Wednesday 18 March 2020

Kavi Kaidirai Atalji in the role of Shankar who drinks Halahal

સ્વજનોએ દીધેલાં હળાહળ પચાવીને સદાપ્રસન્ન કવિ કૈદીરાય
ડૉ.હરિ દેસાઈ
·         ભાજપના સંસ્થાપક અધ્યક્ષ અટલજીએ “સૂરજ નિકલેગા,અંધેરા છટેગા, કમલ ખિલેગા” કહીને કાર્યકરોમાં જોશ ભર્યું હતું
·         હિંદુ હોવાના ગર્વની અનુભૂતિ ખરી,પણ અન્યો ભણી દ્વેષનો કદીએ ડંખ નહીં નહીં રાખનાર રાજપુરુષ એવા વાજપેયી
·         આજીવન અપરિણીત રહ્યા,પણ પોતે બ્રહ્મચારી નહીં હોવાનું સંસદમાં કહેવાની નૈતિક હિંમત પણ ધરાવતા રહ્યા
·         ૧૯૪૨માં “હિંદ છોડો” હાકલને પગલે પુખ્ત નહોતા એવા અટલજી આગ્રાની બચ્ચા બેરેકમાં ૨૪ દિવસ જેલવાસમાં

ભારતીય રાજકારણમાં ડગલેને પગલે પારકાઓ થકી અપાયેલાં નહીં,પણ પોતીકાઓનાં દીધેલાં હળાહળ પીને પણ સદાય પોતાની મસ્તીમાં મસ્ત રહેનાર રાજનેતાથીય મૂઠીઊંચેરા રાજપુરુષ અને જન્મજાત કવિ એવા અટલ બિહારી વાજપેયી જેવું ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેવાનું. એમની સાથે છબિયુંમાં કંડારાઈને પોતાના વર્તમાન અને ભવિષ્યને ચકચકિત કરનારાઓનો આજે તોટો નથી,પણ વડાપ્રધાન રહેલી આ વ્યક્તિની સહજતા અને ગરિમા સત્તાધીશો અને વિપક્ષે બેસનારાઓ માટે નિશ્ચિત પ્રેરણારૂપ લેખાય. સત્તાસ્થાને પીઢ કોંગ્રેસી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ હોય અને સામી પાટલીએ પહેલીવાર ૧૯૫૭માં ચૂંટાયેલો સંઘ-જનસંઘનો નિષ્ઠાવંત છોકરડો નામે અટલ બિહારી હોય. વાજપેયીના પ્રથમ ભાષણથી પ્રભાવિત થઈને શાબાશી આપવાની સાથે જ વિરાટ વ્યક્તિત્વ ધરાવનારા નેહરુએ ભવિષ્યવાણી કરી હતી કે વાજપેયી ભવિષ્યમાં વડાપ્રધાન થશે. અટલજી અદભુત વક્તા રહ્યા.એ ઘણીવાર કહેતા કે લોગ સુનને કે લિએ તો બહોત આતે હૈં,  લેકિન વોટ નહીં દેતે. જોકે એ ભાજપને સત્તા સુધી લઇ જવામાં એ સફળ રહ્યા.પાયાના પથ્થર બન્યા. વર્ષ ૧૯૮૦માં મુંબઈમાં ભાજપના પ્રથમ અધિવેશનમાં સંસ્થાપક અધ્યક્ષ તરીકે અટલજીએ “સૂરજ નિકલેગા,અંધેરા છટેગા, કમલ ખિલેગા” જે લાક્ષણિક અદાથી પ્રસ્તુત કરીને કાર્યકરોમાં જોશ ભર્યું હતું, એ ક્ષણના પ્રત્યક્ષદર્શી  સંવાદદાતા તરીકે આજેય એ ક્ષણ નજર સામે તગે છે.૧૬ મે ૧૯૯૬ના રોજ ૧૯  દિવસ માટે, ૧૯ માર્ચ ૧૯૯૮ના રોજ  ૧૯  મહિના માટે અને ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ પૂર્ણ મુદત માટે વડાપ્રધાન બન્યા પછી વિપક્ષ સાથેનો એમનો વ્યવહાર હમેશા ગરિમાપૂર્ણ રહ્યો.વિપક્ષને સાથે લીધા વિના લોકશાહીનું તંત્ર ચાલી ના જ શકે, એ વાતમાં એમણે ઊંડી શ્રદ્ધા રહી.
