Sunday 15 November 2020

Census 2021 and Adivasi Dharm

 

ઝારખંડમાં સર્વાનુમત આદિવાસી ધર્મ

 કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         વર્ષ ૨૦૨૧ની વસ્તી ગણતરી મામલે ગૂંચ

·         સંઘસુપ્રીમો ભાગવત વિરુદ્ધ ભાજપી વલણ

·         ૬ ડિસેમ્બરે રાયપુર બેઠક નિર્ણાયક ઠરશે

રાજકીય સ્વાર્થ કેવાં કેવાં સમાધાન કરવા પ્રેરે છે એનું તાજું ઉદાહરણ ઝારખંડ વિધાનસભામાં જોવા મળ્યું: આદિવાસીઓ હિંદુ છે એવું ગાઈવગાડીને કહી રહેલા સંઘ પરિવારના જ ફરજંદ એવા ભારતીય જનતા પક્ષે ઝારખંડ વિધાનસભામાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ સહિતના પક્ષોના બનેલા  સત્તારૂઢ મોરચા વતી મુખ્યમંત્રી હેમંત સોરેને રજૂ કરેલા “આદિવાસી સરના ધર્મ”ના  પ્રસ્તાવનું સર્વાનુમતે સમર્થન કર્યું. આગામી ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૧માં યોજાનારી વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે ધર્મના ખાનામાં “આદિવાસી સરના ધર્મ” લખવા બાબત કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ આગ્રહ કરવામાં ભાજપએ પણ  સૂર પૂરાવ્યો. ઝારખંડ રાજ્યમાં આદિવાસી વસ્તી બહુમતીમાં નથી, પરંતુ હજુ ગત ડિસેમ્બર ૨૦૧૯માં પરાજિત એકમાત્ર  બિન-આદિવાસી ભાજપી  મુખ્યમંત્રી રઘુવીર દાસને ઘરભેગા કરાયા પછી ૨૬.૩ % જેટલી રાજ્યની આદિવાસી વસ્તી અને સરના ધર્મગુરુઓમાં એટલી બધી આક્રમકતા જોવા મળે છે કે મુખ્યમંત્રી હેમંત સોરેને જ નહીં, તમામ રાજકીય પક્ષોની બનેલી  ૮૨ (૧ નામનિયુક્ત સભ્ય સહિત) સભ્યોની વિધાનસભાએ ૭૦ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમત ઠરાવ કરવો પડ્યો કે આદિવાસી પ્રજા વસ્તી ગણતરીમાં માત્ર “આદિવાસી સરના ધર્મ” જ નોંધાવશે. ભાજપના કુલ ૨૭ ધારાસભ્યોમાંથી માત્ર બે જ આદિવાસી અનામત ક્ષેત્રના વિજયી હોવા છતાં તેણે પણ માતૃસંસ્થા  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવતના આદિવાસી હિંદુ હોવાના એલાનને ફગાવીને મુખ્યમંત્રી સોરેનના પ્રસ્તાવનું સમર્થન કર્યું. દેશના ૧૨થી ૧૫ કરોડ જેટલા આદિવાસીઓમાં આજકાલ તેઓ હિંદુ નહીં, પણ પ્રકૃતિપૂજક આદિવાસી ધર્મના જ હોવાની બાબતે એક પ્રકારનો અજંપો છે.

આદિવાસી અસ્મિતા અંગે જાગૃતિ

વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૨૧ રાજ્યોના આદિવાસીઓમાંથી ૫૦ લાખે ધર્મના ખાનામાં “સરના ધર્મ” લખાવ્યો હતો, પણ ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ગુજરાતમાં દેશભરના આદિવાસી સમાજના પ્રતિનિધિઓની બેઠકમાં વર્ષ ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં દેશભરના આદિવાસીઓ ધર્મના ખાનામાં “આદિવાસી ધર્મ” લખાવે એ અંગે સર્વાનુમતિ સધાઈ હોવા છતાં હજી કેન્દ્ર સરકારે આ વાતને આદિવાસીઓના લાંબા સમયના  આંદોલન છતાં માન્ય રાખી નથી. આદિવાસીઓ હિંદુ ના  લખાવે તો હિંદુ વસ્તીનું પ્રમાણ ઘટે એવી ધાસ્તી છે. સામે પક્ષે ભાજપ સહિતના પક્ષોના ટેકાથી મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા રજૂ કરાયેલા ઝારખંડ વિધાનસભાના સર્વાનુમત ઠરાવ પછી વસ્તી ગણતરીમાં આદિવાસી ધર્મનો સમાવેશ કરાય છે કે નહીં એ જોવું રહ્યું. કેન્દ્ર આ બાબત ના સ્વીકારે તો મુખ્યમંત્રી સોરેનનું કદ  દેશભરના આદિવાસીઓમાં વધે અને આંદોલન તીવ્ર બને. આગામી ૬ ડિસેમ્બરે છત્તીસગઢના રાયપુરમાં દેશભરના આદિવાસી પ્રતિનિધિઓની બેઠકમાં આગામી વ્યૂહરચના નક્કી કરાશે. દુનિયામાં વસતા આદિવાસીઓમાંથી ત્રીજા ભાગના આદિવાસી ભારતમાં વસતા હોવા છતાં એમનામાં આવેલી સ્વની ઓળખ અને અધિકાર અંગેની  જાગૃતિને અવગણવાનું સત્તાવાળાઓ માટે અશક્ય છે.  

વર્ષ ૧૯૬૧ની વસ્તી ગણતરીમાં ફેરફાર

વર્ષ ૧૯૫૧ લગી એટલે કે આઝાદીની પ્રથમ વસ્તી ગણતરી સુધી  ધર્મના ખાનામાં “આદિવાસી” માટે જોગવાઈ હતી, પણ વર્ષ ૧૯૬૧ની વસ્તી ગણતરીમાં એને દૂર કરવામાં આવતાં આદિવાસીઓએ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિતના ધર્મમાંથી એકની પસંદગી કરવી અનિવાર્ય બની ગઈ હતી. વર્ષ ૧૮૭૨માં બ્રિટિશ સરકારે ભારતમાં વસ્તી ગણતરી આરંભી અને વર્ષ  ૧૮૮૧માં પહેલીવાર પૂર્ણ વસ્તી ગણતરી યોજાઈ ત્યારથી દર દસ વર્ષે વસ્તીગણતરી યોજાતી રહી છે. વર્ષ ૧૯૩૧માં વસ્તી ગણતરીમાં “આદિવાસી ધર્મ” શબ્દ વપરાયો હતો. અગાઉ હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ઉપરાંત આદિવાસી, બ્રહ્મો. કબીરપંથી, સતનામી, નટવરશિવ, કુમ્ભીપત્તિયા, મુસ્લિમ- સુન્ની અને શિયાનો સમાવેશ વસ્તી ગણતરીમાં ધર્મના ખાનામાં થતો હતો. આઝાદી પછી આદિવાસી સમાજને લાગવા માંડ્યું કે એની ઓળખ ભૂંસાતી ચાલી છે. અનામતની જોગવાઈ મળી, પણ આદિવાસી તરીકેની ઓળખ ગુમાવાનો વારો આવ્યો. આદિવાસીને બદલે વનવાસી શબ્દ પ્રયોગ સંઘ પરિવારમાં થવા માંડ્યો એ સામે પણ ઉહાપોહ મચ્યો. ઓક્સફર્ડમાંથી એમ.એ. થયેલા અને આઇસીએસ થઈને રાજીનામું આપનાર તેમજ ચાર-ચાર વાર લોકસભાના સભ્ય રહેલા બિહાર- ઝારખંડના આદિવાસી નેતા  જયપાલ સિંહ મુંડાએ ભારતીય બંધારણસભામાં બંધારણમાં “અનુસૂચિત જાતિ (શિડ્યુલ્ડ ટ્રાઈબ)” શબ્દને બદલે “આદિવાસી” શબ્દનો જ આગ્રહ સેવ્યો હતો;પરંતુ એ અમાન્ય કરાયો હતો. આદિવાસીની જીવન પદ્ધતિ લોકશાહી પરંપરાને અનુરૂપ હોવાની વાત જયપાલસિંહ સતત કરતા રહ્યા હતા. ઝારખંડના સરના ધર્મને વ્યાખ્યાયિત કરવાનું મુશ્કેલ છે, પરંતુ ડૉ. રામદયાલ મુંડાએ “આદિ ધર્મ”ને  સુપેરે વ્યાખ્યાયિત કર્યો છે. અગાઉ પ્રકૃતિપૂજક  આદિવાસી ધર્મને ૧૯૩૧ની વસ્તી ગણતરીમાં સ્થાન મળ્યું છે અને છેક ૧૯૫૧ સુધી એની સ્વીકૃતિને બહાલ રખાઈ હોવાને કારણે દેશભરના ૧૦,૪૨,૮૧,૦૩૪( વર્ષ ૨૦૧૧માં કુલ વસ્તીના ૮.૬ % જેટલા) આદિવાસીઓનો મત દેશના માત્ર રાજકારણ જ નહીં; સમાજકારણમાં  પણ મહત્વ ધરાવે છે.

