Wednesday 27 March 2019

Political Importance of Small state Goa


ખોબલા જેવડા ગોવાનું ભારત માટે રાજકીય મહત્વ
ડૉ.હરિ દેસાઈ
·        છેલ્લાં ૫૦૦ વર્ષથી તમામ ધર્મના લોકો માટે સમાન નાગરી ધારો (સિવિલ કોડ) વિનાવિઘ્ને અમલી
·        ગોવામાં બાજી પલટાય એ પહેલાં સત્તા પર કબજો કરવા અડધી રાતે સત્તાનાં સોગઠાં ગોઠવાયાં
·       વિધાનસભામાં લઘુમતીને બહુમતીમાં ફેરવનારા ભાજપના ચાણક્ય એટલે નીતિન ગડકરી
·       પક્ષ બદલવા અને પ્રધાનપદ કે મુખ્યમંત્રીપદ મેળવવું એ ગોવામાં કપડાં બદલવા જેટલું જ સરળ

રાજ્ય છે માત્ર બે જિલ્લાનું અને વિસ્તાર એનો ૩,૭૦૨ ચોરસ કિ.મી.એટલે કે ૧,૪૨૯ ચોરસ માઈલ.વસ્તી માંડ ૧૪.૬ લાખ, પણ વર્ષે પર્યટકો આવે ૫૩ લાખ કરતાં ય વધુ. ભારત આઝાદ થયું ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, પણ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આ રાજ્ય મેળવવા માટે ૧૯૬૧માં લશ્કર પાઠવવું પડ્યું હતું અને માત્ર બે કલાકમાં જ એ હસ્તગત કરાયું હતું. એમ તો નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ગોવા નજીકથી પસાર થતાં બે કલાકમાં એ લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો,પણ નૌકાદળના અધિકારીઓને એ વેળા એ પગલાના વૈશ્વિક પ્રત્યાઘાતો અને નેહરુની વિશ્વ પ્રતિભાની વધુ ચિંતા હતી. અંતે ૧૯૬૧માં પોર્ટુગીઝ કબજા હેઠળનું દીવ,દમણ અને ગોવા લશ્કર પાઠવીને જ નેહરુએ ભારતમાં ભેળવવું પડ્યું હતું. વર્ષ ૧૯૮૭ લગી એ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો અને ૧૯૮૭માં ગોવા ૪૦ સભ્યોની વિધાનસભા ધરાવતું પૂર્ણ રાજ્ય થયું. દીવ- દમણ, દાદરા-નગરહવેલી અને સિલવાસા કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા.દુનિયાભરમાં ગોવા પર્યટકોને આકર્ષતા રાજ્ય તરીકે જાણીતું છે.એની માંડ ૧૫ લાખની વસ્તીમાં બહુમતી વસ્તી ૬૬.૦૮ ટકા હિંદુ છે, ૨૫.૧ ટકા ખ્રિસ્તી છે અને ૮.૩૩ ટકા મુસ્લિમો છે. વિશેષ મહત્વની વાત એ છે કે ગોવામાં ૫૦૦ વર્ષથી એટલેકે પોર્ટુગીઝ શાસનથી તમામ ધર્મના લોકો માટે સમાન નાગરી ધારો (સિવિલ કોડ) અમલી છે! વર્ષ ૨૦૦૨થી ૨૦૦૫ દરમિયાન અને પછી ૨૦૧૨થી ગોવામાં ભાજપનું શાસન અખંડ ચાલ્યું છે.સૌપ્રથમ ભાજપી મુખ્યમંત્રી મનોહર પર્રીકર હતા અને એ ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા. 
મોદી માટે ગોવાનું પણજી શુભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ગોવા અત્યંત મહત્વનું બની રહ્યું છે.વર્ષ ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણ વખતે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ “રાજધર્મ”ની મુખ્યમંત્રી મોદીને શીખ આપ્યા પછી પક્ષની પણજીની કારોબારીમાં મુખ્યમંત્રીપદેથી અટલજીના આગ્રહથી તેમનું રાજીનામું લેવાનું હતું ત્યારે પક્ષના નેતાઓ લાલકૃષ્ણ આડવાણી અને ડૉ.મુરલીમનોહર જોશીએ નરેન્દ્રભાઈને બચાવી લીધા હતા.વર્ષ ૨૦૧૩માં આ જ પણજીમાં વટકેલા આડવાણીની ગેરહાજરીમાં મળેલી કારોબારીમાં તેઓ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા હતા.મે ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી આડવાણી અને જોશીને માર્ગદર્શક મંડળમાં સામેલ કરવાનું કામ મોદી આણિ મંડળીએ કર્યું અને હવે તો આડવાણીને ગાંધીનગરની બેઠક પરથી લોકસભા લડવામાંથી પણ નિવૃત્ત કરી દેવાયા છે. હજુ થોડા વખત પહેલાં જ રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા પક્ષના અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ગાંધીનગરથી વધુ એકવાર ચૂંટાયેલા આડવાણી સદન અને પક્ષની બેઠકોમાં લગભગ મૂકપ્રેક્ષક બની રહ્યા. ડૉ.જોશી પણ “પરિવર્તન પ્રકૃતિ કા નિયમ હૈ” એવું અમને કહેતાં  સંસદીય સમિતિઓમાં જે સ્થાન મળ્યું એનાથી સંતોષ માનતા રહ્યા. 
ભાજપની સરકાર ટકાવવાની કવાયત
અત્યારે આ ખોબલા જેવડા ગોવાના રાજકીય મહત્વની ચર્ચા એટલા માટે થઇ રહી છે કે જોડતોડની રાજનીતિ પૂરબહારમાં ખીલી છે. ગોવાની વિધાનસભામાં ૪૦માંથી ૪ બેઠકો ખાલી હોવાને કારણે કુલ ૩૬ બેઠકોમાંથી માત્ર ૧૨  બેઠકો ધરાવતા ભારતીય જનતા પક્ષના વડપણવાળી સરકાર ટકાવી રાખવાનું ફેબ્રુઆરી ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૧ અને ભાજપને માત્ર ૧૩ બેઠકો મળ્યા છતાં રાજ્યપાલ મૃદુલા સિંહાએ ભાજપને સરકાર રચવા માટે નિમંત્રણ આપ્યું હતું અને સંરક્ષણ મંત્રી રહેલા મનોહર પર્રીકરે ફરીને મુખ્યપ્રધાનપદે આવવું પડ્યું હતું. ગોવાના રાજકારણમાં સૌથી વધુ પક્ષપલટા કરીને પાંચ-પાંચવાર મુખ્યમંત્રી બનેલા પ્રતાપસિંહ રાણેના પુત્ર વિશ્વજિત રાણે સહિતના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપ સાથે ઘર માંડ્યું. તેમજ બીજા ૩-૩ સભ્યો ધરાવનારા પક્ષો પણ સરકારમાં જોડાયા હતા. સામાન્ય રીતે સાદગીભર્યું જીવન જીવવા માટે જાણીતા પર્રીકરનું કેન્સરની લાંબી બીમારી પછી હમણાં ૬૩ વર્ષની વયે મૃત્યુ થયું. એમની સરકારમાં અગાઉ નાયબ મુખ્યમંત્રી રહેલા ફાન્સિસ ડી’સોઝાનું પણ મૃત્યુ થયું. નવા મુખ્યમંત્રી તરીકે વિધાનસભાના ૪૬ વર્ષીય યુવા અધ્યક્ષ પ્રમોદ સાવંત વરાયા અને ૨૦ માર્ચે એમણે વિધાનસભામાં વિશ્વાસનો મત ૨૦ વિરુદ્ધ ૧૫ મત મેળવીને જીતી પણ  લીધો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ મતદાનમાં કોંગ્રેસ સાથે રહી. 
બબ્બે ડેપ્યુટી સાથે સાવંત મુખ્યમંત્રી
મુખ્યમંત્રી પર્રીકરનું મૃત્યુ થયું અને લોકસભાની ચૂંટણી માથે હોવાથી ભાજપ પોતાના મિત્રપક્ષોના ટેકે સરકાર રચવાની ઉતાવળમાં હતો. એકબાજુ, લોકપ્રિય મુખ્યમંત્રીના અગ્નિસંસ્કાર થયા.વડાપ્રધાન સહિતના મહાનુભાવો હાજર રહ્યા અને મધરાતે જ મુખ્યમંત્રી તરીકે સાવંત અને બે નાયબ મુખ્યમંત્રી  સુદિન ઢવળીકર (મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી) અને વિજય સરદેસાઈ (ગોવા ફોરવર્ડ પાર્ટી)ને હોદ્દાના શપથ લેવડાવી દેવાની ઉતાવળ કરાઈ. રખેને કોંગ્રેસ કોઈ અવળો ખેલ પાડે. કોંગ્રેસે ખરીદ-વેચાણના આક્ષેપ કર્યાં, પણ ભાજપની નેતાગીરીએ ગજગામી રહીને સત્તાને જ સર્વસ્વ લેખવાનું પસંદ કર્યું. બંને નાયબ મુખ્યમંત્રીઓના પક્ષના ૩-૩ ધારાસભ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો ૨૦ માર્ચે વિધાનસભામાં મળ્યો એટલે ગંગા નાહ્યા. ઉતાવળ એટલા માટે કરવી પડી કે ઇશાન ભારતનાં  અરુણાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં કોંગ્રેસીઓને ભાજપમાં જોડીને સરકારો  કબજે કરી કર્યાં પછી લોકસભા ચૂંટણી ટાણે મંત્રીઓ સહિતના ભાજપી ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા હતા. ગોવામાં બાજી પલટાઈ શકે એ પહેલાં સત્તા પર કબજો બળવાન કરી લેવા માટે ભાજપી ચાણક્યો  કામે વળ્યા હતા. 
કોંગ્રેસે ચાર દિવસમાં ચાર પ્રયાસ કર્યાં
વર્ષ ૧૯૧૭ની વિધાનસભા ચૂંટણી પતી એ વખતે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસ્યો હતો, પણ ભાજપના નાગપુરી ચાણક્ય અને કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીએ કળા કરી હતી.ગોવા અને મણિપુર રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં રાજ્યપાલો કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના કહ્યાગરા હોવાને કારણે સત્તા ભાજપ અને તેના એનડીએને મળી હતી.અગાઉના દાયકાઓમાં કોંગ્રેસે પણ જે અપવિત્ર માર્ગ અપનાવીને સરકારો રચી હતી એ જ માર્ગનું અનુસરણ કરવામાં ભાજપને કશું ખોટું લાગતું નથી. ગોવા વિધાનસભાની ચૂંટણી વખતે  કોંગ્રેસ પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર અંગે એકમતી સાધી શકી નહોતી અને સરકાર રચવાનો દાવો કરવામાં પણ નબળી પૂરવાર થઇ હતી.આ વખતે તો ચાર દિવસમાં ચાર વખત કોંગ્રેસ સરકાર રચવાનો દાવો કરતી રહી, છતાં તક ચૂકી ગઈ. નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસ કને પ્રતાપસિંહ રાણે જેવા નેતા ધારાસભામાં બેઠા હોય ત્યાં એમના પુત્ર વિશ્વજિત કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી મંત્રી બન્યા પછી પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવે, એ કેવી કરુણા કહેવાય.ગુજરાત સહિતનાં રાજ્યોમાં વિરોધમાં બેસનારા ધારાસભ્યોને રાજીનામાં અપાવીને પોતીકા કરવાની આ ફોર્મ્યૂલાને મોદીની મૌલિક  ફોર્મ્યૂલા ગણવામાં આવે છે. 
આયારામ ગયારામનો ઈતિહાસ
ઈમરજન્સી પછી માર્ચ ૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં પોતે પણ રાયબરેલી બેઠક પરથી હારી ગયેલાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૮૦માં કેન્દ્રમાં ફરી સત્તારૂઢ થતાં હરિયાણામાં જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભજનલાલ પોતાના તમામ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં ભળી ગયા હતા. એ વેળા રેડ્ડી કોંગ્રેસના ગોવાના મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણેએ પણ ભજનલાલની જેમજ ઇન્દિરા કોંગ્રેસી વાઘા ધારણ કરી લીધા હતા. દાયકાઓથી આ મરાઠા નેતા મહારાષ્ટ્રના શરદ પવાર કે અન્ય મરાઠી નેતાઓ સાથેના અંતરંગ સંબંધોને કારણે પલટી મારીને પણ મુખ્યમંત્રીપદે કે વિપક્ષના નેતાપદે કે પછી વિધાનસભાના અધ્યક્ષપદે રહ્યા છે.જેમની સામે ક્યારેક દાણચોરીના ખટલા હતા એ ચર્ચિલ આલેમાઓ પણ મુખ્યમંત્રી બન્યા છે અને પક્ષો બદલાતા રહ્યા છે. અત્યારે એ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે. પક્ષ બદલવા અને પ્રધાનપદ કે મુખ્યમંત્રીપદ કે મંત્રીપદ મેળવવું એ ગોવાના રાજકારણમાં કપડાં બદલવા જેટલું સરળ છે.ક્યારે, કોણ, કોની સાથે હશે એ કહેવું કઠીન છે. 
ધગધગતા અસંતોષનું ઠારણ
પ્રત્યેક ધારાસભ્યને મુખ્યમંત્રી થવું છે.એ ના થઇ શકે તો મંત્રી થવું છે.એ પણ ના થઇ શકાય તો મલાઈદાર સરકારી બોર્ડ-નિગમનું અધ્યક્ષપદ ખપે છે. એવું નથી કે નાણાકીય સોદામાં કોંગ્રેસની જેમ ભાજપ પણ પાછળ રહી જાય એવો પક્ષ છે. નાગપુરી ચાણક્ય ગડકરીને ગોવામાં પાઠવીને કોને શું ખપે એ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એમના શિરે છે. આ વખતે રાત્રે પોણા વાગે મુખ્યમંત્રી તરીકે સાવંતની નિમણૂક કરવાનો આદેશ રાજ્યપાલે બહાર પાડ્યો એ પહેલાં ખૂબ જ નાટકીય ખેલ ભજવાયા હતા.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાથી પક્ષોએ સરકાર ચલાવવામાં સહયોગ કરવો ના હોય તો નવી ચૂંટણી માટે ભાજપની તૈયારી હોવાનું સુણાવ્યું અને મામલો બગાડે એવા સંજોગો હતા ત્યારે ગડકરીએ બાજી સંભાળી લીધી હતી. મામલો એ હતો કે ત્રણ સભ્યો ધરાવનાર મગોપના ઢવળીકરે સીનિયર હોવાને લઈને  મુખ્યમંત્રીપદનો આગ્રહ સેવ્યો.એની સામે ગોવા ફોરવર્ડના સરદેસાઈનો વિરોધ હતો. એમણે નાયબ મુખ્યમંત્રી થવું હતું.ભાજપ મુખ્યમંત્રીપદ અને વિધાનસભાના અધ્યક્ષનું પદ પોતાની પાસે રાખવાનો આગ્રહી હતો. છેવટે સાવંત મુખ્યમંત્રી થાય અને બાકીના બંને પક્ષના નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવાય એવો આગ્રહ સેવવામાં આવ્યો.એ પછી  એકાએક ઢવળીકર ક્યાંક ચાલ્યા ગયા.એ જો કોંગ્રેસની છાવણીમાં જાય તો ભાજપની બેઇજ્જતી થાય એટલે છેવટે ગડકરીએ એમને શોધી કાઢીને પોતાની દોસ્તીના  દાવે મનાવી લીધા. જોકે નાયબ અધ્યક્ષમાંથી હંગામી અધ્યક્ષ બનેલા ભાજપના જ માયકલ લોબોએ વિધાનસભાના અધ્યક્ષ થવું નહીં હોવાનું કહ્યું અને એમને મંત્રીપદ ખપતું હોવાથી નારાજી છતી થઇ છે. 
ગમે ત્યારે કોકડું ગૂંચવાઈ શકે
રાજ્યસભાની એક અને લોકસભાની માત્ર બે જ બેઠકો ધરાવતા ગોવામાં ક્યારે શું થશે એ કહેવું મુશ્કેલ છે. લોકસભાનાં પરિણામ અત્યારે તો નરેન્દ્ર મોદીને ફરી સત્તારૂઢ કરે એવાં આવવાની અપેક્ષા છે,પરંતુ એમાં જો કોઈ ગડબડ થઇ અથવા તો વડાપ્રધાનપદે મોદી સિવાયની ભાજપની જ કોઈ વ્યક્તિ આવે એવા સંજોગોમાં ગોવામાં ફરી આસમાની સુલતાની થઇ શકે.અત્યારના તબક્કે ભાજપની નેતાગીરીએ મગોપ અને ફોરવર્ડ પાર્ટીના બબ્બે સભ્યોને પોતાનાં પક્ષમાં સામેલ કરી દેવાની વ્યૂહરચના પણ ઘડી જોઈ હતી.અગાઉ શિવસેનાના નેતા અને સાંસદ રહેલા સુરેશ પ્રભુને ભાજપમાં સમાવીને, શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અનિચ્છાએ, મંત્રી બનાવાયાનો દાખલો મોજૂદ છે. આવા સંજોગોમાં કેન્દ્રમાં અત્યારે સત્તામાં રહેલા ભાજપની આગલી રાજકીય વ્યૂહરચના સમજવાનું મુશ્કેલ છે. લોકસભાની ચૂંટણી માથે હોય ત્યારે ભાજપને કોઈ રાજ્ય ગુમાવવું પરવડે નહીં. 
ઇ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment