Wednesday 13 January 2021

Madhavsinh Solanki and his unbeaten Records

 

કોંગ્રેસના સુવર્ણ સોલંકીકાળથી પતનકાળ લગી

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         આધુનિક ગુજરાતના શિલ્પી માધવસિંહ સોલંકી ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા હતા

·         વંચિતોના મસીહા અને અનેક નવતર યોજનાઓ શરૂ  કરનાર દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી

·         નર્મદા યોજનાને પર્યાવરણવાંધા સામે રાજીવ કનેથી આર્થિક મંજૂરી અપાવી હતી

·         પટેલ-બ્રાહ્મણ વેવાઈ ધરાવતા પછાત વર્ગના નેતા અનામત સમર્થન માટે બદનામ

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand) and Gujarat Samachar (London). 

કેન્દ્ર અને રાજ્યોમાં પણ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સર્વોચ્ચ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીને અંજલિ અર્પતાં “દાયકાઓ સુધી ગુજરાતના રાજકારણમાં મોટા ગજાના નેતા” તરીકે ભાવસભર ઉલ્લેખ કરે એ ચાર-ચાર વાર મુખ્યમંત્રી રહેલા નેતાનો પ્રભાવ ગુજરાતમાં ઓસરવાને કારણે જ ભાજપનો સિતારો ચમક્યો.આધુનિક ગુજરાતના શિલ્પી તરીકે એમણે ગુજરાતના ઉદ્યોગીકરણ જ નહીં, અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે ૨૭ % અનામતની વ્યવસ્થા કરવાની પહેલ ઉપરાંત મફત કન્યા કેળવણી અને મધ્યાહ્ન ભોજન યોજના સહિતની અનેક બાબતો અમલી બનાવવામાં પહેલ કરી હતી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અત્યંત વિશ્વાસુ રહેલા સોલંકી વડાપ્રધાન રાજીવ ગાંધીના પણ વિશ્વાસુ રહ્યા.  વડાપ્રધાન વી.પી.સિંહે મંડળ પંચનો અમલ કરી ઓબીસીને અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં ઓબીસી અનામત ગુજરાતમાં અમલી કરનાર કોંગ્રેસી નેતા માધવસિંહને પોતાના જનતા દળમાં સામેલ થવાનું સામેથી નોતરું આપ્યા છતાં નેહરુ-ગાંધી પરિવારને અંતિમ શ્વાસ સુધી વફાદાર રહેલા સોલંકીએ પોતાના મિત્રના આ ભાવભર્યા ઈજનને નકાર્યું હતું. એ સાથે જ  કેન્દ્રમાં  મંત્રી પદ પણ. રાજીવ સરકારમાં એ આયોજન મંત્રીના નાતે  આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા ત્યારે કેન્દ્રના એ વેળાના નિયામક અને પછીથી કેન્દ્રમાં જળસંસાધન સચિવ થયેલા મૂળ ભરૂચના બાબુભાઈ નવલાવાલા (મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી મુખ્યમંત્રીના સલાહકાર રહેલા) સાથે વડાપ્રધાન રાજીવ ગાંધી કને જઈને  પર્યાવરણ સચિવ ટી.એન.શેષનની  પર્યાવરણ મંજૂરી નહીં આપવાની નોંધ સામે વિરોધ દર્શાવીને   નર્મદા યોજનાને આર્થિક મંજૂરી અપાવવામાં સફળ રહેલા માધવસિંહ સોલંકી ક્યારેય “મેં કર્યું, મેં કર્યું”ના સ્વમોહમાં પડ્યા નથી. સ્વભાવે રંગીન મિજાજી, સાહિત્યપ્રેમી, કાવ્ય-ગઝલપ્રેમી એવા એ કામગરા માણસ. બહુમુખી પ્રતિભા ધરાવનાર. માત્ર એક વીઘો જમીન ધરાવતા બાપના ઘરમાં પેદા થયા હોવા  છતાં આપબળે અને ઇન્દુલાલ યાજ્ઞિક કે બાબુભાઈ જશભાઈ પટેલ જેવા સ્વજનોની હૂંફથી અને  ઇન્દ્રવદન ઠાકોરની માલિકીના “ગુજરાત સમાચાર”માં કાર્યરત પત્રકારમાંથી ચાર-ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના આયોજન મંત્રી જ નહીં, વિદેશમંત્રી ય  બન્યા છતાં ક્યારેય પોતાની ગરીબીનું માર્કેટિંગ કર્યું નથી.

વિક્રમી અને સૌથી ઓછી બેઠકો

મુંબઈ રાજ્યની વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતમાં નાયબ મંત્રી તથા રાજ્ય મંત્રી રહેલા આ જણે વકીલાત કરવા માટે મંત્રીપદેથી રાજીનામું આપીને નોખો દાખલો પણ બેસાડ્યો હતો. ગુજરાત કોંગ્રેસના બબ્બેવાર પ્રમુખ રહેલા અને પક્ષનાં અ.ભા. મહામંત્રી રહેલા આ પ્રજાવત્સલ નેતા અને  શાસકના જવાથી રાજકીય ખાલીપો તો અનુભવતો હશે, પણ શબ્દસાધકોને પણ એમની ખોટ જરૂર વર્તાશે. જે ઝીણાભાઈ દરજી અને માધવસિંહ થકી ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરી થકી વર્ષ ૧૯૮૫માં વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકોનો અતૂટ વિક્રમ સ્થાપનાર માધવસિંહના પક્ષના જ વિરોધીઓના પ્રતાપે ૧૯૯૦માં કોંગ્રેસને ૧૮૨ બેઠકોમાંથી માત્ર ૩૩ બેઠકો મળવાની નાલેશી પણ એમના જ કપાળે લખાઈ હતી. ”ચીમન ચોર”ના નારા લગાવનારા જનસંઘ-ભાજપી નેતાઓ ૧૯૯૦માં એ જ ચીમનભાઈ પટેલની લૂણ ખખડાવતાં તેમની સરકારમાં જોડાયા હતા.  જોકે વિવાદાસ્પદ બોફર્સ પત્રને પગલે વિદેશમંત્રી માધવસિંહ રાજકારણમાં નીરસ થવા માંડ્યા ત્યારથી કોંગ્રેસની ગુજરાતમાં પનોતી બેઠી અને વામણાઓના યુગમાં  કોંગ્રેસ છેલ્લા અઢી દાયકાથી માધવસિંહ જેવો પ્રજા સાથેનો જીવંત સંપર્ક ગુમાવી બેસતાં પતનકાળની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ખામ થિયરીને ભાંડનારાઓ સંઘ-ભાજપના કે.એન. ગોવિંદાચાર્યની સોશિયલ એન્જિનિયરિંગની થિયરીના નામે એને નવસ્વરૂપે અપનાવીને વિજયપતાકા લહેરાવે છે.

મોત એક વર્ષ વહેલું ભેટ્યું

માધવસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે અને નહોતા ત્યારે કે કેન્દ્રમાં આયોજન મંત્રી હતા ત્યારે પણ એમને મુંબઈથી ગાંધીનગરમાં  કે નવી દિલ્હીમાં  ૨, મોતીલાલ નેહરુ માર્ગ પર  નિરાંતે મળવાનું થતું હતું. અનેક વ્યસ્તતાઓ છતાં માત્ર ઉદ્યોગપતિઓ કે તંત્રીઓને જ મળે એવું નહીં; એ સામાન્ય માણસો અને સામાન્ય રિપોર્ટરને પણ એટલી જ સહજતાથી મળે. પાણીપત્રક  એ વાસ્તવમાં પાહણીપત્રક (તલાટી ખેતરોના પાક જોઇને તૈયાર કરે તે) હોવાનું અમારા જેવા ખેડૂતપુત્ર તંત્રીને સમજાવે ય ખરા. લગભગ ૨૫ વર્ષના અંતરાલ પછી એકવાર ૨ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ એમને મળવાનું થયું ત્યારે પણ એટલા જ સ્વજનભાવે એ મળ્યા. અમે તો એમની કોંગ્રેસ અને એમના શાસન કાળની ટીકા કરતાં લખાણો લખતા રહ્યા છતાં ક્યારેય મોઢું મચકોડ્યું નથી. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા સાથે ચા પીતાં વાત નીકળેલી કે માધવસિંહભાઈએ પુસ્તક લખ્યું છે. અમે ઉત્સુક હતા એ વાંચવા. ત્યાંથી જ ફોન જોડ્યો. એમણે “હું માધવસિંહ બોલું છું”નો જાણીતો પ્રત્યુત્તર વાળ્યો. પુસ્તકની વાત પૂછી તો કહે:    “ના, મેં કોઈ પુસ્તક લખ્યું નથી, પણ તમને કદાચ ૧૫૦ વર્ષ જૂના પુસ્તકમાં રસ પડે.” અમે ગયા. વાતો ખૂબ ચાલી. એમણે પુસ્તક આપ્યું. બીજા દિવસે નકલ કરાવી પાછું વાળવા ગયા ત્યારે પણ વાતો ખૂબ ચાલી. મૂળે માધવસિંહ ડાયરાના માણસ. હા, કોની સાથે કેટલી વાત કરવી એ બરાબર જાણે. અમારી સાથે વાતે વળગ્યા. મૃત્યુની વાત કરવા માંડ્યા. મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે એ જાણવાની એમની ઉત્સુકતા અમે એમની મંજૂરીથી ફોનમાં રેકોર્ડ પણ કરી. એમણે ૯૫ વર્ષ જીવવું હતું.એક વર્ષ વહેલા ગયા. એમણે જીવનસાથી વિમળા બહેનને ગુમાવ્યાં પછી એકાકીપણું અનુભવતા હશે એટલે વહેલી માયા સંકેલી લીધી. પુસ્તકો અને પર્યટનનો એમનો શોખ ગજબનો.રાજીવે કેન્દ્રમાં મંત્રીપદ ઓફર કર્યું ત્યારે નન્નો ભણીને છ મહિના માટે એ યુરો રેલમાં યુરોપના પ્રવાસે થેલો લઈને નીકળી પડ્યા હતા.  નરસિંહ મકવાણા જેવા કોઈને ઘરેથી વિદાય કરવા હોય તો એ રજનીશની કેસેટ મૂકવા આદેશ કરે અને નરસિંહભાઈ કહે, “સાહેબ, હું નીકળું છું.” એમની જીવનકથાની હસ્તપ્રત દિનકર પંડ્યાએ તૈયાર કરી હતી, પણ પંડ્યાના નિધન પછી એ હાથ ના લાગી. એચ.આર. પાટણકર જેવા સનદી અધિકારી હવે એમના જીવન વિશે લખે તો વહીવટી બાબતોમાં તેમની કુશળતા અને બીજા અનુભવો અધિકૃતપણે મળી શકે, અન્યથા માધવસિંહના નામે પોતાના વ્યક્તિત્વને ચમકાવનારાઓ ન જાણે કેવો વિકૃત ઈતિહાસ રજૂ કરે એ કહેવાય નહીં.

અનામતવિરોધી  અને પટેલ આંદોલન

માધવસિંહ જેવા મજબૂત નેતાને નડવાનું કામ એમના જ પક્ષના નેતાઓએ કર્યું અને આવા કદાવર અને જનનાયક જેવા નેતાને ખલનાયક ચીતરવાનું કામ પણ. માધવસિંહ હોય ત્યાં લગી રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે જ ઉપસે એવું ગણિત વિપક્ષો પણ સ્વીકારતા હતા. માધવસિંહ તમામ સમાજને સાથે લઈને ચાલનારા. ૧૯૭૩-૯૪ના નવનિર્માણ આંદોલન પછી ૧૯૭૫ની વિધાનસભા ચૂંટણીમાં પણ સૌથી મોટા પક્ષ તરીકે માધવસિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ જ આવી, પણ જે લોકોએ મુખ્યમંત્રીપદેથી ચીમનભાઈ પટેલને દૂર કરાવવા આંદોલન અને ઉપવાસ કર્યા હતા એ મોરારજી દેસાઈ અને જનસંઘના લોકોએ એ જ ચીમનભાઈના કિમલોપના ૧૨ ધારાસભ્યોના ટેકે જ બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં જનતા મોરચા સરકાર રચી. એ ગબડી ત્યારે માધવસિંહ મુખ્યમંત્રી થયા. એ ઈમરજન્સીનો સમયગાળો હતો. કેન્દ્રમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં માર્ચ ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકાર આવી એટલે નવ રાજ્યોમાં વિપક્ષી સરકારો બરખાસ્ત થઇ અને એમાં ગુજરાતનો વારો પણ આવ્યો.કેન્દ્રમાં મોરારજી અને ચરણસિંહ સરકાર પછી ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં ફરી ભારે બહુમતી સાથે સત્તામાં આવ્યાં અને ગુજરાતમાં પણ કોંગ્રેસને માધવસિંહના નેતૃત્વમાં ભવ્ય વિજય મળ્યો એટલે એ ફરી મુખ્યમંત્રી થયા. ઇન્દિરા ગાંધીના એ એટલા વિશ્વાસુ હતા કે વડાંપ્રધાનના સચિવ આર.કે.ધવન કંઇક કહે ત્યારે એ કહેતા કે “હું મેડમ સાથે વાત કરીશ.” બાકીના મુખ્યમંત્રી માટે ધવનનો શબ્દ આદેશ ગણાતો. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. ૧૯૮૫ની ચૂંટણીમાં માધવસિંહની કોંગ્રેસને ભવ્ય બહુમતી મળી અને એ ફરી મુખ્યમંત્રી બન્યા.  ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન ૧૯૮૧પછી ૧૯૮૫માં પણ થયું. પટેલો અને  સવર્ણોએ માધવસિંહ સરકારની ૨૭ % ઓબીસી અનામત સામે જંગ ખેલ્યો અને એનો વિરોધ કર્યો. આંદોલન હિંસક વલણ લઇ રહ્યું હતું ત્યારે ખુદ માધવસિંહ પર પણ હુમલો થયો. આ આંદોલનને કોમી વળાંક આપવામાં એમની કોંગ્રેસના જ કેટલાક લોકો સક્રિય હતા. વડાપ્રધાન રાજીવને એમણે રાજીનામું ધર્યું.  મિતભાષી માધવસિંહ સોલંકીએ પોતાના જીવનના અંતિમ  દિવસોમાં “વીઆર લાઈવ”ના અધિપતિ પદ્મકાંત ત્રિવેદીને આપેલા ટીવી ઇન્ટર્વ્યૂમાં પહેલીવાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહમંત્રી અમરસિંહ ચૌધરીની હતી છતાં મહત્વાકાંક્ષી અમરસિંહે “ગુજરાત સમાચાર”ને બાળવાની ઘટનાથી લઈને રમખાણોની જવાબદારી સિફતથી માધવસિંહને શિરે સેરવી હતી.અમરસિંહ મુખ્યમંત્રી બન્યા તો ખરા, પણ ૧૯૯૦ની ચૂંટણી પહેલાં મોવડીમંડળ થકી ફરી માધવસિંહને મુખ્યમંત્રી તરીકે પાઠવાયા.

કેશુભાઈ-આનંદીબહેનને કોણે કાઢ્યાં ?

આ અનામત વિરોધી આંદોલન વખતે માધવસિંહને ખલનાયક ગણાવાયા એટલું જ નહીં એમના નામે “પટેલોનાં બૈરાંને સીસીમાં તેલ લેવા જતાં કરી દઈશ” એવું ચડાવવાનો અપપ્રચાર ચાલ્યો.  જૂઠાણાં ખૂબ ચાલ્યાં. ક્યારેક તેમના સસરા અને કોંગ્રેસના સાંસદ ઈશ્વરભાઈ ચાવડાને નામે એ કથન ચડાવાયું. હકીકતમાં આ બંનેમાંથી એકેય આવું બોલ્યા નહોતા, એવું સ્વયં સોલંકીના પેલા પદ્મકાંતવાળા ઇન્ટર્વ્યૂમાં સ્પષ્ટ થયું હતું. સ્વયં માધવસિંહ ભલે ઓબીસી સમાજના હોય, એમના દીકરાઓ ભરતસિંહ અને અતુલ તથા  દીકરી અલકા (લંડન)નાં સાસરિયાં પટેલ છે તેમ જ  મોટી દીકરી વસુધાને બ્રાહ્મણ પરિવારમાં પરણાવાઈ હતી. આવા સંજોગોમાં સોલંકી પટેલો વિરુદ્ધ કે બ્રાહ્મણો વિરુદ્ધ કે કોઈપણ સમાજ વિરુદ્ધ નિવેદન કરે એ શક્ય જ નહોતું. નવાઈની વાત તો એ હતી કે જે  પટેલોએ અનામતનો વિરોધ કર્યો હતો એ જ પટેલોનો  સમાજ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના સમયગાળામાં અનામત માટે આંદોલન કરી રહ્યો હતો.આનંદીબહેને પટેલોને અનામત ના મળે એવું કહ્યું હતું. એ જ સમયે માધવસિંહ પેલો ઇન્ટર્વ્યૂ આપી રહ્યા હતા. પોલીસે જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદાર સમાજની રેલીના શાંત લોકો પર અત્યાચાર કર્યો, પટેલ મહિલાઓની ઘરમાં ઘૂસીને  મારઝૂડ કરી, ગાળો ભાંડી અને મુખ્યમંત્રી આનંદીબહેન આ ઘટનાક્રમથી અજાણ હતાં એટલું જ નહીં એમને મુખ્યમંત્રી પદેથી જવું પડ્યું. પટેલ સમાજના જ ચીમનભાઈ પટેલ અને  કેશુભાઈ પટેલે મુખ્યમંત્રીપદેથી કયા સૂત્રધારોના ઈશારે કયા સંજોગોમાં જવું પડ્યું હતું એનો વિચાર કરી લેવામાં આવે તો રાજકારણ કેટલી હીન કક્ષાએ પહોંચ્યું છે એ સમજાઈ જશે. કમસે કમ માધવસિંહ જેવા વ્યક્તિત્વની વિદાય પછી કોંગ્રેસ અને ભાજપ બંને આત્મનિરીક્ષણ કરીને ગુજરાતના જાહેર જીવનમાં મૂલ્યોને પુનઃપ્રસ્થાપિત કરવા ભણી એકાદ ડગલું પણ આગળ વધશે તો આ મહામાનવના આત્માને સ્વર્ગમાં પણ શાંતિ મળશે.

ઈ-મેઈલ: haridesai@gmail.com        (લખ્યા તારીખ: ૧૦ જાન્યુઆરી ૨૦૨૧)

 

No comments:

Post a Comment