Wednesday 26 February 2020

Don't be surprise : Maharashtra can have SS-BJP Govt again

રખે આશ્ચર્ય પામતા: મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની સરકાર શક્ય
ડૉ.હરિ દેસાઈ
·         વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બદલાયા સૂર
·         કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા પહેલાં સીએએ-એનપીઆર-એનસીઆરને ટેકો
·         નીતીશ-સુશીલ સરકારના બિહાર મોડેલને હવે મુંબઈમાં અપનાવાય એવાં  એંધાણ
·         પવારના રિમોટથી ત્રસ્ત શિવસેના પ્રમુખને ઝીલવા સંઘ અને ભાજપ બેઉ  તૈયાર
દિલ્હીમાં ભાજપના રકાસ સાથે સાત રાજ્યોમાં સત્તા ગુમાવ્યાનું મહેણું ભાંગવા રાજકારણના જાદુગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કમર કસી હોવાનાં એંધાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની ૨૧ ફેબ્રુઆરીની મુલાકાત બાદ મળી રહ્યાં છે. મોટાભાઈ હવે નાનાભાઈ સાથે મનામણાં કરી લે એવું લાગે છે. મહારાષ્ટ્ર જેવું આર્થિક રાજધાની મુંબઈ ઉપરાંત સહકારી સાખર કારખાનાંને કારણે ઈલેક્શન ફંડની રીતે અને બિહારમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પણ મહત્વનું છે. આમ પણ, શિવસેનાપ્રમુખ ઠાકરેને ભાજપની સાથે વાંધો હતો જ ક્યાં, પ્રશ્ન માત્ર એટલો જ હતો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે “માતોશ્રી” જઈને આપેલા વચનનું પાલન નહીં કરાતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે ઘર માંડવાનો વારો આવ્યો હતો. વાત મુખ્યમંત્રીપદ શિવસેનાને મળે એની તો હતી. અત્યારે શિવસેના કને જ મુખ્યમંત્રીપદ છે અને આવતા દિવસોમાં એ રહે એ શરતે ભાજપ સાથે ઘરવાપસી કરવામાં મુખ્યમંત્રી કે એમની સેનાને વાંધો ના હોઈ જ શકે. શિવસેના માટે તો ચાર દિન કી ચાંદની જેવી જ અવસ્થા આમ પણ હતી. રાષ્ટ્રવાદીના સુપ્રીમો શરદ પવારના રિમોટથી ચાલવું કે મોદીના રિમોટથી ચાલીને ઉઠાવાય એટલા લાભ લેવામાં એમને વાંધો ના જ હોઈ શકે. શિવસેના મૂળે ભલે કોંગ્રેસની પેદાશ હોય, પણ હવેની પેઢીને ૧૯૬૬ના એ દિવસો અને બાળાસાહેબ ઠાકરે થકી “માતોશ્રી”માંથી ચલાવાતા રાજકીય કુનેહભર્યા ખેલ માફક આવે તેમ નથી. બાળાસાહેબ ક્યારેય ચૂંટણી લડ્યા વિના જ રિમોટથી કોંગ્રેસ કે શિવસેના-ભાજપની રાજ્ય સરકારો કે મુંબઈ મહાનગરપાલિકાના શાસકોને નર્તન કરાવતા રહ્યા હતા. પુત્ર ઉદ્ધવ ઠાકરે અને પૌત્ર આદિત્ય ઠાકરે તો સીધા જ રાજકારણમાં આવીને સત્તાનો સ્વાદ ચાખી ચૂક્યા. બાળાસાહેબ જીવતા હતા ત્યારે જ ઉદ્ધવને રાજકીય વારસ જાહેર કરીને ભત્રીજા રાજ ઠાકરેને તો વેગળો કર્યો હતો. નોખી પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રચીને રાજ ઝાઝું કાઠું ભલે કાઢી ના શક્યો,પણ એ હવે ભાજપની નજીક સરકીને શિવસેનાના ગઢને ધ્વસ્ત કરે એ પહેલાં ઉદ્ધવ પોતાની સેનાને વેરવિખેર થતી રોકવા ભાજપ સાથે ફરીને ઘર માંડે તો બહુ આશ્ચર્ય થવાનું નથી. કારણ સ્પષ્ટ છે: ઉદ્ધવ ઠાકરે માટે આગળ ખાઈ અને પાછળ કૂવાની સ્થિતિ છે. આવતી ૭ માર્ચે મુખ્યમંત્રી ઠાકરે અયોધ્યામાં રામમંદિરના દર્શને જાય ત્યાં લગી બધું નીરક્ષીર થવાની શક્યતા ખરી.