નેહરુ માટે આદર, ઇન્દિરાનાં વખાણ
બાંગલાદેશના સર્જન માટે જવાબદાર યુદ્ધમાં વિજયને વરવા બદલ સંસદમાં વિપક્ષની પાટલીએથી અટલજીએ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના રાષ્ટ્રીય નેતૃત્વનાં વખાણ કર્યાં હતાં. વર્ષ ૧૯૭૭માં વાજપેયી, નેહરુપુત્રી ઇન્દિરાજીની ઈમર્જન્સીના જેલવાસ પછી, મોરારજી દેસાઈની સરકારમાં વિદેશમંત્રી બને ત્યારે વિદેશ મંત્રાલયમાંથી ભક્તગણે હટાવી દીધેલી પંડિત નેહરુની છબિને આગ્રહપૂર્વક યથાસ્થાને મૂકાવે. કટ્ટરવાદને પોષવાનો સાફ નન્નો ભણનાર વિપક્ષના નેતા વાજપેયીને વડાપ્રધાન રાજીવ ગાંધી કે પી.વી.નરસિંહરાવ દેશનાં પ્રતિનિધિમંડળના વડા તરીકે વિદેશ પાઠવે. હિંદુ હોવાના ગર્વની કાયમી અનુભૂતિ ખરી,પણ અન્યો ભણી દ્વેષનો કદીએ ડંખ નહીં.વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાન વાજપેયીના નેતૃત્વમાં ભાજપનો પરાજય થયો, એ પછી તબિયતે પણ સાથ ના દીધો અને ક્રમશ: સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ કબૂલીને લોકનજરમાંથી એ ઓઝલ થવા માંડ્યા. વાજપેયીનું નામ પડે અને સત્તા કે વિપક્ષના નેતા-કાર્યકર્તાઓને માન થાય એવું એ નિરાળું વ્યક્તિત્વ.
રાજકારણના નવા લપસણા રસ્તાઓ
સંઘના પ્રચારક અને સંઘનાં પ્રકાશનોના તંત્રી રહેલા તેમજ છેલ્લે જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના અંગત સચિવ રહેલા વાજપેયી જનસંઘ અને ભાજપના વટવૃક્ષના સંવર્ધન કરનાર લેખાય.વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી રામ-લક્ષ્મણની જોડી બની રહ્યા.આરએસએસના સરસંઘચાલક કુ.સી.સુદર્શને જયારે “વોક ધ ટોક”ના શેખર ગુપ્તા સાથેના બહુચર્ચિત ઇન્ટરવ્યૂમાં ઇન્દિરા ગાંધીને દેશનાં સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન લેખાવ્યાં ત્યારે આડવાણી સહિતનાને માઠું લાગી ગયું હતું,પણ વાજપેયી તો ધીરગંભીર હતા.કોઈનાં વખાણથી ફુલાઈ જવું કે ટીકાથી નારાજ થવું એ એમની પ્રકૃતિમાં નહોતું. રાજકારણના લપસણા રસ્તાઓ વિશે ભારતીય વિદ્યાભવનના સામયિક “નવનીત”ને  ડિસેમ્બર ૧૯૬૩માં આપેલી મુલાકાતમાં અટલજીએ વ્યક્ત કરેલી વાતો આજેય સમસામયિક લાગ્યા વિના રહેતી નથી: “મારી સૌથી મોટી ભૂલ રાજકારણમાં આવવાની થઇ...મનની શાંતિ મરી ગઈ.સંતોષ ખતમ થઇ ગયો.એક વિચિત્ર ખાલીપો અનુભવી રહ્યો છું.” એ વધુમાં કહે છે : “આજના રાજકારણમાં (વાકપટુઓ એને રાજનીતિનું રૂપકડું નામ આપે છે) વિવેક નહીં,વાક્ચાતુર્ય ઝંખે છે.સંયમ નહીં, અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપે છે.શ્રેય નહીં, પ્રેય પાછળ પાગલ છે. મતભેદનો સમાદર કરવાનું તો દૂર રહ્યું, એને સહન કરવાની પ્રવૃત્તિ પણ લુપ્ત થતી જાય છે.આદર્શવાદનું સ્થાન તકવાદ લઇ રહ્યો છે.ડાબા-જમણાનો ભેદ પણ વ્યક્તિગત વધુ છે,વિચારગત ઓછો.બધા પોતાનું માર્કેટિંગ કરવામાં પડ્યા છે.ઉત્તરાધિકારની શતરંજનાં પ્યાદાં ગોઠવવાની સૌને ચિંતા છે.”
