Wednesday 21 August 2019

Congress returns to Sonia Gandhi's shadow to meet the Challenges


પડકારો ઝીલવા કૉંગ્રેસ ફરી સોનિયા ગાંધીને શરણે
ડૉ.હરિ દેસાઈ
·          કૉંગ્રેસના દરબારીઓમાં પણ યુવાનેતા રાહુલ ગાંધીની આદર્શોની વાતો સાવ જ વેવલાવેડા ગણાવા માંડે
·          સત્તામાં અવાય કે ના અવાય, મજબૂત વિપક્ષ અથવા વિપક્ષી મોરચો હોવો એ લોકશાહી માટે અનિવાર્ય
·          ભાજપને મળેલા ૨૩ કરોડ મત સામે કૉંગ્રેસને ૧૨ કરોડ મળ્યા છતાં વિપક્ષની સાવ નેતૃત્વહીન અવસ્થા
·          કૉંગ્રેસી અધ્યક્ષ કેસરીની ખેવના કરનારાઓનું મધોક અને મૌલીચન્દ્ર શર્મા સાથેના દુર્વ્યવહાર વિશે મૌન  
·          ડૉ.હેડગેવાર અને ડૉ.મુકરજી જેવા કોંગ્રેસીઓ હતા, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કૉંગ્રેસ મરે તો દેશ મરે

ભારતના સૌથી જૂના અને આઝાદીના સંગ્રામના કેન્દ્રસ્થાને રહેલા કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષપદનો અખત્યાર ફરીને ૭૩ વર્ષનાં સોનિયા ગાંધીએ સંભાળી લીધો છે.અગાઉ ૧૯૯૮થી ૨૦૧૭ લગી સોનિયા કૉંગ્રેસનાં અધ્યક્ષ રહ્યાં હોવાથી એ સૌથી લાંબા સમયગાળા માટે આ પક્ષનાં અધ્યક્ષ રહ્યાં. વિપક્ષી ટીકાના મારા છતાં નેહરુ-ગાંધી પરિવારનું ચુંબકત્વ પક્ષને એક રાખવાનું નિમિત્ત બને છે. ૪૯ વર્ષના ભણેલાગણેલા રાહુલ ગાંધી સકારાત્મક રાજકારણ રમવાના ખ્યાલ સાથે પહેલાં ઉપાધ્યક્ષપદે અને ડિસેમ્બર ૨૦૧૭થી અધ્યક્ષપદે આવ્યા તો ખરા, પણ કૉંગ્રેસના જામી પડેલા દરબારીઓએ એમને ચૂંટણીલક્ષી રાજકારણમાં ફાવવા દીધા નહીં. મે  ૨૦૧૪ અને  મે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદીના રાજકારણ સામે રાહુલબાબા ઉણા ઉતર્યા. જોકે  છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા  ૨૩ કરોડ જેટલા મત સામે કૉંગ્રેસને ૧૨ કરોડ મત મળ્યા હોય છતાં એ પક્ષના અધ્યક્ષ “મારે અધ્યક્ષ નથી રહેવું”ની રઢ લઈને રાજીનામું આપે  અને બે મહિના કરતાં વધુ સમય સુધી આવો મુખ્ય વિપક્ષ નેતૃત્વહીન અવસ્થામાં મજાકનું નિમિત્ત બને એટલી અપરિપક્વતા ૧૩૪ વર્ષ જૂના પક્ષ કનેથી તો અપેક્ષિત નહોતી. જયારે સામે બબ્બે મુદતથી ભાજપ સત્તારૂઢ હોય અને એનાં રીતસર ઘોડાપૂર રાજકીય ક્ષેત્રે ફરી વળ્યાં હોય ત્યારે “સબકુછ બદલ ડાલો”ના સંકલ્પ સાથે નવી હવાની લહેરકીની  જેમ આવેલા રાહુલ સાવ જ રણ છોડી જાય એ તો અપેક્ષિત નહોતું જ. એમની સામે તેમનાં દાદીમા ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ હતું. ૧૯૭૫-’૭૭ની ઈમરજન્સી પછી માર્ચ ૧૯૭૭માં તેઓ વડાપ્રધાન હતાં ત્યારે પોતાની બેઠક પણ હારી ગયા પછી પણ માત્ર ત્રણ જ વર્ષમાં ફરી ભવ્ય બહુમતી સાથે કેન્દ્રમાં સત્તારૂઢ થયાં હતાં.