ભાજપ-સંઘની સંયુક્ત સક્રિયતા
ભાજપના વડપણવાળો એનડીએ ભલે સાત રાજ્યો ગુમાવી બેઠો,પરંતુ કેન્દ્રમાં મોદીના નેતૃત્વને ટક્કર મારે એવું વિપક્ષી નેતૃત્વ ઉપસે નહીં ત્યાં લગી દેશના સંઘીય ઢાંચા છતાં મોદીયુગમાં  કેન્દ્રનો પ્રભાવ વધુ રહેવાનો એ વાતનો અનુભવ પુણેના ભીમા કોરેગાવ અંગેના એલ્ગાર પરિષદ  ખટલાને, રાજ્ય સરકારને વગરપૂછ્યે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનસીએ)ને હસ્તક લઇ લીધો એ પ્રકરણમાં મળી ચૂક્યો છે. હજુ કેન્દ્રના પોપટ સમી એજન્સીઓ કળા કરીને ઠાકરેના ગઢને ધ્વસ્ત કરે એ પહેલાં જેટલા દિવસ મુખ્યમંત્રી રહેવા મળે સત્તાનો ભોગવટો કરી લેવાનું ચિંતન શરૂ થઇ ચૂક્યું છે. ભાજપની રાજ્ય નેતાગીરી હવે શિવસેનાનાં બે ફાડિયાં કરવાની વેતરણમાં હોવાના સંકેત ફરી પ્રદેશાધ્યક્ષ બનેલા ચંદ્રકાંતદાદા પાટીલને સોંપાયેલા ઓપરેશન અને ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક  સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીના દેવેન્દ્ર ફડણવીસ લાંબો સમય “ભૂતપૂર્વ મુખ્યમંત્રી નહીં રહે” એવા સૂચક નિવેદનમાં મળે છે. ફડણવીસ કેન્દ્ર સરકારમાં કોઈ હોદ્દો ગ્રહણ કરવાના નથી એવું સ્પષ્ટ કરીને મહારાષ્ટ્રમાં વિધાનસભામાં વિપક્ષના નેતા જ રહ્યા છે. એમણે ગૃહમાં પણ કહ્યું છે કે હું પાછો ફરીશ. એટલે કે ફરી મુખ્યમંત્રી બનીને આવીશ.  
કોંગ્રેસ-રાષ્ટ્રવાદી ચિંતામાં
દિલ્હીમાં ઠાકરે પિતા-પુત્ર ગૃહમંત્રી અમિત શાહ અને માર્ગદર્શક મંડળમાં સામેલ ભાજપી નેતા લાલકૃષ્ણ આડવાણીને પણ મળ્યા એ વાતને ઝાઝું મહત્વ અપાવાને બદલે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની નીતિથી વિરુદ્ધ નાગરિકતા સુધારા ધારા (સીએએ), રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક (એનસીઆર) તથા રાષ્ટ્રીય વસ્તી નોંધણીપત્રક (એનપીઆર) અંગે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ઠાકરે સંમત હોવાની વાત ખૂબ ગજવવામાં આવી. આ મુદ્દે ઠાકરે કરતાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી અલગ મત ધરાવે છે. આશ્ચર્ય એ વાતનું છે કે પવારના પરિવારના “સકાળ” અખબારસમૂહમાં ઠાકરે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની ભૂમિકાથી વિરોધી ભૂમિકા લઇ રહ્યાની વાત ખૂબ સ્પષ્ટ કરાઈ છે,પણ ઠાકરેના પોતીકા “સામના” દૈનિકમાં  નાગરિકતા સુધારા ધારા (સીએએ), રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક (એનસીઆર) તથા રાષ્ટ્રીય વસ્તી નોંધણીપત્રક (એનપીઆર) અંગે ઝાઝો ઉલ્લેખ કરાયો નથી. વડાપ્રધાન સાથેની સવા કલાકની બેઠક પછી શિવસેના સાંસદ અને “સામના”ના કાર્યકારી તંત્રી સંજય રાઉતના નિવાસસ્થાને માત્ર દસ મિનિટની જ પત્રકાર પરિષદ કરીને તેઓ ઉતાવળે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવા ગયા હતા. શ્રીમતી ગાંધી અને મહારાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કલાકેક ચર્ચા કરી. જોકે ઉદ્ધવ ઠાકરેએ પ્રગટપણે સીએએથી ગભરાવાની કોઈ જ જરૂર નથી, એ વાત ભારપૂર્વક કરીને કોંગ્રેસ તથા રાષ્ટ્રવાદીની નેતાગીરીને ચિંતામાં જરૂર મૂકી છે. ઠાકરેએ સીએએ વિરુદ્ધ ઉશ્કેરણી કરનારાઓનું નામ પાડ્યા વિના એમની ભૂમિકાને વખોડીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીના પવાર પર તીર તાક્યાનું અનુભવાયું. પિતા બાળાસાહેબના બેઉ હાથમાં લાડુ રાખવાના રાજકારણને અનુસરીને ઉદ્ધવ અત્યારે તો કોંગ્રેસ-રાષ્ટ્રવાદી અને ભાજપ બેઉને રમાડવાનો ખેલ ખેલતા વધુ જણાય છે. જોકે હિંદુત્વ અને સાવરકરના મુદ્દે એ ભાજપ સાથે સ્વાભાવિક નિકટતા ધરાવે છે, પરંતુ રાજકારણમાં તો ‘જીસ કે તડ મેં લડ્ડૂ ઉસકે તડ મેં હમ’ જેવી સ્થિતિ હોય છે.