સત્તાસંઘર્ષ સ્વના પક્ષ સાથે જ
“સત્તાનો સંઘર્ષ વિરોધપક્ષવાળા સાથે સાથે નહીં, પણ પોતાના પક્ષવાળાઓ સાથે જ લાગે છે.પદ અને પ્રતિષ્ઠાને જાળવવા માટે તોડ-ફોડ અને બાંધછોડનાં કાંઠાંકબાડાં જરૂરી બની જાય છે.નીડરતા અને સ્પષ્ટ વાત કરવાનું જોખમી બની ગયું છે.આત્માને કચડીને જ આગળ વધી શકાય છે.”  “હું જે રાજકીય પક્ષ સાથે જોડાયેલો છું એ પણ આવાં દૂષણોથી મુક્ત નથી.એમાં પણ એવા લોકોની સંખ્યા વધી રહી છે જે હલકી ટીકા કરવામાં વધુ રસ લે છે.વિરોધીની પ્રામાણિકતા વિશે શંકા વ્યક્ત કરવાને પોતાનો અધિકાર સમજે છે.” ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી રહેલા માધવસિંહ જયારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી હતા ત્યારે એકવાર અટલજીને ઘેર બેઠા હતા. એમની કોઈએ કરેલી ટીકાથી વ્યથિત હતા.અટલજી ઘરના અંદરના ખંડમાં ગયા અને એક દળદાર ફાઈલ લઈને બહાર આવ્યા.એ ફાઈલ માધવસિંહભાઈના હાથમાં મૂકીને કહે કે “નિરાંતે ઘેર જઈને વાંચી મને પરત કરશો. મારા જ પક્ષના લોકોએ મારી વિરુદ્ધમાં લખેલા પત્રોની આ ફાઈલ છે.આવા લોકોથી દુઃખી થઈએ તો જીવવું દુષ્કર બની જાય.”
કવિ કૈદીરાયની વેદના કવિતામાં
અટલજી વિશે  ખાનગી ખૂણે ઘણી ગપશપ થતી રહેતી હોવા છતાં એમણે એની ભાગ્યેજ પરવા કરી. દરેકને વ્યક્તિગત  જીવન જીવવાનો અધિકાર હોવાનું મૂળભૂત રીતે સૌની સ્વતંત્રતા અને લોકશાહીમાં અડગ શ્રદ્ધા ધરાવનાર આ  મહામાનવે જીવી બતાવ્યું છે. એમના પક્ષના જ લોકો ક્યારેક એમને કોંગ્રેસી ગણાવવા સુધી ગયા છે,ક્યારેક વિપક્ષના નેતાઓએ એમને “રાઈટમેન ઇન રોંગ પાર્ટી” લેખાવ્યા છે. જોકે અટલજી તો સંઘના પ્રચારક રહ્યા.આજીવન અપરિણીત રહ્યા,પણ પોતે બ્રહ્મચારી નહીં હોવાનું સંસદમાં કહેવાની નૈતિક હિંમત પણ ધરાવતા રહ્યા.પક્ષના જ લોકો થકી પક્ષના લોકોનાં બનાવટી સીડી કાંડ બહાર પડાયાં, ત્યારે પણ વાજપેયી વ્યથિત હતા. હાથમાંથી ગરિમાની બાજી સરી જતી લાગે ત્યારે એમની કવિતામાં એ રેલાય એવું પણ બને. કવિ કૈદીરાય તખલ્લુસધારી અટલજીના હૃદયમાં ભંડારી રાખેલી વેદના એમની કવિતામાં રેલાતી હતી. અમને એમની એક કૃતિ “કૌરવ કૌન, કૌન પાંડવ” વારંવાર મમળાવવાનું મન થાય છે :
કૌરવ કૌન
કૌન પાંડવ,
ટેઢા સવાલ હૈ.
દોનોં ઓર શકુનિ
કા ફૈલા
કૂટ જાલ હૈ.
ધર્મરાજ ને છોડી નહીં
જુએ કી લત હૈ.
હર પંચાયત મેં
પાંચાલી
અપમાનિત  હૈ.
બિના કૃષ્ણ કે
આજ
મહાભારત હોના હૈ,
કોઈ રાજા બને,
રંક કો તો રોના હૈ.

