શિક્ષણ મહર્ષિ ડૉ.સી.એલ.પટેલની નજરે મૃત્યુ પછીનાં આયોજનો
ડૉ. હરિ દેસાઈ
  • પિતાનું સ્મરણ કરી કહે, મારા પિતા મને કહેતા કે ખેતરે જઈએ ત્યારે ધરતીને પણ લાગે કે મારો ધણી આવ્યો
  • શાળા કોલેજો કે શિક્ષણ સંસ્થાએ વિદ્યાનાં મંદિર છે એટલે પવિત્ર જગ્યામાં કોઈનું મડદું આવે એ યોગ્ય નહીં
  • પૂજય મોટાએ  મહી સાગરને કાંઠે આવેલા મહેમાનગૃહમાં એકાંતમાં જ સ્વેચ્છામૃત્યુને વરવાનું પસંદ કર્યું હતું
  • યોગ્ય વેળાએ નિવૃત્તિ સ્વીકારી લેવામાં જ માનમરતબો જળવાય છે, અન્યથા અપમાન મોતથી ય ભૂંડું લાગે
ગુજરાતના સૌથી મોટા શિક્ષણ સંકુલ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ડૉ.સી.એલ.પટેલના પરિવારમાં દીર્ઘાયુની પરંપરા રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય અતિથિપદે પોતાના અમૃતપર્વની એટલે કે ૭પ વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીમાં ડૉ.પટેલ સામેલ થયેલા. આ શિક્ષણમહર્ષિને કયારેક પોતાના મૃત્યુ વિશે વાત કરવા અને એ પછી બેસણા ઉઠામણાની ચર્ચા કરવામાંય સંકોચ થતો નહીં. છેક ૧૯૯૪ થી ચારુતર વિદ્યામંડળની જવાબદારી સંભાળીને આદ્યસ્થાપકો ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબ તથા તથા સંવર્ધક ડૉ.એચ.એમ.પટેલે જે શિક્ષણયજ્ઞની જયોત જલાવી હતી, એને પ્રજવલિત રાખનાર ડૉ.સી.એલ.પટેલ કાયમ કંઈક નોખું કરવાના આગ્રહી હતા. કયારેક ગુજરાત વિદ્યુત બોર્ડમાં એકિઝકયુટિવ ઈજનેર તરીકે નિષ્ઠા અને કડકાઈથી નોખી ભાત પાડનાર અને વતન ગામડીના મુખી એવા પિતા શ્રી લલ્લુભાઈ ગરબડદાસ પટેલે પ્રબોધેલા ''પગાર સિવાય હરામની કમાણીથી દૂર રહેવા'' ના શબ્દોને વનમાં આત્મસાત કરનાર શ્રી છોટુભાઈએ મસમોટા વ્યકિતત્વને પરિશ્રમ અને દીર્ઘદષ્ટિથી ઉપસાવ્યું. એ પોતાને સામાન્ય વ્યકિત જ લેખાવે. જો કે એમના સમયગાળામાં ચારુતર વિદ્યામંડળે અભૂતપૂર્વ પ્રગતિ સાધી. આદ્યસ્થાપકો અને સંવર્ધક જેવા પૂર્વસૂરિઓના સમયગાળામાં શરૂ થયેલી શિક્ષણ સંસ્થાઓના વ્યવસ્થિત સંચાલન અને વિકાસની સાથે ડૉ.છોટુભાઈએ સ્વનિર્ભર કોલેજો સ્થાપીને સમગ્ર રાજયને નવી દિશા આપી. આધુનિક શિક્ષણના શિલ્પી બન્યા. '' મારે પોતાના માટે મહિને માંડ ૩૦ હજાર રૂપિયાનો ખપ પડે છે અને તે હું ખેતીમાંથી કમાઈ લઉં છું.'' એવું દર રવિવારે વહેલી સવારે ખેતરે જવાનો નિત્યક્રમ જાળવનાર ડૉ.સી.એલ.પટેલ કહે. એમના પુત્રોપુત્રીઓપૌત્રપૌત્રીઓદોહિત્રો અમેરિકા અને ઈગ્લેન્ડમાં વસતાં હોવા છતાં ચારુતર વિદ્યામંડળના શિક્ષણયજ્ઞને સર્મપિત રહેવા પોતાનાં વનસાથી શ્રીમતી શારદાબહેન સાથે વલ્લભ વિદ્યાનગરને જ તેમણે પોતાનું કર્યું. શારદાબહેન મોટા ગામતરે ગયાં પછી થોડા અંતરે મે ૨૦૧૮માં સીએલ પણ અક્ષરવાસી થયા. શારદાબહેન અને સીએલ બંનેનું દેહદાન કરવાના સંકલ્પનો આદર કરાયો હતો.
વલ્લભ વિદ્યાનગરના વિકાસ અને શિક્ષણક્ષેત્રે નવી મંજિલો સર કર્યા પછી દાયકા પૂર્વે ન્યૂ વલ્લભ વિદ્યાનગર વિકસાવનાર આ શિક્ષણ મહર્ષિએ રર કરતાં વધુ નવી શિક્ષણ સંસ્થાઓ સ્થાપીને વૈશ્વિકસ્તરનું શિક્ષણ ઘરઆંગણે યુવાપેઢીને ઉપલબ્ધ કરાવવામાં સુપેરે સફળતા મેળવી. પગ વાળીને, જંપીને બેસવાનું એ સ્વીકારતા નહોતા. સ્વભાવે જરા તુમાખીભર્યા ખરા પણ સૌને માટે લાગણી રાખે. એ કહે : '' મારા પિતા મને કહેતા કે ખેતરે જઈએ ત્યારે ધરતીને પણ લાગે કે મારો ધણી આવ્યો.'' એ ઉમેરે પણ ખરા : '' ખેતરમાં ના જઈએ તો એ ભેળાઈ જાય'' પોતાના ખેતર જેટલી જ માવજત એ ચારુતર વિદ્યામંડળના માધ્યમથી અને પોતાને મળેલા નિષ્ઠાવાન મંત્રીગણના ટેકાથી ગુજરાતના સૌથી મોટા શિક્ષણસંકુલની પણ કરે છે. એમના અક્ષરવાસી થયા પછી એમના અનુગામી તરીકે ઇજનેર ભીખુભાઈ પટેલ અને એમની ટીમ વધુ સુપેરે સીવીએમનું કામ સંભાળે છે.
ર૬ ઓકટોબર ર૦૧૦નો એ દિવસ. આણંદમાં પોતાના ગુરુ એવા ૯૩ વર્ષના મુ.વિઠ્ઠલભાઈ સાહેબને મળીને ચારુતર વિદ્યામંડળના કાર્યાલયે પાછા ફરતાં સ્મશાન પાસેથી પસાર થવાનું થયું. બેસુમાર ગાડીઓ નિહાળી. કોઈ જાણીતી પ્રભાવશાળી વ્યકિતના મૃત્યુનો અણસાર આવ્યો. ઘડીક પોતાના મૃત્યુનો વિચાર પણ ડૉ.સી.એલ.પટેલને આવી જાય છે. એય પાછા કાર્યાલયમાં આવીને સાથીઓ વચ્ચે સ્વસ્થતાથી વર્ણવે છે. એ કહે છે '' મને વિચાર આવ્યો કે આપણું મોત કેવું હોય ? સમાજ પ્રત્યે ૠણ અદા કરવા સમાન આ શિક્ષણયજ્ઞમાં કામ કરતાં સક્રિય હોઈએ અને મૃત્યુ આવી પહોંચે એવી કામના ખરી.''  ડૉ.સી.એલ. ઉમેરે છે '' મારા મોતની એક ક્ષણ પૂર્વે તો મારાં બધાં છોકરાં અહીં આવી ગયાં હોય અને મારો મેળાપ થાય.''  ''બેંડવાજાં મંગાવ્યાં હોય, બે ત્રણ ભજનભકિતગીતોના સૂર રેલાતા હોય અને જે દવાખાને મારો દેહ આપવાનો કહયું હોય તે લોકો મારા મૃત શરીરને લેવા આવે ત્યારે વાજતે ગાજતે મારી વિદાય થાય. ના કોઈ બેસણું કે ના કોઈ ઉઠમણું યોજાય.''  એ ખાસ નોંધે છે : '' મારા મૃતદેહને શિક્ષણ સંસ્થાઓમાં તો લવાય નહીં કારણ આ તો પવિત્ર વિદ્યાનાં મંદિર ગણાય. મારા મૃતદેહનો લાભ છોકરાંઓને (મેડિકલ કોલેજનાં) મળે અને લાંબા સમય સુધી એને દવાખાનામાં જાળવીને એનું પરીક્ષણ કરીને શીખે એવી મહેચ્છા ખરી.'' એમણે શરદાબહેનનું પણ દેહદાન કરાવેલું. '' શાળા કોલેજો કે શિક્ષણ સંસ્થાએ વિદ્યાનાં મંદિર છે એટલે મૃતદેહને અહીં રાખવો નહીં. આ પવિત્ર જગ્યામાં કોઈનું મડદું આવે એ યોગ્ય નહીં. મૃત્યુ પછી એવાં માનબાન હોવાં ના જોઈએ.''
'' બેંડવાજા પર મંગલ મંદિર ખોલો .... તથા ભકિતનાં બે ત્રણ ગીતની સૂરાવલિ રેલાતી હોય અને દવાખાનાવાળાઓ મારા મૃતદેહને લઈ જાય. મોભો બતાવવા કે ગુણગાન માટે ઉઠમણા બેસણાની વિધિઓ રાખવાની જરૂર નહીં. મારાં માતૃશ્રીનું મૃત્યુ થયું ત્યારે પણ મેં મારી બહેનોને આવું જ કહયું હતું. બેસણું કે બી કોઈ વિધિ રાખી નહોતી.'' ડૉ.સી.એલ.પટેલ પોતાના મૃત્યુ અને એ પછીના દશ્યની પોતાની કલ્પના રજૂ કરે છે ત્યારે એ વેળાના ચારુતર વિદ્યામંડળના માનદ કાર્યકારી મંત્રી પ્રિ.શનુભાઈ પટેલ અને આ લેખક જાણે કે કોઈ ચિત્રપટ પર એ ઘટનાક્રમને નિહાળી રહયા હોય એવું અનુભવે છે.
છોટુભાઈ પૂજય મોટાના સ્વેચ્છા મૃત્યુની વાત પણ કરે છે. પૂજય મોટાનો બિલોદરા આશ્રમ અને એમનું ગામ પોતે જીઈબી ઈજનેર હતા ત્યારે પોતાના કાર્યક્ષેત્રમાં આવતું હોવાનું કહે છે. '' પૂજય મોટા વ્હીલચેરમાં નીકળતા ત્યારે મુખ્ય રસ્તા પર અમે તેમનાં દર્શન કરતા. ઘણીવાર એમના આશ્રમમાં પણ જવાનું થયું છે.'' પૂજય મોટાએ પોતાની જીવનલીલા સંકેલી લેવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમણે એલેમ્બિકના મહી સાગરને કાંઠે આવેલા મહેમાનગૃહમાં એકાંતમાં સ્વેચ્છામૃત્યુને વરવાનું પસંદ કર્યું હતું. એલેમ્બિકના એ મહેમાનગૃહના માલિકને ફોન પર પૂછાવ્યું કે મારી ઈચ્છા છે તમારા મહેમાનગૃહમાં મૃત્યુને ભેટું. તમને વાંધો તો નથીને? સ્વાભાવિક રીતે આ મહામાનવની આ ઈચ્છાને કોઈપણ અવગણી ના શકે. તેમણે પોતાના છ અંતેવાસીઓ સાથે ચર્ચા કરી જીવનલીલા સંકેલી લેવાનો એ દિવસ નકકી કરી લીધો હતો. વાત ખૂબ ગુપ્ત રખાઈ હતી. એ છ જણાને જ એમની અંતિમ ક્રિયા કરવાનું સૂચવ્યું હતું. પૂજય મોટા એક કક્ષમાં ગયા. સાથીઓને અમુક સમય પછી અંદર આવવા કહયું હતું. એમણે જીવનલીલા સંકેલી લીધી હતી. પૂજય મોટાના અંતિમસંસ્કાર એ છ જ અંતેવાસીઓએ કર્યાં. પોતાની પ્રેરણાથી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ  સ્થાપવાના સંજોગો સર્જનાર પૂજય મોટા જેવી મહાન વિભૂતિએ કોઈ ઠઠારા વિના જ વિદાય લીધી હતી.''
ર૬ ઓકટોબર ૨૦૧૦ના દિવસે શિક્ષણમહર્ષિ મૃત્યુના મહોત્સવની આનંદભેર વાત કરે છે ત્યારે પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજને ખૂબ આદરભેર સ્મરે છે. પોતાને ચારુતર વિદ્યામંડળની જવાબદારી સંભાળવાની આજ્ઞા અને બળ પૂરું પાડનાર પ્રમુખસ્વામી મહારાજના આર્શીવાદનો ઉલ્લેખ કરે છે. ચારુતર વિદ્યામંડળમાં પોતાની મંત્રીપરિષદના પ્રામાણિક અને સંનિષ્ઠ સાથીઓ તથા પોતાનામાં વિશ્વાસ મૂકનાર દાતાઓ અને સમગ્ર ચરોતરના સહકાર વિના પોતે આ બધું ના કરી શકયા હોત એવું વિનમ્રભાવે કહે છે. વિશાળ સીવીએમ પરિવારના આ મોભીના શિક્ષણયજ્ઞ અને સેવાયજ્ઞને સલામ,પણ હોદ્દાપર રહેવાની એમની મહેચ્છાએ એમને માટે ચૂંટણીમાં પરાજયને અકારો કરી મૂક્યો અને  ખોળિયું છોડીને મોટા ગામતરે ઉપડ્યા. જોકે એમનીઘણી બધી મહેચ્છાઓ અધૂરી રહી પરંતુ એમનાં અધૂરાં રહેલાં સ્વપ્નને એમના અનુગામી સૂત્રધારોએ પૂરાં કરવાનો સંકલ્પ કર્યો હોવાથી શિક્ષણ મહર્ષિનો જીવ સદગતિને જરૂર પામ્યો હશે.  શનુભાઈ અને આ લેખકની એક વાત એ ના સ્વીકારી શક્યા કે યોગ્ય વેળાએ કોઈપણ હોદ્દેથી નિવૃત્તિ સ્વીકારી લેવામાં જ માનમરતબો જળવાય છે, અન્યથા અપમાન મોતથી ય ભૂંડું લાગે.
ઇ-મેઈલ: haridesai@gmail.com

0 Comments