બિહારની જેમ ઘરવાપસી
રાજકારણમાં કાયમી મિત્રો અને કાયમી શત્રુ હોતા નથી. બિહારનું ઉદાહરણ તાજું જ છે. લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને નીતીશ કુમારના જનતા દળ (યુ)એ કોંગ્રેસ સાથે મળીને વિધાનસભાની છેલ્લી ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો. આરજેડીને સૌથી વધુ બેઠકો મળ્યા છતાં જેલવાસી લાલુએ નીતીશને મુખ્યમંત્રી અને પોતાના પુત્ર તેજસ્વીને નાયબ મુખ્યમંત્રી બનાવવા સંમતિ  આપી હતી. સંયુક્ત સરકારમાં કોંગ્રેસ પણ જુનિયર પાર્ટનર હતી. જોકે નીતીશે પાછળથી પલટી મારીને ભાજપ સાથે ઘર માંડ્યું હતું. વિપક્ષના નેતા અને ભાજપના સુશીલ કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેજસ્વી વિપક્ષી નેતા બન્યા. મહારાષ્ટ્રમાં ફડણવીસ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપ પાસે બહુમતી નહોતી. શિવસેના તો રૂસણે બેઠેલી હતી. રાષ્ટ્રવાદીના શરદ પવારનો આડકતરો ટેકો મળતાં  ભાજપની સરકાર બની અને પાછળથી શિવસેના એમાં જોડાઈ હતી. એ યુગમાં તો વડાપ્રધાન મોદી વારંવાર પવારના બારામતી જઈને એમને પોતાના રાજકીય ગુરુ કહેવા સુધી ગયા હતા. જે સરકાર રાષ્ટ્રવાદીની દયા પર બની હતી એ સરકારે રાષ્ટ્રવાદીના નેતાઓને જેલવાસી બનાવ્યા અને ફરી જયારે મુખ્યમંત્રી બનવાનું આવ્યું ત્યારે પવારના ભત્રીજા અજિત પવાર ખરડાયેલી પ્રતિભાવાળા હોવા છતાં તેમને  ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવ્યા! આજે ઠાકરે સરકારમાં અજિતદાદા નાયબ મુખ્યમંત્રી છે અને જેલમાં લાંબો સમય ગાળનારા છગન ભુજબળ પણ મંત્રી છે.  રાજકારણમાં જેલવાસી મંત્રીપદ લઈને મહેલવાસી થવાના અનેક દાખલા પાર્ટી વિથ અ ડિફરન્સમાં પણ છે. આવા સંજોગોમાં ગમે ત્યારે મહારાષ્ટ્રમાં આસમાની સુલતાની થઇ શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મજબૂરી એમને ફરી ભાજપ ભણી દોરી જઈ શકે છે. અથવા તો મારા પિતાએ કોંગ્રેસી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીને ય ટેકો આપ્યો હતો, એવું કહીને કોંગ્રેસ સાથે સરકાર ચલાવી શકાય ત્યાં લગી ચલાવશે, અન્યથા ઉલાળિયાં પણ કરી શકે. ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગડાવી. બાકી તો આગે આગે ગોરખ જાગે.
ઇ-મેઈલ: haridesai@gmail.com          (લખ્યા તારીખ: ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦)

No comments:

Post a Comment