રાજ્યોમાં પણ કૉંગ્રેસનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. અરે, એમનાં માતા સોનિયાનું પણ ઉદાહરણ ક્યાં નહોતું? એ તો ઈટાલીમાં જન્મીને રાજીવ ગાંધી સાથે પરણી દિલ્હી આવી વસ્યાં. એ પછી આજ લગી તો  સવાયાં ભારતીય સાબિત થયાં. મહેણાંટોણાં અને ચરિત્રહનનના દોરમાંથી પસાર થઈને પણ એમના નેતૃત્વમાં કોંગ્રેસે એક આખો દાયકો ભારત પર  રાજ કર્યું. મહારાષ્ટ્ર, આસામ અને દિલ્હી જેવાં કેટલાંક રાજ્યોમાં તો લાગલગાટ પંદર-પંદર વર્ષ સુધી કૉંગ્રેસે સત્તા સંભાળી. એમના સમર્થકો થકી ક્યારેક પક્ષના અધ્યક્ષ રહેલા સીતારામ કેસરી સાથે દુર્વ્યવહાર કરાયાની કે વડાપ્રધાન અને કૉંગ્રેસના અધ્યક્ષ રહેલા પી.વી. નરસિંહરાવ સાથે દુર્વ્યવહારની ગાજવીજ કરનારા ભાજપી નેતાઓએ પોતાના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અને અધ્યક્ષ રહેલા બલરાજ મધોક અને મૌલીચંદ્ર શર્માના શા હાલ કર્યા હતા, એ અનુકૂળતાએ વિસારે પાડે છે. જનસંઘ અને ભાજપમાં એકથી વધુવાર અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી અધ્યક્ષ બનતા રહ્યા છે. રાજકીય પક્ષોમાં આવા અનુભવો અને નારાજગીઓ કે જૂથવાદ તો રહેવાનો. આયનામાં સૌ પોતાના ચહેરા જોઈ લેવાનું રાખે એ જરૂરી છે. આ તબક્કે પેલી પંક્તિનું સ્મરણ થઇ આવે છે: “પીંપળ પાન ખરંતાં હસતી કુંપળિયાં, મુઝ વીતી તુઝ વીતશે ધીરી રહે બાપુડિયાં”.  બાકી જય-પરાજય તો રાજકીય ક્ષેત્રમાં ચક્રવત્ હોય છે. 
વિખરાતી કૉંગ્રેસમાં વિશ્વાસ
એવું નથી કે રાહુલના નેતૃત્વમાં કૉંગ્રેસ જીતી નથી. રાહુલના નેતૃત્વના તાલીમી ગાળામાં જ પંજાબ જેવું મહત્વનું રાજ્ય કૉંગ્રેસને મળ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવાં ભાજપાના ગઢ સમાન રાજ્યો કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલના નેતૃત્વમાં ભાજપ કનેથી આંચકી લેવામાં પક્ષને સફળતા મળી છે. કેન્દ્રમાં અમર્યાદ સત્તા અને નાણાંની રેલમછેલ સામે અડગ રહીને કર્ણાટકમાં ઘણો લાંબો સમય ભાજપના અશ્વમેધને આડા હાથ દેવામાં રાહુલના નેતૃત્વને સફળતા મળી જ છે. રાજકારણના ખેલમાં કોણ ક્યારે કઈ બાજી જીતે કે હારે એ નક્કી હોતું નથી. ક્યારેક લોકસભામાં માત્ર બે જ બેઠક મેળવનાર ભાજપ આજે ૩૦૩ બેઠકો ધરાવે છે અને ક્યારેક આ જ ગૃહમાં ૪૨૫ બેઠકો ધરાવનાર કૉંગ્રેસની ગઈ લોકસભામાં માત્ર  ૪૪ બેઠકો હતી, આ વખતે ૫૨ (બાવન) છે. કદાચ એનાથી પણ આંકડો ઓછો થાય તો પણ પીચ પર અડગ ટકી રહે એ જ ક્યારેક વડાપ્રધાનપદ સુધી પહોંચી શકે. લાગણીવેડા  રાજકારણમાં ઝાઝા ચાલે નહીં.પક્ષની બાંધણી પર ધ્યાન આપવાનું અનિવાર્ય છે. ઉતાવળે આંબા પાકે નહીં. સત્તાકાંક્ષી રાજકારણમાં તાત્કાલિક લાભ ખાટવાની વૃત્તિવાળા ઝટ સામી છાવણીને પોતીકી કરે ત્યારે અર્જુનવિષાદયોગમાં જ રમમાણ રહેવામાં તો રહ્યુંસહ્યું ય લૂંટાઈ જાય. આદર્શવાદ રાજકારણમાં પ્રસ્થાપિત કરવાનો આદર્શ સારો છે,પણ એ વાસ્તવવાદી નથી. અહીં તો જે પાણીએ મગ ચડે એ કરવાની જ વૃત્તિ-પ્રવૃત્તિ ઝગારા મારતી હોય ત્યારે કૉંગ્રેસના દરબારીઓમાં પણ રાહુલની આદર્શોની વાતો વેવલાવેડા ગણાવા માંડે. એનો અર્થ એવો નથી કે એમણે રાજકારણને સુધારવાના સંકલ્પને સાવ જ માંડી વાળવો. સમય આવ્યે એનો અમલ કરવાનું રાખવું, અન્યથા સાવ જ લુપ્ત થયા પછી અરણ્યરૂદન કરવાનો જ વારો આવે. દિલ્હીથી લઈને ગામડાગામ સુધી કાર્યકરો તૈયાર કરવાની જરૂર છે. ભાજપવાળા ધાડ પાડે તો પણ બીજી કતારના કાર્યકરોની કેડર તૈયાર હોય તો કોંગ્રેસની નૈયા ડૂબે નહીં. 
કૉંગ્રેસનો ભવ્ય ઈતિહાસ
કૉંગ્રેસના ૧૩૪ વર્ષના ભવ્ય ઇતિહાસમાં લડવા-ઝગડવાના કે ભાગલા પડવાના અનેક પ્રસંગો આવ્યા છે. મહારથીઓ વચ્ચે મતભેદ સર્જાયા છે. છૂટા થયા છે. અલગ પક્ષ રચાયા છે. આમછતાં, આઝાદીની લડતમાં કૉંગ્રેસના ભવ્ય યોગદાન અને લાંબો સમય સુધી પ્રજા થકી એને સત્તામાં જાળવી છે. બધા દિવસ કોઈના એકસરખા જતા નથી હોતા. ક્યારેક કૉંગ્રેસની હિંદુવાદી છબી ઉપસતી હતી અને એ મુદ્દે દેશના ભાગલા કરનારા પણ ક્યારેક કૉંગ્રેસમાં જ હતા.સર્વસમાવેશક બની ગજગામી રીતે કૉંગ્રેસ સતત આગળ વધતી રહી છે. ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સહિતના ઘણા નેતાઓ અને તેની  માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર સહિતના ઘણા નેતાઓ કૉંગ્રેસમાં જ હતા. આજકાલ કૉંગ્રેસમુક્ત ભારતની વાતને મહાત્માના નામ સાથે જોડવા ઇચ્છુકોને જીવનસંધ્યાએ મહાત્મા ગાંધીએ સંભવતઃ એટલે જ કહ્યું હતું કે કૉંગ્રેસ મરે તો દેશ મરે. 
હવે ધારાસભાની ચૂંટણીઓ
કૉંગ્રેસ માટે હવે કરોળિયો જ આદર્શ બની રહે તો ઘણુંબધું શક્ય છે. કરોળિયો અનેકવાર પડે છે, આખડે છે પરંતુ અંતે તો એની જાળ બાંધવામાં સફળ રહે છે. કૉંગ્રેસ સામે પોતાનો ભવ્ય ભૂતકાળ હોવા છતાં એમાંજ રમમાણ રહેવાને બદલે કામે વળવાની અને કાર્યકરોને પ્રજા સાથે જોડવાની જરૂર છે. વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓ  અને સંઘ પરિવારને માત્ર ભાંડ્યા કરવાથી તો તેમનો પ્રચાર કરવા જેવું બનશે. ક્યારેક ડૉ.રામમનોહર લોહિયા આવી  રીતે જ વડાપ્રધાન પંડિત નેહરુના પ્રચારમંત્રી બની જતા હતા. કૉંગ્રેસે પોતાનો એજન્ડા નક્કી કરીને કે પોતાના સર્વસમાવેશક સિદ્ધાંતોને અનુરૂપ કાર્યક્રમો ઘડીને કાર્યકરોને સતત પ્રજા વચ્ચે તેમના સુખદુઃખમાં સહભાગી કરવા કામે વાળવાની જરૂર છે.ચૂંટણી જાહેર થાય એટલે પ્રજાની વચ્ચે દેખાવામાત્રથી ચૂંટણીઓ જીતાતી નથી. કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પોતાને નિષ્ફળ ગણાવતા રાહુલબાબા માટે હવે માતા સોનિયા ગાંધીના નેતૃત્વમાં અને બહેન પ્રિયંકા ગાંધી-વાડરાના સાથમાં આગામી ત્રણ વિધાનસભા ચૂંટણીઓ લડવા કમર કસવાની જરૂર છે. ગુમાવાનું કશું જ નથી.મેળવવાનું જ છે.કારણ કે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી જીતે તો વિજયોત્સવ મનાવી શકાશે અને હારે તો ભાજપની સરકાર હતી એટલે ગુમાવાનું કશું નથી. જમ્મૂ-કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માસ્ટરસ્ટ્રૉક અને  હવેના કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ હાથ ઉપર રહેવાની પૂર્વધારણાને ઊંધી પાડવામાં કૉંગ્રેસને સફળતા મળે તો સત્તાવિહોણી ધારાસભાનો સંકેત જોરદાર રહી શકે.  જોકે એ માટે કૉંગ્રેસે કુંભકર્ણની નીંદર અને આપસી ખટરાગમાંથી બહાર આવવું પડે. ભાજપ જ ધાડ પડી જાય એવું નહીં, એના ઘરમાં પણ ધાડ પડી શકે એની તૈયારી કરવાની જરૂર ખરી.ભાજપમાં પણ અસંતોષ ભભૂકે છે, ભલે પ્રગટપણે એ વર્તાતો ના હોય. 
વિપક્ષી મોરચાની બાંધણી
સોનિયા ગાંધીના વિદેશી ગોત્રને મુદ્દે ક્યારેક અલગ થઈને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સ્થાપનારા શરદ પવાર તો ક્યારનાય શ્રીમતી ગાંધીની કૉંગ્રેસ સાથે જ કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તાનો ભોગવટો કે સત્તાનો વનવાસ ભોગવી રહ્યા છે. એમની  સાથે બહુચર્ચિત પત્ર લખનારા પૂર્ણો સંગમા હવે રહ્યા નથી અને તેમનો પરિવાર અત્યારે ભાજપના મોરચામાં સત્તારૂઢ હોવા છતાં બહુ રાજી નથી. બિહારના તારિક અનવર પણ સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવનાર એ ત્રિપુટીમાં હતા. હવે એ કૉંગ્રેસમાં છે. કૉંગ્રેસ તો અમિબા છે. એમાંથી છૂટા પડેલા અને સામે પાટલે બેઠેલા ફરી પાછા પોતાની માતૃસંસ્થામાં ઘરવાપસી કરી શકે એવો માહોલ પણ રચવો પડે. સાથે જ સમવિચારી પક્ષોને માનભેર સાચવીને, વાણિયાભાઈની મૂછ નીચી એ ન્યાયે, મજબૂત વિપક્ષી મોરચો રચવાની અનિવાર્યતા જણાય છે. તમામ રાજકીય પક્ષોને  વર્તમાન સમયમાં ભૂંસાઈ જવાનો ડર છે. આવા સંજોગોમાં એકપક્ષી શાસન આવે નહીં કે બંધારણનાં મૂળભૂત મૂલ્યો જળવાઈ રહે તે માટે કૉંગ્રેસે બાંધછોડ કરીને પણ વિપક્ષોને એક કરવા એ રાષ્ટ્રહિતમાં ગણાશે. તક ચૂકી ગયા પછી ફરીને એને પાછી મેળવવામાં ઘણું મોડું થશે.એટલે જ કૉંગ્રેસે રાષ્ટ્રધર્મ નિભાવવા માટે સજ્જ થવાની ઘડી આવી પુગી છે. સત્તામાં અવાય કે ના અવાય, મજબૂત વિપક્ષ અથવા વિપક્ષી મોરચો હોવો એ લોકશાહી માટે અનિવાર્ય છે.
ઇ-મેઈલ: haridesai@gmail.com         (લખ્યા તારીખ: ૧૬ ઑગસ્ટ ૨૦૧૯)

No comments:

Post a Comment