ઓબીસી વસ્તીગણતરીનું કોકડું ગૂંચવાયું
કારણ-રાજકારણ ; ડૉ.હરિ દેસાઈ
·
કાકાસાહેબ અને મંડળ
પછી નવું પંચ જરૂરી
·
વડાપ્રધાન
દેવેગોવડાની વાત અભેરાઈએ
·
બહુમતી નોકરીઓ માત્ર
૧૦% જાતિઓને
Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran”
for Mumbai Samachar Daily’s Sunday Supllement “UTSAV”. 4 March 2021.You may visit
haridesai.com and read the full text.
કોરોનાના પ્રતાપે વર્ષ ૨૦૨૧ની વસ્તીગણતરીનું કામ પાછું ઠેલાવાના
સંજોગો સર્જાયા,અન્યથા દેશમાં વસ્તી ગણતરીની દોઢસોમી ઝાકમઝોળથી ઉજવાતી હોત.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓનો સમૂહ એટલે કે અન્ય પછાત વર્ગો
(ઓબીસી)માંથી આવતા દેશના સૌપ્રથમ વડાપ્રધાન એચ.ડી.દેવેગોવડાએ એમના ૧ જૂન ૧૯૯૬થી ૨૧
એપ્રિલ ૧૯૯૭ના કાર્યકાળમાં ૫૨ (બાવન) ટકા
વસ્તીને માત્ર ૨૭ ટકા અનામત આપવાની ટોચમર્યાદા સામે વાંધો લીધો હતો. દેશમાં છેલ્લે
૧૯૩૧માં અન્ય પછાતોની જાતિવાર વસ્તીગણતરી કરવામાં આવી હતી.એટલે દેશમાં ઓબીસીની
તાજી વસ્તીગણતરીની પણ દેવેગોવડાએ તરફેણ કરી હતી. વડાપ્રધાન આઈ.કે.ગુજરાલ પછી એમના
અનુગામી એવા ભાજપી નેતા અટલ બિહારી વાજપેયીએ વર્ષ ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ઓબીસીની
ગણતરીની વાતને અભેરાઈએ ચડાવી દીધી.સંયોગ તો જુઓ કે પોતાને ઓબીસી વડાપ્રધાન તરીકે
ઓળખાવવામાં ગર્વની અનુભૂતિ કરનારા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ
દરમિયાન આવી ગણતરીના ગૃહમંત્રી તરીકે રાજનાથ સિંહના વચન છતાં વર્ષ ૨૦૨૧ની
વસ્તીગણતરીમાં પણ ઓબીસીની વસ્તીને અલગ તારવવાની અનિવાર્યતાને ઠેબે ચડાવાઈ છે.
મામલો વિસ્ફોટક બની રહ્યો છે. અજંપો વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનું
કોકડું સુપ્રીમ કોર્ટમાં ૫૦ ટકાની મર્યાદામાં બેસે કે નહીં એ મુદ્દે ગૂંચવાયેલું
છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સામે ગુજરાતથી જ નહીં સમગ્ર દેશમાંથી
ઓબીસી પ્રતિનિધિઓ આવીને ૬ એપ્રિલે રેલી અને દેખાવો યોજી ઓબીસીની વસ્તીગણતરી કરવાની
માંગણી કરવાનાં આયોજન થાય છે. ગુજરાતમાં ઓબીસી એકતા પરિષદના સ્થાપક અને રાષ્ટ્રીય
કક્ષાના નેતા વેરસીભાઇ ગઢવી જિલ્લે જિલ્લે કલેકટરોને આવેદનપત્રો આપીને દર દસ વર્ષે
યોજાતી વસ્તીગણતરીમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ની વસ્તીની
જેમ જ ગણતરી કરવાની અને એ મુજબ બજેટ અને અનામત આપવા ચળવળ ચલાવી રહ્યા છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ બંધારણ સુધારો કરાવીને બિન-અનામતોને એટલે કે ઉજળિયાતોને ૧૦ ટકા
અનામત આપવાનું ઠરાવ્યું એટલે સંસદમાં પણ માંગણી ઊઠી કે દેશમાં ૫૪ ટકા જેટલી અન્ય
પછાતોની વસ્તી છે એટલે એમને વસ્તીના પ્રમાણ મુજબ એસસી અને એસટીની જેમ જ અનામતનો
લાભ મળવો જોઈએ. કારણ? પેલી ૫૦ ટકાની ટોચમર્યાદા હવે નીકળી ગઈ છે, ભલે મોદી સરકારના
બંધારણ સુધારાથી વધારાયેલી અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હોય. ઓબીસીને
૨૭ ટકા અનામત આપવાના ધોરણ છતાં કેન્દ્ર સરકારમાં ૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ઓબીસી ને
માત્ર ૨૧.૫૭ ટકા બેઠકો પ્રાપ્ત થયાનું સરકાર કબૂલે છે. એસસી અને એસટીની અનામત
અનુક્રમે ૧૫ ટકા અને ૭.૫ ટકા હોવા સામે કેન્દ્રમાં એસસીથી ૧૭.૪૯ ટકા અને એસટીથી
૮.૪૭ ટકા જગ્યાઓ ભરાયેલી હોવાનું રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ડિસેમ્બર ૨૦૧૮માં
લોકસભાને જણાવ્યું હતું.
ઓબીસીને વિલંબથી અનામત
બંધારણના મુખ્ય રચયિતા ડૉ.બાબાસાહેબ આંબેડકરે તો બંધારણમાં એસસી અને
એસટી ઉપરાંત અન્ય પછાતો માટે અનામતની જોગવાઈ કરી રાખી હતી. જોકે એસસી અને એસટીને
પ્રારંભથી જ અનામતનો લાભ મળ્યો એમ ઓબીસીને એ મળ્યો નહીં. નેહરુ સરકારે ૧૯૫૩માં
નિયુક્ત કરેલા કાકાસાહેબ કાલેલકર પંચે માર્ચ ૧૯૫૫માં આપેલા અહેવાલમાં દેશમાં ૨,૩૯૯
જેટલી જ્ઞાતિઓને પછાત અને તેમાંની ૮૩૭ને ખૂબ જ પછાત લેખાવીને પછાત જ્ઞાતિઓને ૫૨
(બાવન) ટકા અનામત આપવાની ભલામણ કરી હતી. આ અહેવાલ અભેરાઈએ ચડી ગયો હતો. મોરારજી
દેસાઈની સરકારે જાન્યુઆરી ૧૯૭૯માં બી.પી.મંડળની અધ્યક્ષતામાં અન્ય પછાતો માટેનું
બીજું પંચ નિયુક્ત કર્યું હતું. એણે અહેવાલ આપ્યો ત્યાં સુધીમાં તો ઇન્દિરા ગાંધી
ફરીને વડાંપ્રધાન બની ચૂક્યાં હતાં. એમણે એ અહેવાલને અભેરાઈએ ચડાવ્યો, પણ ૧૯૯૦માં રાજકીય
સંકટમાંથી બહાર આવવા માટે વડાપ્રધાન વી.પી.સિંહે એના પરની ધૂળ ખંખેરીને અન્ય
પછાતોને ૨૭ ટકા અનામત આપવાની ઘોષણા કરી. રાષ્ટ્રવ્યાપી આંદોલનો અને
પ્રતિ-આંદોલનોનો માહોલ સર્જાયો. મામલો સુપ્રીમે ગયો. ૧૯૯૨માં ઈન્દ્રા સાહની ચુકાદા
તરીકે જાણીતા આ કેસમાં ઠરાવાયું કે અન્ય પછાતોને ૨૭ ટકા અનામત વાજબી લેખાશે, પણ
એમાં એક લાખ રૂપિયાથી વધુ આવક ધરાવનારાઓને(ક્રીમી લેયરની આવક મર્યાદા અત્યારે ૮
લાખ રૂપિયાની છે.) આ અનામતનો લાભ નહીં મળે. કુલ અનામતની ટકાવારી ૫૦%થી વધુ ના હોઈ
શકે એ પણ ઠરાવાયું. વળી, વડાપ્રધાન પી.વી.નરસિંહ રાવે આર્થિક રીતે પછાતોને ૧૦ ટકા
અનામતનો લાભ આપવાના કરેલા નિર્ણયને પણ
“બંધારણમાં આર્થિક અનામતની જોગવાઈ નથી” એવું કહીને રદ કરવાનું સુપ્રીમે પસંદ
કર્યું હતું. મંડળ પંચની ભલામણો પૂરી લાગુ કરવાને બદલે ઘણાં રાજ્યોએ આંશિક અમલ
કર્યો. એમાં ગુજરાત પણ હતું. બાકીની પછાત જાતિઓ-જ્ઞાતિઓને છેક ૧૯૯૪માં રાજ્યસ્તરે
અનામતનો લાભ મળતો થયો.
અનામત સાથે રાજરમત
દેશમાં અનામતના મુદ્દે વિવિધ સમાજો વચ્ચે સમયાંતરે સંઘર્ષ કે મનદુઃખનો
માહોલ સર્જાતો રહ્યો છે. ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) તો
પ્રારંભથી જ આર્થિક ધોરણે અનામત આપવાના ઠરાવ કરતો રહ્યો છે. અનામતની કાખઘોડી
યથાશીઘ્ર ફગાવી દેવાના સમર્થનમાં એ છે.
જોકે એના રાજકીય સંતાન ભાજપ માટે અનામત ટકાવવાની જ નહીં એનું વિસ્તરણ કરવાનું
રાજકીય લાભ માટે અનિવાર્ય છે. અનામતના લાભાલાભની સમીક્ષાની વાત સાથે જ દલિત અને
આદિવાસી સમાજ છળી ઊઠે છે. હવે તો અન્ય પછાતોમાં સામેલ થવા માટે ઉજળિયાત ગણાતી કોમો
પણ આંદોલન કરતી થઇ છે. આવા સંજોગોમાં ઈન્દ્રા સાહની ચુકાદાની સમીક્ષા કરાવીને એના
૫૦ ટકાના કેપિંગને દૂર કરવાની પણ વિચારણા થાય છે. બંધારણમાં અનામતની મર્યાદા ૫૦
ટકાથી વધે નહીં એવું નથી એ દલીલ આગળ કરી બંધારણ બદલીને આર્થિક અનામત પણ આપવાના
પ્રયાસો થાય છે. આમ પણ, અનેક રાજ્યોમાં અનામતનું પ્રમાણ ૮૦ ટકાને વળોટી ગયું છે.
આવા સંજોગોમાં અનામત યાવદ્ચન્દ્ર દિવાકરૌ રહેવાની વાતને સ્વીકારી લેવામાં આવી છે.
જોકે ઓબીસી અનામતનો લાભ અમુક જ જ્ઞાતિઓ મેળવતી હોવાની વાત ધ્યાને આવતાં દિલ્હી
હાઇકોર્ટનાં નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જી.રોહિણીની અધ્યક્ષતામાં આયોગની રચના કરીને
સમાજના કમજોર વર્ગને એનો લાભ મળે તે માટે
ચાર ઉપ-શ્રેણીમાં અનામતને વિભાજિત કરવાની ભૂમિકા અપનાવાઈ રહી છે. આયોગના ધ્યાને
આવ્યું છે કે ઓબીસી અનામત હેઠળ કેન્દ્રીય સ્તરે ૨,૬૩૩ જ્ઞાતિઓ યાદીમાં હોવા છતાં
માત્ર ૧૦૦ જ્ઞાતિઓ જ ૨૭ ટકા અનામતનો સૌથી વધુ લાભ મેળવે છે.મોટાભાગે ઓબીસીની ૧૦%
જ્ઞાતિઓ જ સરકારી નોકરીઓ મેળવે છે. કેન્દ્રીય
ઓબીસી યાદીની ૯૮૩ જ્ઞાતિઓ તો એવી છે જેમને
અનામતનો કોઈ લાભ પહોંચ્યો જ નથી.રાજ્યોમાં પણ સ્થિતિ આનાથી જુદી નથી હોતી. રોહિણી
આયોગે પણ ઓબીસીની વસ્તી કેટલી છે એનો અભ્યાસ હાથ ધરવાનું વિચારીને પછી માંડી
વાળ્યું. આ આયોગે ૨૭ માર્ચ ૨૦૧૮ સુધીમાં પોતાનો અહેવાલ આપવાનો હતો, પણ એની મુદત ૩૧
માર્ચ ૨૦૨૧ સુધી લંબાવાઈ છે. હવે
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે પણ ૨ એપ્રિલ
૨૦૨૧ના રોજ કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે વર્ષ ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં
ઓબીસીની જાતિવાર ગણતરી કરવામાં આવે. એ આંકડા આયોગને આપવામાં આવે તો એ આધારે અનામત
અને અન્ય સવલતો અંગે નિર્ણય કરી શકાય. કેન્દ્ર સરકાર ઓબીસી વસ્તીગણતરીના ૨૦૧૧ના
અંદાજિત આંકડા જાહેર કરતી નથી. વર્ષ ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં પણ ઓબીસીની ગણતરી કરવા માટે
હજુ એ તૈયાર નથી. આવા સંજોગોમાં ઓડિશા સરકારે તો પોતાના રાજ્યમાં ઓબીસી વસ્તી
ગણતરી ૧થી ૨૦ મે ૨૦૨૧ વચ્ચે કરવાનો નિર્ણય
રાજ્ય પછાત વર્ગ આયોગ મારફત કરાવ્યો છે.બિન-ભાજપી રાજ્યો આ ઉદાહરણને અનુસરી શકે
છે. રાજકીય અનુકૂળતાઓ મુજબ ચૂંટણીમાં લાભ ખાટવાની વૃત્તિથી પ્રેરાઈને જ જયારે
નિર્ણયો થતા હોય ત્યારે મામલો ઉકેલવા
કરતાં એને ગૂંચવવામાં જ રાજનેતાઓને અને
ખાસ કરીને શાસકોને વધુ રસ હોય છે. હવે તો એવું લાગે છે કે ઓબીસી અનામત બાબતે વધુ
એક પંચ નિયુક્ત થાય અને એ સમગ્રલક્ષી અભ્યાસ હાથ ધરીને ભલામણો કરે તથા એમનો તત્કાળ
વાસ્તવવાદી અમલ થાય તો જ ગનીમત.
તિખારો
મૌનની આંખમાં જે પાણી છે,
મારે મન એ જ સંતવાણી છે..
નરસિંહનો હું વંશ છું, ખુશરોનો અંશ છું,
ગુજરાતીમાં મરીઝ, ઉર્દૂમાં ફિરાક છું !
ગાંવ સે નિકલા થા તો,
માં ને પર્સ મેં મુસ્કાને રખી થી,
તેરે શહર ને જેબ કાટ લી !
-
મિલિન્દ ગઢવી
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨ એપ્રિલ ૨૦૨૧)
No comments:
Post a Comment