રાજકારણમાં પ્રવેશનું નિમિત્ત નેહરુ
અટલજી સંઘના પ્રચારક હતા. ૧૯૪૬માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અટલજીને લખનઊ લઇ ગયા અને “રાષ્ટ્રધર્મ”ના પ્રથમ તંત્રી નિયુક્ત કર્યા. ”વીર અર્જુન” અને  “સ્વદેશ” જેવાં દૈનિકો અને “પાંચજન્ય” સામયિકના તંત્રીપદને એ સંભાળી ચુક્યા હતા.વર્ષ ૧૯૫૫માં વડાપ્રધાન નેહરુનાં બહેન શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતે લોકસભામાંથી રાજીનામું આપ્યું એટલે તેમની લખનઊ બેઠક ખાલી પડી.અટલજીને જનસંઘના ઉમેદવાર બનાવાયા.ટાંચાં સાધનોને લીધે ચૂંટણી હાર્યા તો ખરા,પણ ૧૯૫૭ માટેનું રિહર્સલ થઇ ગયું.બે વર્ષ પછી એ લોકસભામાં આવ્યા.એ વેળા જનસંઘના માત્ર ચાર જ સભ્યો ચૂંટાયા હતા અને એ ચારેય કયારેય વિધાનસભા કે બીજી કોઈ ચૂંટણી જીત્યાના અનુભવ વિનાના કોરી સ્લેટ સાથે આવ્યા હતા.સંસદમાં અંગ્રેજીમાં બોલવાની પરંપરાથી ભિન્ન અટલજી તો હિંદીમાં બોલતા થયા.નેહરુ પણ અંગ્રેજીની સાથે હિંદીમાં અટલજીએ ઉઠાવેલા મુદ્દાઓનો ઉત્તર વાળતા થયા.વાજપેયીએ પછી તો સંયુક્ત રાષ્ટ્રમાં પણ હિંદીમાં બોલવાનું પસંદ કર્યું એટલે અંગ્રેજીમાં  બોલવા  ટેલીપ્રોમ્પ્ટર રાખવાની એમને  ક્યારેય જરૂર જણાઈ નહીં. વિદેશનીતિ એમનો રસનો વિષય રહ્યો અને એ બાબતમાં એ પોતાના મૌલિક વિચારો સંસદમાં રજૂ કરતા રહ્યા.જનસંઘની નીતિ શરૂઆતથી જ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવાની રહી,પણ છેક નરસિંહરાવના શાસનકાળ દરમિયાન એ શક્ય બન્યું.પાકિસ્તાન અને ચીન સાથે પણ સંબંધ સુધારવાની દિશામાં અટલજી છેક તેમના વડાપ્રધાનકાળ સુધી સક્રિય રહ્યા.
સંઘના લખનઊ ઓટીસીમાં કાવ્યપઠન
ગ્વાલિયરની શિંદે (સિંધિયા) છાવણીમાં ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મેલા વાજપેયીની શાળાના પ્રમાણપત્રમાં જન્મદિવસ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ નોંધાયેલો છે.૧૯૪૨માં “હિંદ છોડો” હાકલને પગલે હજુ પુખ્ત નહોતા એવા અટલજી આગ્રાની જેલમાં બચ્ચા બેરેકમાં ૨૪ દિવસ જેલવાસમાં રહ્યા,પણ આ સંદર્ભે વિવાદ ચાલતો રહ્યો છે. પિતા –પુત્ર સાથે એલએલબીના અભ્યાસ માટે એક જ વર્ગમાં ભણ્યા. ૧૯૪૨માં જ સંઘના ઓટીસી વર્ગથી સંઘ સાથેનો નાતો ગાઢ બન્યો.લખનઊની કાલીચરણ કોલેજમાં ૧૯૪૨માં સંઘ શિક્ષા વર્ગમાં સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ની ઉપસ્થિતિમાં અટલજીએ સ્વરચિત કવિતા-પાઠ લલકાર્યો.બધા શ્રોતા રોમાંચિત થઇ ઊઠ્યા. એ કવિતા આ હતી:
હોકર સ્વતંત્ર મૈંને કબ ચાહા હૈ કર લૂં જગ કો ગુલામ ?
મૈંને તો સદા સિખાયા હૈ કરના અપને મન કો ગુલામ.
ગોપાલ-રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિએ ?
કબ દુનિયા કો હિંદૂ કરને ઘર-ઘર મેં નરસંહાર કિએ?
કોઈ બતલાએ કાબુલ મેં જા કર કિતની મસ્જિદ તોડી?
ભૂભાગ નહીં, શત-શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય.
હિંદૂ તન-મન, હિંદૂ જીવન, રગ-રગ હિંદૂ મેરા પરિચય.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment