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.23 January, 2022. 

હમણાં ઇન્ડિયા ગેટ પર દેશનાયક (કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે ગણાવ્યા મુજબ) સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવાની ઘોષણા થતાંની સાથે તમામ ભારતીયોના દિલમાં આનંદની અનુભૂતિ થવી સ્વાભાવિક છે.અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેર કરી હતી. આઝાદીની ચળવળમાં નેતાજીનું અનન્ય યોગદાન રહ્યું. એમણે પ્રતિષ્ઠિત આઈ સી એસની પરીક્ષા પાસ કર્યા પછી અંગ્રેજ સરકારની સેવા કરવાને બદલે દેશને આઝાદ કરાવવાના સંકલ્પ સાથે સેવામાંથી રાજીનામું આપ્યું હતું. આઝાદીની ચળવળમાં અગ્રગામી એવી કોંગ્રેસના બબ્બે વાર  અધ્યક્ષ રહ્યા. આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ તરીકે જાપાનની મદદથી બ્રિટિશ હકૂમત સામે જંગે ચડ્યા. જન્મે બંગાળી એવા નેતાજી આજીવન હિંદુ-મુસ્લિમ એકતાના પ્રણેતા રહ્યા.આવા નેતાજી રાષ્ટ્ર માટે ગૌરવ સમાન ગણાય અને છતાં એમના નામે રાજકારણ ખેલાતાં હોય ત્યારે વ્યથિત થવાય.નેતાજી તો સૌના ગણાય. ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ કટકના મુસ્લિમ બહુલ વિસ્તારમાં જન્મેલા અને ઉછરેલા સુભાષના ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ એમના તાઈપેયી વિમાન દુર્ઘટનામાં અવસાનને આટઆટલાં વરસ  વિત્યા પછી પણ સૌના દિલમાં વસે એમના મહાત્મ્યને સાબિત કરી આપે છે.

નેતાજીના નામે રાજકીય વિવાદ

સુભાષચંદ્ર બોઝના આકસ્મિક નિધન અંગે ભારત સરકારે અત્યાર લગી ત્રણ-ત્રણ તપાસ પંચ નિયુક્ત કર્યાં હોવા છતાં એમનું નિધન ખરેખર ક્યારે થયું બાબતમાં એકમત સાધી શકાયો નથી. મુદ્દો ગરમ રાખવા પાછળની ભૂમિકાના કેન્દ્રમાં પશ્ચિમ બંગાળ અને બંગાળી પ્રજા છે. ચૂંટણીઓ જીતવા માટે ઈતિહાસના પ્રસંગોને તાજા કરીને સમયયાંરે નવા-નવા ઉહાપોહ મચાવાય ત્યારે પ્રજા અને ખાસ કરીને મતદારો લાગણીના પ્રવાહમાં દોરવાય છે. સુભાષબાબુના નામે ચોફેર ઊભા કરવામાં આવેલા રાજકીય વંટોળમાં ઈતિહાસનાં તથ્યો કે સત્યો ભલે બાજુએ સારીને સુનામીરૂપે આગળ વધે, પરંતુ સત્ય અને તર્કની કેડીએ ચાલવા સંકલ્પબદ્ધ બુદ્ધિજીવીઓએ તો કમસે કમ સમગ્ર કવાયતનું નીરક્ષીર કરવાની જરૂર ખરી.

હિંસાનો માર્ગ વર્જ્ય નહીં

સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના બબ્બે વાર ચૂંટાયેલા ડાબેરી ઝોક ધરાવતા ભારતીય આઝાદીની ચળવળના અગ્રણી હતા. બ્રિટિશ હકૂમતમાં પ્રતિષ્ઠિત લેખાતી ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઈસીએસ)માં રહીને સુખચેન ભોગવી શક્યા હોત, પરંતુ એમના ક્રાંતિકારી વિચારો અને અંગ્રેજ સલ્તનતને બદલે રાષ્ટ્રની સેવા કરવાના સંકલ્પે ૧૯૨૧માં આઈસીએસની સેવામાંથી રાજીનામું આપી દેવાની પ્રેરણા એમને મળી હતી.ગાંધીજી  વેળા ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને કોંગ્રેસના મંચ પર છવાઈ રહ્યા હતા. સુભાષ અને ગાંધીની પહેલી મુલાકાતે આક્રમક એવા સુભાષને પાછળથી સૌપ્રથમ એમના થકી  રાષ્ટ્રપિતા જાહેર થનારા મોહનદાસ કરમચંદ ગાંધીએ પ્રભાવિત કર્યાં નહીં. ગાંધીજીની અહિંસા એમને માફક આવી નહીં, ભ્રમ નિરસન થયું, સમાજવાદી-સામ્યવાદી અને તાનાશાહી મારગ લઈને પણ બ્રિટિશ હકૂમતની ધૂંસરીને ફગાવવા ભણી આગળ વધ્યા. સ્વયં ગાંધીજીએ એમને ચિત્તરંજન દાસ (સી. આર. દાસ) ભણી પાર્સલકર્યાં. બંગાળ કોંગ્રેસના ક્રાંતિકારી એટલે કે હિંસામાં કશું ખોટું નહીં નિહાળનારા વર્ગમાં ભળ્યા. કોંગ્રેસમાં રહ્યા. પહેલી વાર ગાંધીજીની ઈચ્છાથી અને બીજીવાર ગાંધી-સરદારની અનિચ્છાથી  કોંગ્રેસના અધ્યક્ષ  બન્યા, પણ અંતે કોંગ્રેસમાંથી ફારેગ થવું પડ્યું. જર્મની-ઈટાલી જઈ એડોલ્ફ હિટલર અને બેનિટો મુસોલિનીની નાઝી-ફાસીવાદી નીતિરીતિથી પ્રભાવિત થયાં. ભારતને આઝાદ કરાવવા માટે નાઝીવાદી અને ફાસીવાદી તાનાશાહો ઉપરાંત જાપાનના શાહીવાદી શાસનની મદદ લેવામાં એમને કશું અજૂગતું લાગ્યું નહીં. કોંગ્રેસમાંથી ગાંધીજીથી નારાજ વર્ગ એમની સાથે જોડાતો રહ્યો.

સરદાર પટેલ  વિરુદ્ધ સુભાષચંદ્ર

પંડિત નેહરુ ગાંધીજીનો બોલ ઉથાપે નહીં, પણ વિચારધારા અને મૈત્રીના દાવે સુભાષથી વધુ નિકટ. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધી પ્રત્યે સમર્પણભાવ ધરાવે, પણ એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ યુરોપના દિવસોમાં સુભાષ સાથે નિકટતા કેળવીને ૧૯૩૩માં મૃત્યુ પહેલાં ગાંધીના માર્ગને પડકારતાં સુભાષ સાથે સંયુક્ત નિવેદન કરવા ઉપરાંત વસિયતનામામાં સુભાષના નામે પોતાની સંપત્તિનો ઘણો બધો હિસ્સો લખી દેતા હોવાનું અને ભારતની આઝાદીની ચળવળ માટે ઉપયોગમાં લેવાનું જાહેર થયું. સરદારે વસિયતનામું બનાવટી હોવાનું માનીને મુંબઈની વડી અદાલતમાં પડકારાવ્યું. સરદારની વાત સાચી ઠરી. વિઠ્ઠલભાઈની સંપત્તિમાંથી સરદાર કે તેમના પરિવારના કોઈ સભ્યે પાઈ પણ લીધી નહીં, પણ સુભાષ વિરુદ્ધ સરદાર પટેલનો માહોલ રચાઈ ગયો હતો. ૧૯૩૩માં નેતાજીએ વિઠ્ઠલભાઈ પટેલ સાથે મળીને ગાંધીજીની નેતાગીરીને નિષ્ફળ ગણાવી હતી.આમ છતાં, ગાંધીજીએ જ નેતાજીને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. ૧૯૩૮માં હરિપુરા (દક્ષિણ ગુજરાત)માં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં એના સ્વાગત પ્રમુખ સરદાર પટેલે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝને રંગેચંગે આવકાર્યા, પણ ત્રિપુરીમાં મળેલા પછીના કોંગ્રેસ અધિવેશન સુધીના ઘટનાક્રમે તો ગાંધીજી અને સુભાષને એકદમ સામસામે લાવી દીધા હતા. કોંગ્રેસના અધ્યક્ષપદે ડો. પટ્ટાભિ સીતારામૈયા હાર્યા અને સુભાષ ફરી જીત્યા તો ખરા, પણ પછીનો ઘટનાક્રમ સુભાષને કોંગ્રેસ છોડવા અને ફોરવર્ડ બ્લોક જેવા ડાબેરી પક્ષની રચના સુધી ખેંચી ગયો. ગાંધીજીના કોંગ્રેસ પરના વર્ચસને ખુલ્લેઆમ પડકારનાર સુભાષચંદ્રના વડપણ હેઠળની કોંગ્રેસ કારોબારીના ૧૨ સભ્યોનાં રાજીનામાં પડ્યાં ત્યારે પણ નેહરુ હજુ તેમને મનાવી લેવા પક્ષધર હતા. નેહરુએ અંતે અલગ રાજીનામું આપ્યું અને સુભાષ સાથેની દોસ્તી તોડવી પડી.

ગાંધી-સરદાર પર આક્ષેપ

વર્તમાન સમયગાળામાં સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ મહાત્મા ગાંધી, સુભાષ વિરુદ્ધ સરદાર પટેલ, સુભાષ વિરુદ્ધ નેહરુના ઘટનાક્રમનાં બધાં તથ્યો જાણવા કે નાણવાની નવરાશ કે ઉત્સુક્તા પ્રજાને હોય નહીં સ્વાભાવિક છે. એટલે અનુકૂળતાએ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સરદાર પટેલને ખભે ઊંચકવા, અનુકૂળતાએ હિંદુ રાષ્ટ્રના વિરોધી ડો. આંબેડકરને રાષ્ટ્રનાયક જાહેર કરવાની કવાયત આદરવી, અનુકૂળતાએ ડાબેરી એવા ક્રાંતિકારી સુભાષને પોતીકા ગણાવવાનો ઉપક્રમ ચાલ્યા કરે છે. બધો ઈતિહાસની ઘટનાઓને ઉલેચવાનો ઉપક્રમ અંતે તો વોટનો મોલ લણવાની કવાયત માત્ર છે. નેહરુને ખલનાયક ગણાવવાની કોશિશો છતાં ખરો ગોળીબાર તો સરદાર પટેલ અને ગાંધીજી ભણી થઈ રહ્યો છે. આટલી સામાન્ય બાબત પ્રજા સમજી લે તો સમગ્ર વ્યૂહના ભુક્કા બોલી જાય. સુભાષે ગાંધીજી અને સરદાર પટેલને અંગ્રેજોની સાથે મળીને ષડ્યંત્ર રચનારગણાવ્યા ત્યારે વ્યથિત સરદાર પટેલે લખવું પડ્યું હતું કે આવો હીન આક્ષેપ તો અમારી ઉપર અમારા શત્રુઓએ પણ ક્યારેય કર્યો નથી, જે કોંગ્રેસ અધ્યક્ષ (સુભાષ) કરી રહ્યા છે.

શિરાઝુદૌલા દિવસની ઉજવણી  

ડૉ.મુકરજીના પિતા સર આશુતોષ મુકરજીના જુનિયર રહેલા ફઝલુલ હક તો ૧૯૩૭માં બંગાળ ધારાસભામાં ચૂંટાયેલા કોલકાતા યુનિવર્સિટીના કુલપતિ રહેલા શ્યામાબાબુને પોતાની એપ્રિલ ૧૯૩૭ના રોજ શપથગ્રહણ કરનાર સરકારમાં મંત્રી બનાવવા આતુર હતા. જોકે  બંગાળ મુસ્લિમ યંગમેન લીગે એમની વિરુદ્ધ એપ્રિલ ૧૯૩૭ના દિવસે સભા ભરીને ઠરાવ કર્યો અને ઉહાપોહ મચાવ્યો એટલે તેમને લેવાની માંડવાળ કરાઈ. હિંદુ મહાસભાના નેતા ડૉ.મુકરજી મુસ્લિમ લીગ સાથેની હકની સરકારમાં જોડાઈ શક્યા નહીં. હકીકતમાં કોંગ્રેસી નેતા સુભાષ જયારે લાંબો સમય  જેલમાં હતા ત્યારે ડૉ.મુકરજી મહેલમાં કે ધારાસભામાં હતા. ૧૯૩૮ અને ૧૯૩૯માં નેતાજી બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. જાન્યુઆરી ૧૯૪૧માં સુભાષ પોતે મહંમદ ઝીયાઉદ્દીન નામ ધારણ કરીને એકાએક અદ્રશ્ય થઈને વિદેશની ધરતી પર પ્રગટ્યા પછીના ૧૯૪૧-૪૨ના સમયગાળામાં ફરીને ડૉ.મુકરજી હકની સરકારમાં ૧૧ ડિસેમ્બર ૧૯૪૧થી નાણા મંત્રી થયા હતા ! હિંદુ-મુસ્લિમ એકતાના કોલ  સાથે બંગાળના છેલ્લા સ્વતંત્ર નવાબ શિરાઝુદૌલાની સ્મૃતિમાં જુલાઈ ૧૯૪૦ને શિરાઝુદૌલા દિવસ તરીકે મનાવી દલ્હાઉસી સ્ક્વેર  ખાતેના હોલ્વેલ સ્મારકને હટાવવાનું જનઆંદોલન કરવાની હાકલ કરે છે. મુદ્દે એમને બંગાળ સરકાર દ્વારા જેલમાં ઠૂંસી દેવાયા હતા. જેલમાં ટીબીના દર્દી સાથે રાખવામાં આવતાં નેતાજીની તબિયત પણ કથળી અને અઢી વર્ષ સુધી માંડલે જેલમાં રહ્યા પછી એમની જેલ બદલાઈ અને છેવટે એમની તબિયત કથળતી જતાં જેલમુક્ત કરાયા. એક વહેલી સવારે તેમના પર નજર રાખનારા  બ્રિટિશ ગુપ્તચરોની નજર ચૂકવીને અદ્રશ્ય થઇ ગયા. વિદેશની ધરતી પર પ્રગટીને એમણે ઈતિહાસ સર્જ્યો.

નેતાજી ઢાકા બેઠક જીત્યા 

રાજનેતાઓ પોતાની અનુકૂળતા મુજબ ઇતિહાસનું વિકૃતીકરણ થાય એટલી હદે ઝીંકે રાખે છે. પ્રજા નવલકથાઓને ઈતિહાસ સમજીને છેતરાય છે. એવું કંઈક રાજનેતાઓપ્રેરિત વિકૃત ઈતિહાસ પીરસાવાના ઘટનાક્રમમાં સત્યની સોય શોધવાની સ્થિતિમાં મૂકાય છે. અમારા અંગત ગ્રંથાલયમાં નેતાજીની બે વોલ્યુમની આત્મકથા ઉપરાંત વિપુલ પ્રમાણમાં એમના વિશેના અધિકૃત ગ્રંથો છે. જાન્યુઆરી ૧૯૪૧માં સુભાષબાબુ અલોપ થવાના મિશન પર રવાના થતાં એમના ૨૦ વર્ષીય કારચાલક રહેલા  ભત્રીજા શિશિર અને હાર્વર્ડમાં ઇતિહાસના પ્રાધ્યાપક રહેલા શિશિરપુત્ર  સુગત બોઝ સંપાદિત સુભાષચંદ્ર બોઝ: ઓલ્ટરનેટિવ લીડરશિપ  અદભુત પુસ્તક છે. એમાં  નેતાજીના 30 ઓક્ટોબર ૧૯૪૦ના પ્રેસિડેન્સી જેલમાંથી બંગાળના ગૃહમંત્રી (ફઝલુલ હક સરકારમાં સર નઝીમુદ્દીન)ને લખાયેલા પત્રને વાંચીને નેતાજી કેન્દ્રીય ધારાસભામાં ઢાકા બેઠક પરથી નિર્વિરોધ ચૂંટાયા હોવાનું ધ્યાને આવ્યું.

રાષ્ટ્રદ્રોહના આરોપસર જેલમાં

અગાઉ નેતાજી બર્મા (હવેનું મ્યામા-મ્યાનમાર)ની માંડલે જેલમાં હતા ત્યારે ૧૯૨૬માં બંગાળ ધારાસભામાં ચૂંટાયા હતા. નેતાજીની આત્મકથા ઇન્ડિયન સ્ટ્રગલ ૧૯૨૦-૪૨માં અને સુગતે લખેલી હીઝ મેજેસ્ટીઝ ઓપોનન્ટ : સુભાષચંદ્ર બોઝ એન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેઇન્સ્ટ એમ્પાયરમાં કોલકાતા બેઠક પરથી બંગાળ ધારાસભામાં વેળાના મજબૂત નેતા  અને અગાઉ સ્વરાજ પાર્ટી સામે ભારે બહુમતીથી  ચૂંટાયેલા લિબરલ પાર્ટીના જતીન્દ્ર નાથ બસુ સામે ચૂંટણી લડીને વિજયી થયાની વિગતે વાત કરાઈ છે. જોકે પોતાના પત્રોમાં બ્રિટિશ હકૂમત હેઠળ આવતા બર્મામાં અદાલતી કાર્યવાહીમાં ગુનેગાર સાબિત થયેલા જેલવાસી એવા ધારાસભાના સભ્યને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી અપાતી હોવાની વાતને પણ નેતાજીએ ટાંકી છે. આની સામે નેતાજીને તો વગર અદાલતી કાર્યવાહીએ ભારતીય સુરક્ષા ધારા હેઠળ અને રાષ્ટ્રદ્રોહના આરોપસર જેલમાં રાખવામાં આવ્યા હોવાની વાત એમણે રજૂ કરી હતી. એમના ઘણા લાંબા પત્રવ્યવહાર છતાં હક સરકારે કે બ્રિટિશ ગવર્નરે એમને કેન્દ્રીય ધારાસભાની કાર્યવાહીમાં ભાગ લેવા જવા દીધા નહોતા. આમ બેઠક ગ્રહણ કરવાનું નેતાજી માટે  શક્ય બન્યું નહોતું.

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૨ જાન્યુઆરી,૨૦૨૨)

No comments:

Post a Comment