Wednesday 17 November 2021

Jinnah and Savarkar in UP Elections!

 દિલ્હીના તખ્તને કબજે કરવા ઉ.પ્ર.માં ઝીણા-સાવરકરના નામે ચૂંટણીજંગ

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ઉત્તરપ્રદેશની વિધાનસભા જીતવાની કવાયતમાં બેફામ નિવેદનોનો સર્વપક્ષી  મારો

·         પ્રજાને સ્પર્શતા-કનડતા મુદ્દા કોરાણે, માત્ર ધાર્મિક તથા સામાજિક વિભાજનોનો દોર

·         ૧૯૪૦ના પાકિસ્તાન ઠરાવ પછી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો

·         આઝાદીના અમૃતવર્ષમાં ચૂંટણી પ્રચારમાં ચારેકોર જોવા મળતો નર્યો વાણીવિલાસ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

ચૂંટણી જીતવાના અવનવા ખેલમાં હવે ઈતિહાસપુરુષોને નામે જ જાણે કે ઈડરિયો ગઢ જીતવાનો હોય એવો માહોલ રચાતો જાય છે. ક્યારેક બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા ભારતની આઝાદીના લડવૈયા હતા એવા ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી જીતવા સંકલ્પબદ્ધ અખિલેશ યાદવે કરેલા ઉલ્લેખને નામે રાજકીય હૂંસાતૂંસી શરૂ થઇ. મુસ્લિમ લીગના આજીવન અધ્યક્ષ ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બન્યા એ તો ૧૯૪૭માં, પણ  એ પહેલાં વર્ષ ૧૯૦૬માં નામદાર આગાખાન અને ઢાકાના નવાબના ટેકે મુસ્લિમ લીગની સ્થાપના કરાઈ અને એ વેળાના વાઇસરોય મિન્ટોને સિમલામાં મુસ્લિમોનું પ્રતિનિધિમંડળ મળ્યું ત્યારે તો કોંગ્રેસના નેતા તરીકે આ જ ઝીણાએ મુસ્લિમ લીગની સ્થાપનાને વખોડતાં એને ભારતના ભાગલાનું ષડયંત્ર ગણાવ્યું હતું. વાઇસરોય કર્ઝને ૧૯૦૫માં બંગાળના ભાગલા કર્યા અને ૧૯૧૧માં હિંદુ-મુસ્લિમ એકતા થકી એ નિર્ણયનો વીંટો વાળવો પડ્યો હતો. ૧૯૧૬માં લોકમાન્ય ટિળક અને ઝીણાના સહિયારા પ્રયાસોથી લખનઉ કરાર થયા હતા અને બેરિસ્ટર ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા ગણાવાયા હતા. લોકમાન્ય સામેના રાજદ્રોહના ખટલામાં ઝીણા તો ટિળકના ધારાશાસ્ત્રી હતા.  છેક ૧૯૨૨ લગી ઝીણા એ જ કોંગ્રેસમાં હતા જે કોંગ્રેસમાં મહાત્મા ગાંધી અને વર્તમાન ભાજપના આસ્થાપુરુષ ડૉ.કેશવ બલિરામ હેડગેવાર હતા. કોંગ્રેસથી ફંટાયા પછી આ જ ઝીણાએ માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનો ઠરાવ (પાકિસ્તાન ઠરાવ) કરાવ્યો. એ પછી પણ ૧૯૪૧-૪૨-૪૩માં ભાજપના બીજા આસ્થાપુરુષ સ્વાતંત્ર્યવીર સાવરકરની હિંદુ મહાસભા સાથે એ જ મુસ્લિમ લીગી નેતાઓ પ્રાંતોમાં સંયુક્ત સરકારો  ચલાવતા હતા. વાત આટલે અટકતી નથી, સિંધ પ્રાંતની ધારાસભામાં માર્ચ ૧૯૪૩માં પાકિસ્તાનનો ઠરાવ મંજૂર કરાયો ત્યારે ત્યાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર હતી ! કમનસીબે વર્તમાન ભારતની પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ અને રાષ્ટ્રની સુરક્ષાને લગતા મુદ્દાઓ તેમ જ વિકાસના મુદ્દાઓને બદલે ચૂંટણી આવતાં જ કોમી વિભાજનોના ટેકે ચૂંટણી જંગ ખેલાવા માંડે છે. તમામ રાજકીય પક્ષો એ ચક્રવ્યૂહમાં જ અટવાઈ જાય છે. ભારતીય બંધારણમાં અભિપ્રેત કોમી સૌહાર્દ અને સર્વધર્મ સમભાવની ભાવના સાથે આગળ વધવાને બદલે કોમી ઝેરના બાવળિયા વાવવામાં આવતા હોય ત્યારે આંબે કેરીઓની અપેક્ષા ના જ થઇ શકે એટલી સાદી સીધી વાત દેશની પ્રજા સ્વીકારે નહીં એવા તાયફા થતા રહે છે.

કોંગ્રેસીઓ કળણમાં ફસાયા

જાણ્યે અજાણ્યે કોંગ્રેસના નેતાઓ હિંદુ વિરોધી ભૂમિકાના કળણમાં ફસાતા રહે છે. અત્રે એ યાદ રહે કે આઝાદી આવવાની હતી એ ગાળામાં કોંગ્રેસ હિંદુ પાર્ટી લેખાતી હતી અને મુસ્લિમોની પાર્ટી તો મુસ્લિમ લીગ હતી. આજે કોંગ્રેસે દેશના ભાગલા પડાવ્યાનો આહલ્લેક જગાવતા રહેલા લોકો ભૂલી જાય છે કે એમણે પંડિત નેહરુ કે મહાત્મા ગાંધીને ભાંડવા છે પણ એ કાદવઉછાળમાં તેઓ સરદાર પટેલને પણ ભાંડી રહ્યા છે. કારણ? ગાંધી, નેહરુ અને સરદારની ત્રિપુટીના નેતૃત્વમાં તો આઝાદીનો એ જંગ લડાયો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી આવી. હવે તો  આ આઝાદી ભીખમાં મળ્યાનાં નિવેદનો કરવા માટે નટીઓને આગળ કરાય છે. એમને પદમ સરપાવ અપાય છે. આઝાદી મેળવવામાં અહિંસાવાદીઓ અને ક્રાંતિકારીઓનું યોગદાન કોઈ નકારી શકે નહીં; પણ આઝાદી ભીખમાં મળ્યાનું અને ૨૦૧૪માં જ સાચી આઝાદી મળ્યાનું નટી કંગના કહે ત્યારે ભાજપી સાંસદ ફિરોઝવરુણ ગાંધી સિવાય ભાગ્યે જ કોઈ મહત્વના હોદ્દે બિરાજનાર એને વખોડે છે. વાસ્તવમાં આ નટીના નિવેદનમાં તેમના દાદા સહિતના તમામ સ્વાતંત્ર્ય સૈનિકોનું અપમાન છે. ચૂંટણી માથે હોય ત્યારે આવા વિવાદો ઉછાળીને પ્રજાનું ધ્યાન  મુખ્ય મુદ્દાઓ પરથી હટાવવાની કોશિશો થતી રહે છે. રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ આવા તબક્કે એવાં નિવેદનો કરે છે જેનાથી કોમી વિભાજનો થાય. હમણાં કેન્દ્રમાં કાયદામંત્રી રહેલા સલમાન ખુરશીદના અયોધ્યા અંગેના પુસ્તકમાં હિંદુત્વને ઇસ્લામિક ત્રાસવાદી સંગઠનો સાથે સરખાવતું એક વાક્ય લખાયું અને હોબાળો મચ્યો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વળી હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચેનો ફરક સમજાવવા નીકળે છે. એ મોટો ભાંગરો સેવાગ્રામ શિબિરમાં વાટે છે. રાહુલ કહે છે કે હિંદુત્વ એટલે મુસ્લિમો અને શીખોને મારવા. કોઈ નિર્દોષ અખલાકને મોતને ઘાટ ઉતારવાનું ઉપનિષદમાં લખાયું નહીં હોવાનું પણ એ કહે છે. હિંદુત્વ અને હિંદુ ધર્મની વાત આવે ત્યારે સામાન્ય પ્રજા એના તાત્વિક સાવરકરી ભેદ કરવાને બદલે ભાજપની બોલકી નેતાગીરી એને ઉછાળે એ વાતમાં આવી જાય એ સ્વાભાવિક છે. અખલાક જેવા નિર્દોષની હત્યાને વખોડવી જરૂરી ખરી, પણ એમાં હિંદુત્વને જોડવાની વાત તો કોમી વિભાજન સર્જવામાં મદદરૂપ થવાની. બીજી મહત્વની વાત એ છે કે ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાઓના મુખે “મૌત કે સૌદાગર” કે હિંદુ ભાવનાને આઘાત પહોંચાડે એવાં નિવેદનો નીકળે ત્યારે ભાજપ એનો લાભ ઉઠાવીને કોંગ્રેસને હિંદુ વિરોધી જાહેર કરે એ સ્વાભાવિક છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા છૂટ્ટા મોઢાના છે, પણ એ નિવેદન યાદી રજૂ કરે ત્યારે કોંગ્રેસની નેતાગીરીએ જરા વિચાર તો કરવા જેવો છે.સલમાન ખુરશીદ હિંદુત્વને ઇસ્લામી આતંકી સંગઠનો આઇએસઆઇએસ તથા બોકોહરમ  સાથે કરવાનું એક વાક્ય લખીને પાછા કહે છે કે મેં તો હિંદુ-મુસ્લિમ એકતાના ટેકામાં પુસ્તક લખ્યું છે. કોંગ્રેસી સાંસદ શશી થરૂરે હિંદુ તાલિબાન શબ્દપ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંહ અને મણિશંકર ઐયર ભગવા આતંકવાદની વાત કરે કે કોંગ્રેસના બીજા નેતા રાશિદ અલ્વી જયશ્રી રામ કહેનારાઓને રાક્ષસ સાથે સરખાવે ત્યારે આ નિવેદનોમાં  એમની અપરિપક્વતા વધુ લેખાય. રાજકારણમાં ધર્મની સેળભેળ તમામ રાજકીય પક્ષો પોતાની અનુકૂળતા મુજબ કરે છે ત્યારે પક્ષોના નેતાઓ નિરર્થક  વિવાદો સર્જવાને બદલે દેશના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટેની ભૂમિકા રચે એ આવકાર્ય લેખાય.

ઝીણા વડાપ્રધાન હોત તો

ઈતિહાસને પોતાની અનુકૂળતા મુજબ રજૂ કરવા અને વિવાદો સર્જવા માટેના માહોલમાં કેવા વિરોધાભાસો સર્જાય છે એનું ઉદાહરણ હમણાં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક જ નહીં, પણ ઓર્ગેનાઈઝરના તંત્રી અને અટલજી યુગમાં ભાજપના વિદેશવિભાગના પ્રભારી રહેલા શેષાદ્રિ ચારીના નિવેદનમાં મળે છે. હમણાં ઉદય માહૂરકર અને ચિંતન પંડિતલિખિત “વીર સાવરકર”  ગ્રંથના લોકાર્પણ કાર્યક્રમમાં ચારીએ કહ્યું કે ઝીણા વડાપ્રધાન બન્યા હોત તો વિભાજન ટળ્યું હોત.અત્રે એ યાદ રહે કે ઝીણાને અલગ પાકિસ્તાનની માંગણી છોડવા માટે વડાપ્રધાનપદની સૌપ્રથમ ઓફર નેતાજી સુભાષચંદ્ર બોઝે કરી હતી. એ પછી મહાત્મા ગાંધીએ આ ઓફર કરી હતી. ઝીણાએ એ ઓફર ફગાવી હતી. માહૂરકરના પુસ્તકના શીર્ષકમાં પણ વીર સાવરકરને વિભાજન ટાળવા સમર્થ લેખાવાયા  છે. હકીકતમાં ઝીણાએ બંગાળના પ્રીમિયર ફઝલુલ  હક કને માર્ચ ૧૯૪૦માં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર અંગેનો જે પાકિસ્તાન ઠરાવ મૂકાવ્યો અને મંજૂર કરાવ્યો, એનાં ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં હિંદુ મહાસભાના અધિવેશનના  અધ્યક્ષ તરીકે ડિસેમ્બર ૧૯૩૭માં સાવરકરે ભારતમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ રાષ્ટ્ર અસ્તિત્વમાં હોવાની વાત કહી હતી. એના ઘણા વખત પહેલાં ૧૯૨૩માં તેમણે “હિંદુત્વ” ગ્રંથ લખ્યો તેમાં પણ મુસ્લિમોને દુય્યમ દરજ્જાના નાગરિક તરીકે ગણવાનું સમર્થન કર્યું હતું. વાસ્તવમાં સાવરકરની હિંદુ મહાસભા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતના વિભાજનને ટાળવા કે કરવા કોઈપણ રીતે સક્ષમ નહીં હોવાનો મત સાવરકરના પ્રખર અભ્યાસી અને આંદામાનમાં યોજાયેલા વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ  ડૉ.શેષરાવ મોરે-પાટીલ વ્યકત કરે છે. શેષરાવના ગ્રંથ “કોંગ્રેસને આણિ ગાંધીજીની અખંડ ભારત કા નાકારલા?” અંગે વિવિધ મહાનુભાવોના અભિપ્રાયો સાથે પ્રકાશિત થયેલા ગ્રંથ “પ્રતિવાદ”માં ઈતિહાસવિદ ડૉ.સદાનંદ મોરેએ વિભાજનમાં હિંદુ મહાસભા અને રા.સ્વ.સંઘની ભૂમિકા અંગે ઉઠાવેલા પ્રશ્નના ઉત્તરમાં ડૉ.શેષરાવ મોરેએ નોંધ્યું છે: “આ સંસ્થાઓમાં કોઈ સામર્થ્ય નહોતું. તેમને જનતાનું સમર્થન પણ નહોતું. બ્રિટિશ દરબારમાં એમની કિંમત પણ નહોતી.વિભાજન ટાળવા કે કરવાની એમનામાં કોઈ હેસિયત નહોતી.કોંગ્રેસ અને ગાંધીજી પર વિરોધ પક્ષ તરીકે માત્ર  ટીકા કરવાનું જ એમના હાથમાં હતું. તેમની અખંડ ભારતની ભૂમિકા માત્ર ભાવનાત્મક જ હતી. આમાં રા.સ્વ.સંઘને કયા (બંધારણીય) સ્વરૂપનું અખંડ ભારત ખપતું હતું એ હજુ અમને સમજાયું નથી. તેમનું ઉલ્લેખનીય કાર્ય એટલે વિભાજન વેળા કોમી હિંસાચાર અને સ્થળાંતરિત હિંદુને તમામ પ્રકારની મદદ કરવા પૂરતું જ હતું. આ માટે જ ખિજર હયાત ખાનની પંજાબ સરકારે જાન્યુઆરી ૧૯૪૭માં સંઘ પર પ્રતિબંધ લાદ્યો હતો.” સાવરકરે પંજાબમાં મુસ્લિમ લીગ સાથે સરકાર રચવા હિંદુ મહાસભાના એકમને મંજૂરી આપી હતી, પણ એ પહેલાં ખાને સરકાર રચી દીધી હતી.  શેષરાવ તો કહે છે કે “સાવરકર ભલે અખંડ ભારતની ઘોષણા કરતા હોય પણ એમનો વ્યવહાર વિભાજન ભણીનો જ હતો. ગાંધીજીએ હિંદુહિત માટે વિભાજનને માન્યતા ભલે ના આપી હોય,પણ વિભાજનથી હિંદુહિત જળવાયું હશે એ અલગ વાત છે.” કમનસીબે અત્યારના રાજકારણમાં ઈતિહાસને સૌકોઈ પોતાની અનુકૂળતા મુજબ રજૂ કરીને ચૂંટણીઓ જીતવાની વેતરણમાં રહે છે. વર્તમાન અને ભવિષ્ય પર આવા વિકૃત ઈતિહાસના ઓછાયાના પ્રતાપે દેશને  ઊર્ધ્વગામી મજલ જરૂર અવરોધાય છે.

ઈ-મેઈલ:haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૪ નવેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment