Wednesday 18 August 2021

Afghanistan under Taliban

 અફઘાનિસ્તાનમાં અમેરિકાને નીચાજોણું કરાવતું તાલિબાન શાસન

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પાકિસ્તાન, ચીન અને રશિયા માટે બે દાયકા પછી ઉજવણીનો પ્રસંગ

·         ભારતનો કોઈએ સાવ ભાવ ના પૂછ્યો, હવે સુરક્ષા પરિષદ ભણી મીટ

·         રાષ્ટ્રપતિ અશરફ ની સહિતના અમેરિકાના નિષ્ઠાવંત રાજનેતા ભાગ્યા

·         કાબુલમાં તાલિબાન સરકારને જખ મારીને વોશિંગ્ટન માન્યતા આપશે

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjari Daily (Anand). You may visit haridesai.com to read more columns.

અફઘાનિસ્તાનમાં સોવિયેત રશિયા અને અમેરિકા વચ્ચેના દાયકાઓથી ચાલતા આવેલા પરોક્ષ કે પ્રત્યક્ષ સંઘર્ષમાં આજના તબક્કે વોશિંગ્ટને અને એના પગારદાર નોકર જેવા અફઘાન રાષ્ટ્રપતિ અશરફ નીએ ઊભી પૂંછડીએ નાસવું પડ્યું છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) હૈબતુલ્લાહ અખુન્દઝાદા અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર અને લશ્કરી પંચના વડા એવા મુલ્લા યાકુબના વડપણ હેઠળ  કાબુલમાં કેવું શાસન સ્થપાશે એ કહેવું આજના તબક્કે મુશ્કેલ છે. તાલિબાનના કટ્ટરવાદી મારાઓએ કાબુલને કબજે કરીને બે દાયકા બાદ અફઘાનિસ્તાન પરના અમેરિકી લશ્કરના કબજાનો અંત આણ્યો છે. રાષ્ટ્રપતિ જો બાયડન માટે મુશ્કેલ દિવસો આવ્યા છે. એના વૈશ્વિક વિરોધી ગણાતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જ નહીં, અમેરિકાના ખોળામાંથી ચીનના ખોળામાં ઝીલાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન માટે હરખાવાના દિવસો આવ્યા છે. ભારતના પાડોશી અને જૂના મિત્ર એવા અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો લશ્કર પાછાં ખેંચવાના અને હજારો અમેરિકી સૈનિકોના જાનની  ખુવારી પછી વધુ નુકસાન નહીં વહોરવાના અમેરિકી સંકલ્પ તેમ જ દોહાથી લઈને વર્તમાન સુધીની મંત્રણાઓમાં નવી દિલ્હીનો કોઈએ ભાવ ના પૂછ્યો. ભારતીય વિદેશનીતિ માટે પણ આ નીચાજોણું ગણાય. ભારતે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગની અને અમેરિકા સાથે રહીને અફઘાનિસ્તાનના વિકાસ માટે ઘણું યોગદાન કર્યું એ માનવીય ધોરણે મહત્વનું હતું, છતાં તાલિબાન સાથેની મંત્રણાઓમાં પાકિસ્તાનને સાથે રાખીને ભારતને અળગું રાખવાની અમેરિકી અને અફઘાન નીતિ વિશ્વસ્તરે ભારત માટે નવી મૂંઝવણ સર્જતી રહી છે.

અમેરકાના પક્ષે જવાનાં જોખમ

પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુની ગૂટનિરપેક્ષ દેશોની ચળવળની નીતિ વાજબી હતી, એ ફરી એકવાર સાબિત થઇ રહ્યું છે. અમેરિકા અને રશિયા બંનેથી સમાન અંતર જાળવવાની નીતિ છેક ઇન્દિરા ગાંધીના શાસન સુધી ભારતને ફળી છે. સંકટ સમયે રશિયા ભારતને પડખે ઊભું રહ્યું છે. અમેરિકા તો પાકિસ્તાનનું અન્નદાતા હતું. આજે પાકિસ્તાનનું માલિક ચીન હોય એવી અવસ્થા છે. ચીને ભારતની આસપાસના તમામ પાડોશી દેશો પર ભરડો લીધો છે એટલું જ નહીં એ અફઘાનિસ્તાનના તાલિબાન શાસન સાથે પણ સારા સંબંધ જાળવવા ઉત્સુક છે. એણે અફઘાનિસ્તાનના વિકાસ માટે ઓફર પણ કરવા માંડી છે. રશિયાએ પણ કાબુલ સાથેના સુમધુર સંબંધોની ઘોષણા કરવા માંડી છે. અગાઉ એંસીના દાયકામાં રશિયાના ઈશારે અફઘાનિસ્તાનમાં નજીબુલ્લાહ શાસન હતું એને ઉખેડવા માટે અમેરિકાએ જ ઓસામા બિન-લાદેન પેદા કર્યો હતો. જયારે લાદેન એના નિયંત્રણ બહાર જઈ રહ્યો હતો ત્યારે એનો અંત પણ આણ્યો હતો. પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ અમેરિકાએ પોતાનાં હિત જાળવવા માટે કર્યો. હવે ચીન સામે ભારતીય બજારની લાહ્યમાં અમેરિકા ભારત સાથેનું સંવનન વધારે છે ત્યારે એ પોતાનાં જ હિતનો વિચાર કરે છે. કોઈ દેશ પરોપકાર કરવા માટે કોઈ દેશની વહારે જતો નથી. દુનિયાભરમાં અમુક દેશોને લડાવી મારવા અને લડતા ઝઘડતા દેશોનો ન્યાય તોળવા પોતાને ગોઠવી દેતા અમેરિકા સામે હવે ચીન મોટો પડકાર બનીને ઊભું છે. આફ્રિકી દેશો હોય કે મુસ્લિમ દેશો હોય; ચીન તેમને આર્થિક દ્રષ્ટિએ પોતાના ઓશિયાળા બનાવી પોતાના પડખામાં લેવાનું પસંદ કરે છે. રાજકીય શાસકોને માત્ર અમેરિકા જ નાણા થકી ખરીદીને નર્તન કરાવે છે એવું નથી, હવે તો એ ચાલ ચીન સુપેરે જાણે છે. અમલમાં મૂકે છે. અમેરિકાના લશ્કરી ઓડિટમાં એ બહાર આવ્યું કે અફઘાનિસ્તાનમાં ૫૦,૦૦૦ જેટલા ભૂતિયા સૈનિકો પાછળ લાખો ડોલર ખર્ચ થતો હતો. આ નાણા હકીકતમાં રાષ્ટ્રપતિ ગનીથી લઈને અફઘાન શાસકોને ખરીદવા વપરાતાં હોવાના સંકેત અમેરિકી અખબાર “વોશિંગ્ટન પોસ્ટ”ના તાજા અહેવાલમાંથી મળે  છે.

તાલિબાન શાસનને માન્યતા

અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધના દિવસોમાં પણ તૃતીય વિશ્વના દેશો અલગ રહેવાનું પસંદ કરતા હતા. એને બદલે હવે ભારત અમેરિકા ભણી સરકી રહ્યું છે. ચીન મહાસત્તા બનવા ભણી આગળ વધી રહ્યું છે ત્યારે વિદેશનીતિ અમેરિકાપરસ્ત બની રહે એનાં જોખમો ભારતીય શાસકોએ વિચારવાની જરૂર છે. ઓછામાં પૂરું, કાબુલ પર તાલિબાન જેવા કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોના સમૂહની સત્તા સ્થપાય એવા તબક્કે સઘળો મામલો સંયુક્ત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદમાં આવવાનો છે. ભારત એનું અધ્યક્ષ છે ત્યારે ભારતે તાલિબાન તરફી નિર્ણય કરવો કે વિરોધી એ દ્વિધા તો ઊભી જ છે. જોકે સુરક્ષા પરિષદમાં ભારત ભલે આ મહિને અને આગામી  ડિસેમ્બર ૨૦૨૨માં અધ્યક્ષસ્થાને હોય, વીટો વાપરવાનો અધિકાર તો અમેરિકા, રશિયા, ચીન, યુ.કે. અને ફ્રાંસ પાસે જ છે. અમેરિકા તો હવે કાબુલ પરની કહ્યાગરી સરકારના ભાગેડુ રાષ્ટ્રપતિ ગની પછીના તાલિબાન શાસનને માન્યતા આપવા તૈયાર છે. શરત એ મૂકે છે કે તાલિબાનો માનવ અધિકારોનું રક્ષણ કરે. અમેરિકાની વિદેશની ભૂમિ પરની અગાઉની તમામ લડાઈઓમાં એણે નીચાજોણું અનુભવવું પડ્યા છતાં દુનિયાની ફોજદારી કરવાની એની મહેચ્છા હજુ છૂટતી નથી. અમેરિકા કાબુલમાં તાલિબાન શાસનને માન્યતા આપે કે ના આપે; પાકિસ્તાન, ચીન અને રશિયા તો આપવાનું જ છે. ભારત માટે પણ દ્વિધાભરી સ્થિતિમાં તાલિબાનને માન્ય રાખવાની મજબૂરી સામે છે. પાકિસ્તાન અને એની ગુપ્તચર એજન્સી આઇએસઆઈ ભારત અને અફઘાનિસ્તાનના નવા શાસકો વચ્ચેના સંબંધો મધુર ના જ રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેવાના.

કાબુલમાં જોવા મળતું પરિવર્તન

તાલિબાન લડાકૂઓ દર વર્ષે ડ્રગ્સ અને ગુનાખોરી અને અપહરણો દ્વારા મેળવાતી લાખો ડોલરની રકમમાંથી પોતાના માટે શસ્ત્રો અને અન્ય સવલતોની વ્યવસ્થા કરતા રહ્યા છે. કાબુલ કબજે કરવા સુધી તાલિબાનો પહોંચ્યા એ પહેલાં રાષ્ટ્રપતિ ગની પોતાની પ્રજાને રેઢી મૂકીને તાજીકિસ્તાન ભાગી ગયા. એમના વિશ્વાસુઓ અને પ્રજા સાથે જ નહીં પોતાના દેશ સાથે પણ આ દ્રોહ ગણાવાય છે. પોતાનો જાન બચાવવા માટે એ ભાગ્યા. અમેરિકાના એજન્ટ તરીકે એમણે શાસન કર્યું. ભારત સાથેની નિકટતા જાળવીને કરોડો રૂપિયાની સહાય પણ એમના દેશ માટે મેળવી. અગ્નિપરીક્ષાના સંજોગો આવ્યા એટલે “લોહીનાં મહાપૂર ખાળવા માટે હોદ્દો છોડવાનું મેં પસંદ કર્યું” એવું જણાવતા ભલે હોય પણ એ કાયર સાબિત થયા છે. તાલિબાનોનું પહેલું ફરમાન બેંકો કે અન્યત્ર નોકરીઓ કરતી મહિલાઓને ઘરભેગી થવા માટેનું છે. કાબુલ પર  ગની શાસન હતું ત્યારે મહિલાઓ નોકરી-ધંધામાં સહભાગી થઇ શકતી હતી. ભણવા જઈ શકતી હતી. હવે તો તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઓમર ચિંધ્યા માર્ગે ચાલનારા મુલ્લાઓ અને અન્ય સમર્થકો છ મહિનામાં સરકાર સ્થાપિત કરશે. દરમિયાન, કેવી સ્થિતિ રહેશે એ કહેવું મુશ્કેલ છે. આમ પણ, અફઘાનિસ્તાન દાયકાઓથી લડાઈગ્રસ્ત રહ્યું છે. કાબુલમાં ગની સરકાર હતી ત્યારે પણ પૂરા દેશ પર એનું ચલણ નહોતું. તાલિબાનો અને સરકારી લશ્કરી દળો વચ્ચે સતત લડાઈ ચાલતી રહી છે. નવાઈ એ વાતની છે કે અમેરિકાના સૈનિકોએ ગુપચુપ દેશ છોડી જવાનું નક્કી કર્યું એના પછી તાલિબાનોની આગેકૂચ દરમિયાન સરકારી લશ્કરે પ્રતિકાર કરવાને બદલે પોતાની જગ્યા છોડી જવાનું પસંદ કર્યું છે. આવતા દિવસોમાં કાબુલમાં તાલિબાનો આજે કહે છે તેમ વિદેશી દૂતાવાસોને હાનિ પહોંચાડે છે કે કેમ એ જોવાનું રહ્યું. કાબુલમાં ઇસ્લામી કટ્ટરવાદ શાસન અમલમાં રહેશે એટલે સ્ત્રીઓએ પગ દેખાય એવાં વસ્ત્રો પહેરવાં નહીં એવું ફરમાવાયું છે. શરિયત કાનૂનનું સુપ્રીમ લીડર જે રીતે અમલીકરણ કરાવવા માંગે તે રીતનો અમલ જોવા મળશે. થોડો પો’રો ખાઈને આ તાલિબાની લડાકૂઓ ભારત ભણી કેવી દ્રષ્ટિ નાંખવાનું પસંદ કરે છે એ મોટો ચિંતાનો વિષય છે. ખાસ કરીને જમ્મૂ-કાશ્મીર પર પાકિસ્તાનના ઈશારે તાલિબાનો કુદ્રષ્ટિ કરશે કે કેમ એ અત્યારે કહેવું મુશ્કેલ છે. ભારતની રાજદ્વારી નીતિની સફળતા-નિષ્ફળતાની એમાં ખરી અગ્નિપરીક્ષા થશે.                          ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૧૬ ઓગસ્ટ ૨૦૨૧)

No comments:

Post a Comment