ખ્રિસ્તી અને હિંદુ વચ્ચે આદિવાસી

ઝારખંડમાં ખ્રિસ્તી મિશનરીઓ અને હિંદુ સંગઠનો વચ્ચે આદિવાસી પોતાની ઓળખ ગુમાવી રહ્યો હોવાનું આદિવાસી નેતાઓ માની રહ્યા છે. આદિવાસીઓના ખ્રિસ્તીકરણ સામે આરએસએસનાં સંગઠનો કામે વળ્યાં છે. આદિવાસીઓને વસ્તી ગણતરીમાં ધર્મના ખાનામાં  હિંદુ લખવા માટે ઝુંબેશ ચલાવવાની હાકલ પણ કરાઈ છે. ઝારખંડમાં આદિવાસીઓ પોતાના માટે લાંબા સમયથી સરના ધર્મ કોડની માંગણી કરી રહ્યા છે. સરના ધર્મગુરુ બંધન તિગ્ગા કહે છે કે મોહન ભાગવતના કહેવાથી અમે આદિવાસીઓ હિંદુ ધર્મ અપનાવવાના નથી. છેલ્લી બે વસ્તી ગણતરીમાં અમે અમારો ધર્મ “સરના” લખ્યો છે. ઝારખંડ જ નહીં, કુલ ૨૧ રાજ્યોના આદિવાસીઓએ સરના લખ્યો છે અને આ વખતે પણ લખશે.  આદિવાસીઓના ધર્મની ઝુંબેશના ગુજરાતના પ્રભારી લાલુભાઈ વસાવા કહે છે કે આદિવાસીઓ ૮૩ પ્રકારના ધર્મ પાળે છે એટલે “આદિવાસી ધર્મ” એટલું જ લખાય એ જરૂરી છે. આગામી ૬ ડિસેમ્બરે રાયપુરમાં આ અંગે નિર્ણય લેવાશે. માત્ર ૪૪ લાખની જૈન વસ્તીનો ધર્મ વસ્તી ગણતરીમાં નોંધવામાં આવતો હોય તો અમે તો દેશમાં ૧૫ કરોડ છીએ અને અમારો આદિવાસી ધર્મ નોંધાવો જોઈએ. સાચા અર્થમાં  લાલુભાઈ આદિવાસી સરના ધર્મ ઝારખંડ પૂરતો સીમિત હોવાનું ગણાવે છે. હકીકતમાં દેશમાં  ૭૮૧ પ્રકારના આદિવાસી સમુદાય રહે છે અને એમની ૮૩ અલગ અલગ ધાર્મિક પરંપરાઓ છે.  આદિવાસીઓના સંગઠન “રાષ્ટ્રીય આદિવાસી-ઇન્ડીજીનસ ધર્મ સમન્વય સમિતિના સંયોજક અરવિંદ ઉરાંવ કહે છે કે દેશભરના આદિવાસીઓના પ્રતિનિધિઓએ વસ્તી ગણતરી ૨૦૨૧માં ધર્મના ખાનામાં આદિવાસી ધર્મ કોડ લખાવાય એની માંગણીના ટેકામાં ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ દિલ્હીના જંતરમંતર પર એક દિવસના ધરણાં કર્યાં હતાં.  મામલો માત્ર ઝારખંડ પૂરતો સીમિત નથી, આ બાબત દેશભરના આદિવાસીઓ માટે પ્રાણપ્રશ્ન બની ગયો છે. વટાળપ્રવૃત્તિ અટકાવવાના ઈરાદે ઝારખંડમાં અગાઉની ભાજપ સરકારે  ખ્રિસ્તી મિશનરીઓને અંકુશમાં લાવવા અને વટાળ પ્રવૃત્તિને નાથવા માટે કાનૂન કરવાની કોશિશ પણ કરી હતી. જોકે આદિવાસી કોઈ પણ ધર્મ અપનાવે, એને મળેલા બંધારણીય અધિકાર અબાધિત રહે છે. ખ્રિસ્તી આદિવાસીઓના અનામત અંગેના અધિકાર પર કાપ મૂકવાની કોશિશ કરાતી રહી, પરંતુ એમાં ઝાઝી સફળતા મળી નથી. આદિવાસી બહુલ મુદ્દે ઝારખંડ અને છત્તીસગઢ જેવાં અલગ રાજ્ય આકાર પામ્યાં ખરાં, પણ હવે એ આદિવાસી બહુલ નથી રહ્યાં એ હકીકત છે. અહીં રાજકારણ અને ધર્મકારણની સેળભેળ થતી હોવાને કારણે પ્રશ્ન સંવેદનશીલ બની જય છે એટલે એને સાવચેતીપૂર્વક હાથ ધરવામાં જ ગનીમત.

તિખારો

અમે કોણ?

અમે જંગલમાં ને ડુંગરોમાં વસનારા

જંગલના ખરા માલિક, ડુંગરોના રાજા

આદિકાળથી જંગલોમાં રહેતા આવેલા

ધરતીના પેટમાંથી અનાજ ઉગાડનારા

અમે કોણ?

જંગલમાંથી ફળફૂલ ખાનારા

ડુંગરોમાંથી ખળખળતું પાણી પીનારા

ખુમારીથી જીવનારા- જિવાડનારા 

જંગલના વાઘ જેવી ખુમારી

નહીં કરનારા કોઈની ગુલામી

ભૂખ્યાં સૂઈ જઈએ પણ ભીખ નહીં માગીએ

જંગલ ડુંગરેથી ખાવાનું લાવનારા.

......

પ્રકૃતિ અમારી મા-બાપ

એટલે તેને પૂજીએ છીએ .

જે સ્થાને ખાવાનું મળે તે અમારું દેવસ્થળ

જે અમને સાચવે તે અમારો દેવ

વનદેવ

ડુંગરદેવ

વાગદેવ

નાગદેવને માનનારા

કુદરતને માથે રાખીને જીવનારા

બીજાના એહસાન હેઠળ ન જીવનારા

ધરતીમાતાના ખોળામાં જીવનારા

ખુમારીથી ધરતીમાતાના ખોળામાં મરનારા

અમે કોણ?

ધરતીમાતાના દીકરા..  

 

-     ડૉ. માનસિંહ ચૌધરી ( ઊંચામાળા તા.વ્યારા)

ઈ-મેઈલ: haridesai@gmail.com                       (લખ્યા તારીખ: ૧૩ નવેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment