Wednesday 26 June 2019

Sardar Patel on Civil Services


સરદારને કહ્યાગરા નહીં, રાષ્ટ્રીય હિતોની રક્ષા કાજે સાચાબોલા અને આખાબોલા  બ્યૂરોક્રેટ્સ ખપતા
ડૉ.હરિ દેસાઈ
·         કાર્યક્ષમ અખિલ ભારતીય સેવા માટે વલ્લભભાઈની સલાહ હતી કે  તેમને મુક્તપણે મોઢું ખોલવા દેવું પડશે
·         ભ્રષ્ટ અધિકારીઓની રુખસદને આવકાર, પણ કાર્યક્ષમ અને નિયમ પાલકોની કનડગત તેમનું મનોબળ તોડે 
·         સરદાર પટેલની શીખથી વિપરીત શાસકોને પોતાને અનુકૂળ ના હોય એ મત સાંભળવાનું ઝાઝું ફાવતું નથી
·         શાસકો- નોકરશાહોના મેળાપીપણાથી એકમેકના હિતની જાળવણી માટે દેશની લૂંટ અને ભ્રષ્ટાચારે માઝા મૂકી

હમણાં કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઇ પટેલે રચેલા અખિલ ભારતીય સનદી સેવાના માળખામાં આમૂલ પરિવર્તન આણીને ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોને સીધાજ કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોના સંયુક્ત સચિવના હોદ્દે નિયુક્ત કરવા અને અનામત પ્રથાને બિનપ્રભાવી કરી દેવા તેમજ અમુક ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ અધિકારીઓને નિવૃત્ત કરી દેવાની જે ઝુંબેશ આદરી છે એણે નવા વિવાદના ફણગા ફૂટે એવો માહોલ સર્જ્યો છે. બ્યૂરોક્રસીના સંદર્ભમાં પણ સરદાર પટેલને અભિપ્રેત નોકરશાહોની પરંપરાને સમજવી યોગ્ય લેખાય કારણ ભારતીય પ્રશાસનિક સેવા (આઇએસએસ) અને ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના ઘડવૈયા તરીકે સરદાર સાહેબનો મત વધુ પ્રમાણભૂત લેખાય. બ્રિટિશ ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઇસીએસ)માં અંગ્રેજ અને ભારતીય અધિકારીઓ હતા. બ્રિટિશ પોલીસ સેવામાં ઇન્ડિયન પોલીસ (આઇપી)ની જોગવાઇ હતી. સરદાર પટેલે ઑક્ટોબર ૧૯૪૬માં પ્રાંતોના મુખ્યમંત્રીઓ એટલે કે એ વેળાના પ્રાઇમ મિનિસ્ટરોની પરિષદ બોલાવી હતી અને વિદાય લેતા બ્રિટિશ અધિકારીઓથી સર્જાનારો વહીવટીતંત્રમાંનો ખાલીપો ભરવા માટે ભારતીય પ્રશાસનિક સેવા અને ભારતીય પોલીસ સેવાની રચનાની ચર્ચાવિચારણા આરંભી દીધી હતી. અત્રે એ યાદ રહે કે બ્રિટિશ ભારતમાં  ફૅડરલ પબ્લિક સર્વિસ કમિશન સનદી અધિકારીઓની પસંદગીની જવાબદારી નિભાવતું હતું. અત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (સંઘ લોક સેવા આયોગ-યુપીએસસી)ને શિરે આ જવાબદારી છે. વળી સરદાર સાહેબે જ્યારે પ્રશાસનિક અને પોલીસ સેવા અંગે વિચારવાનું શરૂ કર્યું, ત્યાં લગી હજુ ભારતમાં વચગાળાની કૉંગ્રેસ-મુસ્લિમ લીગની સરકાર હતી. ભારતનું વિભાજન થતાં બ્રિટિશ અધિકારીઓ તો ગયાપણ મુસ્લિમ અધિકારીઓમાંના મોટાભાગના પાકિસ્તાન ભેગા થયા હતા.
          ભારત સરકારમાં ગૃહમંત્રી તરીકે બંધારણ સભાના માધ્યમથી સરદાર વલ્લભભાઇ પટેલે સેવારત અધિકારીઓને બે શ્રેણીમાં બંધારણીય સલામતી બક્ષવાનું ઉચિત લેખ્યું હતું : (૧) બ્રિટિશ સરકારના જે આઇસીએસ કે આઇપી અધિકારી સત્તાંતર પછી ભારત સરકારમાં કાર્યરત રહે તેમના અધિકારો સંદર્ભે મધ્યસ્થ સરકાર સલામતીની ખાતરી આપે. (૨) સત્તાના હસ્તાંતરણ પછી ભારત સરકાર બે નવી સેવા શરૂ કરેઃ ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ). પ્રાંતિક સરકારોના સર્વાનુમત સમર્થન સાથે આ બે ભારતીય સેવાઓની રચના કરવામાં આવી.
સરદાર સાહેબ ઉકળી ઊઠ્યા
          સરદાર પટેલે આ સેવાઓમાં કાર્યરત અધિકારીઓનો વિશ્વાસ જીતવા માટે તેમને બંધારણીય ખાતરીઓ અને સુરક્ષા બક્ષવાનું યોગ્ય લેખ્યું હતું. બંધારણસભામાં પણ ભારતીય સેવાઓ વિશે ખૂબ જ વિગતે ચર્ચા થઇ અને ક્યારેક તો સરદાર સાહેબ ઉકળી ઊઠે એટલી ટીકાટિપ્પણો થઇ ત્યારે ક્યારેક બ્રિટિશ હકૂમત હેઠળના આઇસીએએસ કે આઇપી અધિકારીઓ કૉંગ્રેસી નેતા અને કાર્યકરોને જેલમાં ઠૂંસી દેતા હતાપરંતુ આઝાદી પછી આપણા દેશની સેવામાં સામેલ અધિકારીઓની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રનિષ્ઠા વિશે શંકા વ્યક્ત કરવાનું અસ્થાને હોવાનું જણાવીને વ્યગ્રભાવે કહ્યું કે રાષ્ટ્રનિર્માણમાં સંબંધિત અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થશે. સ્વયં વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ આઇસીએસ અધિકારીઓ વિશે સાશંક હતા. કેટલાક અગ્રણીઓ તો આવા અધિકારીઓને મળતા આર્થિક લાભની ચર્ચા કરીને વિરોધી સૂર વ્યક્ત કરતા હતા. સરદાર પટેલ આવી ચર્ચાથી અકળાયા અને ૧૦ ઑક્ટોબર ૧૯૪૯ના રોજ બંધારણ સભાની બેઠકમાં આ મુદ્દે વ્યથિત થઇને કહી બેઠાઃ અનંત સાયનમ આયંગાર જેવા આ ગૃહના વરિષ્ઠ અને જવાબદાર સભ્ય કે જે અસેમ્બલીના ડૅપ્યુટી સ્પીકર છે એમને સાંભળીને હું વ્યથા અનુભવું છું.’ મહાવીર ત્યાગીએચ. વી. કામથનઝીરુદ્દીન એહમદરોહિણીકુમાર ચૌધરીઆર.કે. સિધવા અને ડૉ. એસ.પી. દેશમુખનાં ભારતીય સેવાના અધિકારીઓ વિશેનાં વક્તવ્યો સાંભળ્યા પછી ગૃહમંત્રીએ બ્યૂરોક્રસી માટે જ નહીંસમગ્ર વિશ્વમાં આદર્શ બ્યૂરોક્રસી અધિકારીઓમાંથી નવરચિત ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ  (આઇએએસ)ની પ્રથમ બેચની પસંદગીમાં ક્ષમતા અને અનુભવનો સુમેળ સાધીને’ ઍપ્રિલ ૧૯૪૭માં દિલ્હી સ્થિત મૅટકાફે હાઉસ ખાતે આઇએએસ તાલીમી શાળાની શરૂઆત કરાવી હતી. પ્રધાનમંડળની મંજૂરીથી સરદાર સાહેબે એ.ડી. ગોરવાલા જેવા નિષ્ઠાવંત આઇસીએસ અધિકારીના વડપણ હેઠળ સમિતિ નીમી હતી.
નાછૂટકે વિભાજનનો સ્વીકાર
          બંધારણ સભામાં બ્રિટિશ ભારતનું વિભાજન પોતે ક્યા સંજોગોમાં સ્વીકાર્યું. એનું સહસ્યોદ્‌ઘાટન સરદાર પટેલે સૌ પ્રથમ વાર સનદી સેવાની ચર્ચા દરમિયાન જ કર્યું હતું. મોહમદ અલી ઝીણાને તો આખ્ખેઆખું પંજાબ અને આખ્ખું બંગાળ સાથેનું પાકિસ્તાન ખપતું હતુંપરંતુ અમે પંજાબ અને બંગાળનું વિભાજન કરવાની શરત મનાવીને ઝીણાને અસ્વીકાર્ય એવું અડધુંપડધું પાકિસ્તાન આપ્યાનું સરદારે સ્પષ્ટ કર્યું હતું.  તેમણે કહ્યું: હું તમને આ અંદરના ઇતિહાસની વાત કહું છું જે કોઇ જાણતું નથી. મેં નાછૂટકે વિભાજનનો સ્વીકાર કર્યો હતો. એવો તબક્કો આવ્યો હતો જ્યારે આપણે સઘળું ગુમાવી બેસત.’ સરદારે પંજાબ અને બંગાળના વિભાજન ઉપરાંત માત્ર બે મહિનામાં જ પાર્લામેન્ટમાં કાયદો કરીને સત્તાનું હસ્તાંતરણ શક્ય બનાવ્યું અને રિયાસતો-રજવાડાંની સાથે અમો ફોડી લઇશુંતમે દખલ ના કરશો એવી શરત મનાવી હતી. બ્રિટિશ સંસદે ભારતને સ્વાતંત્ર્ય બક્ષવામાં બે મહિનામાં જ બિલ (વિધેયક) મંજૂર કરીને અગાઉ ક્યારેય નહીં રચાયેલો ઇતિહાસ સર્જ્યો હતો.
બ્યૂરોક્રસી માટેનો મૅગ્નાકાર્ટા
બંધારણ સભાની ૧૦ ઓક્ટોબર ૧૯૪૯ની બેઠકમાં અનુચ્છેદ ૨૮૩ (એ)ને બંધારણનો હિસ્સો બનાવવાની મંજૂરી સાથે અખિલ ભારતીય સેવાના અધિકારીઓને બંધારણીય અધિકાર અને સલામતી અપાવ્યા પૂર્વે સરદાર પટેલે કરેલા વ્યાખ્યાનને બ્યૂરોક્રસીના અધિકારો માટેના મૅગ્નાકાર્ટા તરીકે લેખાવી શકાય. સરદાર સાહેબના એ શબ્દો અહીં ટાંકવા જરૂરી છે: “તમારે કાર્યક્ષમ અખિલ ભારતીય સેવાની જરૂર હોય તો મારી તમને સલાહ છે કે તમારે તેમને મુક્તપણે મોઢું ખોલવા દેવું પડશે. તમે પ્રધાનમંત્રી હો તો તમારા સચિવ કે મુખ્ય સચિવ કે તમારા હાથ નીચે કામ કરતા અન્ય સેવાના અધિકારીને ડર કે લાલચ વિના પોતાનો મત વ્યક્ત કરવા દેવાની તમારી ફરજ બને છે. જો કે કેટલાક પ્રાંતોમાં સેવારત અધિકારીઓને દબાવીને કહેવામાં આવે છેઃ નહીંતમે સેવકો છો અને તમારે અમારા આદેશોનું પાલન કરવાનું છે.’ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને મત વ્યક્ત કરવાનું સ્વાતંત્ર્ય નહીં હોયસલામતીની ભાવના નહીં હોય અને સંસદીય વિશેષાધિકારો નહીં હોયસંસદ વિશે ગર્વ નહીં હોય તો આ સંઘ (યુનિયન) ટકશે નહીંસંયુક્ત ભારત પણ નહીં રહે. આ વાતનો સ્વીકાર ન કરી શકો તો આ બંધારણનું અનુપાલન  કરશો નહીં. એના વિકલ્પે અન્યને શોધી લેજો. કૉંગ્રેસનું બંધારણ કે એવું બીજું બંધારણ કે આરએસએસનું બંધારણ તમને જે ગમે તે સ્વીકારજોપણ આપણું આ બંધારણ તો નહીં જ.” સરદાર પટેલે બંધારણની સર્વસત્તાધીશ ભૂમિકા સ્વીકારવાની સાથે જ બ્યૂરોક્રસીને દેશહિતની કસ્ટોડિયન ગણવાનું પસંદ કર્યું હતું. જો કે તેમાંનાં કાળાં મેંઢાંને બચાવવાના તેઓ પક્ષઘર નહોતાપણ ભ્રષ્ટાચારમુક્ત કાર્યક્ષમ વહીવટ માટે સરદારને અખિલ ભારતીય સેવાના અધિકારીઓ ચોક્કસપણે વિશ્વસનીય જણાયા હતા. હમણાં કેન્દ્ર સરકારે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને રુખસદ આપવાનો નિર્ણય કર્યો ત્યારે એને સનદી સેવકોએ પણ આવકાર્યો હતો. જોકે રાજકીય સત્તાધીશોને પ્રતિકૂળ લાગતા અધિકારીઓની કનડગત કરાય તો અન્ય કાર્યક્ષમ અને નિયમનું પાલન કરનારા અધિકારીઓનું મનોબળ જરૂર તૂટે છે.
સનદીસેવામાં સીધી નિયુક્તિઓ
ભારત સરકારે હમણાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જ વિવિધ વિભાગોમાં ટોચના સ્થાને નવો અખતરો કરતાં સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી)ની આઇએએસની લાંબી પસંદગી પ્રક્રિયાને બાજુએ સારીને ખાનગી ક્ષેત્રના  કે વિવિધ વિષયના નિષ્ણાત એવા નવ સંયુક્ત સચિવોને સીધા જ નિયુક્ત કર્યા. અગાઉ આયુષ મંત્રાલયના સચિવ તરીકે વૈદ્ય રાજેશ કોટેચાની પણ સીધી જ નિમણૂક કરાઈ હતી. છેલ્લે યુપીએસસી મારફત “લૅટરલ ઍન્ટ્રી” થકી ઘણી છૂટછાટો સાથે હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયાને અંતે નવ સંયુક્ત સચિવો કાકોલી ઘોષ (કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ), અંબર દુબે (નાગરી ઉડ્ડયન), અરુણ ગોયલ (વાણિજ્ય), રાજીવ સક્સેના (આર્થિક બાબતો), સુજિત કુમાર બાજપાઈ (પર્યાવરણ,વન અને હવામાન પરિવર્તન), સૌરભ મિશ્ર (વિત્તીય સેવાઓ), દિનેશ જગદાળે (નવી અને નવીનીકરણીય ઊર્જા), સુમન પ્રસાદ સિંહ (માર્ગ પરિવહન અને મહામાર્ગ) તથા ભૂષણ કુમાર (વહાણવટા મંત્રાલય)ની ૧૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ કરાર આધારિત સીધી નિયુક્તિ કરાઈ હતી. કુલ દસ હોદ્દાઓ માટે પ્રત્યેક મંત્રાલયમાં એક એક સંયુક્ત સચિવની નિયુક્તિ માટેની જાહેરાત આપવામાં આવી એટલે તેમાં કોઈ અનામત (રિઝર્વેશન) લાગુ નથી, એવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરી છે. મહેસૂલ મંત્રાલયના સંયુક્ત સચિવ માટે જાહેરાત અપાઈ હતી,પણ એ હોદ્દે કોઈની પસંદગી કરાઈ નહીં હોવાનું સંબંધિત પરિણામની સત્તાવાર નોંધમાં દર્શાવાયું છે.
અનામત પ્રથા અસંગત
“લૅટરલ ઍન્ટ્રી” શ્રેણીમાં વધુ ૪૦૦ ટોચના અધિકારીઓને નિયુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આમપણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી માટે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જેવું મૉડેલ અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યાની ચર્ચા છે ત્યારે બ્યૂરોક્રસીની નિયુક્તિમાં તો અમેરિકી મૉડેલ અપનાવી રહ્યાની છાપ ઉપસ્યા વિના રહેતી નથી. ભારતીય રાષ્ટ્રપતિ કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ પ્રમાણે વર્તવા બંધાયેલા છે, જયારે અમેરિકામાં રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ હોઈને પોતાને અનુકૂળ બ્યૂરોક્રસી પોતાના સમયગાળામાં લાવી શકે છે. ભાજપના જ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણિયન સ્વામીએ નજીકના ભૂતકાળમાં જ કહ્યું હતું તેમ આ રીતે કરાતી નિયુક્તિઓ થકી મોદી સરકાર એની બીજી મુદતમાં વગર જાહેરાતે જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને અસંગત બનાવી દેશે. જે નવ સંયુક્ત સચિવોની લૅટરલ ઍન્ટ્રીથી  નિયુક્તિ કરાઈ છે, તેમાં સંભવતઃ એકેય દલિત, આદિવાસી કે ઓબીસી શ્રેણીમાંથી નથી! આ મુદ્દે ઉહાપોહ શરૂ તો થયો છે પણ સંબંધિતોની વાતને સત્તારૂઢ મહાનુભાવો કેટલા કાન દેશે એ કહેવું મુશ્કેલ છે. સરદાર પટેલની શીખથી વિપરીત એમને પોતાને અનુકૂળ ના હોય એ મત સાંભળવાનું ઝાઝું ફાવતું નથી.
કહ્યાગરી નોકરશાહી અભિપ્રેત  
ભારતના બંધારણના ઘડવૈયાઓએ કાયમી બ્યૂરોક્રસી અને વેસ્ટમિન્સ્ટર શાસન પદ્ધતિ અમલમાં લાવવાનું યોગ્ય લેખ્યું હતું. અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરવાના હતા એ સમયગાળામાં વલ્લભભાઈ પટેલે, તાજના નિષ્ઠાવંત આઇસીએસ અને આઈપી અધિકારીઓને સ્થાને, ભારતના વહીવટી માળખાને મજબૂત રાખવા માટે સ્વદેશી ભારતીય વહીવટી સેવા (આઇએએસ) સ્થાપવા માટે ૧૯૪૬માં વિવિધ પ્રાંતોના પ્રીમિયરો (મુખ્યમંત્રીઓ)ને તેડાવીને પોતાની ભૂમિકા માંડી તેમજ તેમનો મત પણ જાણ્યો હતો. સામાન્ય રીતે શાસકોને કહ્યાગરી નોકરશાહી (બ્યૂરોક્રસી) અને ન્યાયતંત્ર (જ્યુડિશિયરી)નો ખપ  હોય છે. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના યુગમાં આ સામાન્ય લેખાતું હતું. વર્ષ ૧૯૪૭માં ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)માં પસંદ થયેલા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના અગ્ર સચિવના હોદ્દે કાર્યરત રહેલા અને પદ્મભૂષણ ઇલકાબ લેવાનો નન્નો ભણનારા પી.એન.હકસરના શબ્દોમાં કહીએ તો, સરદાર પટેલ “દેશના મુલ્કી અધિકારીઓના આરાધ્યદેવ” હતા. સરદારને કહ્યાગરી બ્યૂરોક્રસી કે કહ્યાગરું ન્યાયતંત્ર ખપતું નહોતું. તેમણે તો નોકરશાહીને “લોકાભિમુખ” અને “રાષ્ટ્રીય હિતોની સંરક્ષક” (કસ્ટોડિયન) ગણાવી હતી. કમનસીબે સમયાંતરે સરદારની વિભાવનાને લૂણો લાગતો રહ્યો અને રાજકીય શાસકો અને નોકરશાહોના મેળાપીપણાથી વલ્લભભાઈએ કલ્પેલી નોકરશાહીએ અવળી જ દિશા પકડી લીધી છે. આ મેળાપીપણામાં પારસ્પરિક હિતની જાળવણી કરીને દેશની લૂંટ અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.
સત્તારૂઢોના મળતિયા નહીં
“ભારતીય સનદી સેવાના સંસ્થાપક: સરદાર પટેલ” નામક મહાનિબંધમાં  ડૉ.અંકિત પટેલ વૈદિક કાળથી લઈને વર્તમાન સુધીના સનદીસેવાના ઈતિહાસને પ્રસ્તુત કરીને નોંધે છે કે ભારતીય વહીવટીતંત્રના મહર્ષિ કૌટિલ્યલિખિત  “અર્થશાસ્ત્ર”ને તમામ તબક્કાઓમાં ભારતીય વહીવટીતંત્રના હિંદીકરણ માટેનો માર્ગદર્શક ગ્રંથ લેખી શકાય.” સરદારે વડાપ્રધાન પંડિત નેહરુને ૨૭ એપ્રિલ ૧૯૪૮ના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે “કાર્યદક્ષ, શિસ્તબદ્ધ અને સંતોષી અધિકારીઓ તેમના મહેનતભર્યા અને વફાદાર કામના પરિણામે પોતાના ભાવિ અંગે નિશ્ચિતતા હોય એ હકીકત, આપખુદ શાસન કરતાંય વધુ તો લોકશાહીમાં, મજબૂત વહીવટની પૂર્વશરત બની રહે છે એ વાત પર મારે ભાર મૂકવાની ભાગ્યેજ જરૂર હોય. આ અધિકારીઓ પક્ષથી અલિપ્ત રહેવા જોઈએ અને તેમની ભરતી, શિસ્ત કે અંકુશની બાબતમાં રાજકીય ગણતરીઓને સદંતર નાબૂદ ન કરી શકાય તો પણ તે ઓછામાં ઓછો ભાગ ભજવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ.”  ડૉ.પટેલ ચેતવણીના સૂર સાથે તારણ મૂકે છે કે બ્રિટિશ શાસન વખતના સનદી અધિકારીઓને તાલીમ આપવાની જે ચુસ્ત વ્યવસ્થા હતી એ તાલીમી વ્યવસ્થા તો સ્વતંત્ર ભારતમાં આઇએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે પણ ચાલુ રાખવામાં આવી હોવા છતાં તેમને તાલીમ આપવા માટે નિવૃત્ત કે વરિષ્ઠ આઇએએસ કે આઈપીએસ અધિકારીઓ સિવાય બહારના નિષ્ણાતોને ખૂબ ઓછા પ્રમાણમાં તેડાવવામાં આવતા હોવાથી નવા વિચારો અને વ્યાવસાયિક કુશળતા કેળવવાની તક ઓછી રહે છે. ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓનાં પ્રકરણોમાં સંડોવાયેલા અધિકારીઓ સામેની કાર્યવાહી પણ રગશિયા ગાડા જેવી ચાલે છે. તેમાં રાજકીય દખલગીરી ઘણો મોટો ભાગ ભજવે છે.” વડાપ્રધાન મોદીએ ૨૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ સનદી સેવા દિવસના સમારંભમાં કહેલા શબ્દો મમળાવવા જેવા છે: “સનદી  અધિકારીઓની  યુપીએસસીની પસંદગી પ્રક્રિયા ૧૮ મહિના લાંબી ચાલે છે અને એમાં પસંદગી પામેલા ઉમેદવારોએ સમયાંતરે પોતાની જાતને વધુ સજ્જ કરવા માટે સતત સજ્જ રહેવું પડે.” સંભવતઃ લૅટરલ ઍન્ટ્રીથી સંયુક્ત સચિવ કક્ષાની જગ્યાઓ સીધી અને ટૂંકા ગાળામાં ભરવા પાછળ વડાપ્રધાનની આ ભૂમિકા જ પ્રેરણારૂપ બની હોવી જોઈએ.
ઇ-મેઈલ: haridesai@gmail.com

No comments:

Post a Comment