Wednesday 6 June 2018

Patidar Mahapanchayat and Gujarati Asmita


Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Sardar Gurjari (Anand), Gujarat Guardian (Surat), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text here and comment.
મહાપંચાયતના મંચ પર અશ્લીલ શબ્દોનાં ઉચ્ચારણોથી લજ્જિત ગુજરાત:  ડૉ.હરિ દેસાઈ
·         પાટીદારોને પોતીકા કરવાના વેતમાં કૉંગ્રેસ અને ભાજપ બેઉ સરખી કવાયતો આદરે છે
·         કૉંગ્રેસી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ  વીરજી ઠુમ્મર માફી માંગી લે એમાં એમની મોટાઈ લેખાશે
·         નરેન્દ્ર મોદીએ સોનિયાને “જર્સી ગાય” કહ્યાં કે રેણુકા ચૌધરીને “શૂર્પણખા” કહ્યાં એ યોગ્ય નહોતું
·         જાહેરમાં નન્નો ભણતા નીતિન પટેલની નારાજગી સરકારને ગબડાવવાની ચિંતા જરૂર પ્રેરે છે

ક્યારેક ક.મા. મુનશીએ ગુજરાતની અસ્મિતાનો આહલ્લેક જગાવ્યો હતો. આજકાલ જાહેર મંચ પરથી ગુજરાતની અસ્મિતા અને ગરિમા તેમજ સંસ્કૃતિનાં ચીરહરણ થઈ રહ્યાં છે. ભાજપ હોય કે કૉંગ્રેસ, ભાષાની ગરિમા સાચવવામાં કોઈને વખાણવા જેવા નથી. હમણાં ધ્રાંગધ્રાના મોટા માલવણમાં પાટીદારોને ન્યાય માટે મહાપંચાયતમાં હજારોની જનમેદની ઉમટી. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે સર્વપક્ષી ધારાસભ્યોને નોતર્યા હતા,પણ  આ આયોજનમાં પધારેલા કૉંગ્રેસના ૧૩ જેટલા પાટીદાર ધારાસભ્યોએ તો માઝા મૂકીને સંબોધન કરી તાળીઓ તો પડાવી, પણ ગુજરાતની અસ્મિતા અને સંસ્કાર કલંકિત કરવા જેવાં વેણ કાઢ્યાં.હાર્દિકની ભાષા પણ તોછડાઈ ભરેલી હતી. હજુ થોડા સમય પહેલાં વિધાનસભા ગૃહમાં જ ભાજપના સભ્યે વિપક્ષી સભ્યને મા-બહેનના નામે ગાળો ભાંડી અને મામલો મારામારી સુધી ગયો,એ પછી પાટીદાર મહાપંચાયતમાં કૉંગ્રેસી ધારાસભ્ય થકી ભાજપી ધારાસભ્યની મા વિશેનાં અભદ્ર ઉચ્ચારણો રાજકારણીઓને અશોભનીય સ્થિતિમાં મૂકે છે.
અમરેલી જિલ્લાના વીરજીભાઈ ઠુમ્મર જેવા સાંસદ રહી ચૂકેલા મહારથીએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ભાવનગરના પાટીદાર ધારાસભ્ય જિતુ વાઘાણીના પાટીદાર ગોત્ર અંગે સવાલો ઊભા કરીને ડાયરાને હસાવ્યો અને તાળીઓ પડાવી. તેમના શરમજનક શબ્દો સામે બીજા દિવસે ભાજપના યુવા કાર્યકરો અને વડીલોએ યુવા ભાજપના પ્રદેશાધ્યક્ષ અને પટેલ અગ્રણી ડૉ.ઋત્વિજ પટેલના નેતૃત્વમાં કૉંગ્રેસના મુખ્યાલય રાજીવ ગાંધી ભવનસામે ઠુમ્મરનું પૂતળું બાળવામાં આવ્યું. પોલીસ મૂક પ્રેક્ષક બની રહી. સામે કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલ ભાજપના વર્તન સામે વિરોધ નોંધાવતા રહ્યા. કૉંગ્રેસના ધારાસભ્ય વીરજીભાઈએ તો પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી કે ભાજપવાળાએ મારું પૂતળું બાળ્યું. એટલે તેમની સામે કેસ દાખલ કરીને અટકાયત કરો. આગલા દિવસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય વાઘાણીએ પણ હાર્દિક પટેલને “કૉંગ્રેસનો પિઠ્ઠુ” કહ્યો એ વાત પણ અશોભનીય તો હતી જ.અમે તો ભાજપ અને કૉંગ્રેસ બેઉના નેતાઓને પ્રશ્ન કર્યો કે હાર્દિકના મોટાભાગના સાથીઓ એનાથી અળગા થઇ ભાજપ કે કૉંગ્રેસમાં ગયા  પછી પણ એની હાકલથી આટલી બહોળી સંખ્યામાં પાટીદારો કેમ ઉમટે છે? જોકે આનો સંતોષજનક ઉત્તર ભાગ્યેજ કોઈ વાળી શકે છે,પણ એ હકીકત છે કે હાર્દિકની હાકલ પર પાટીદારો ઉમટે તો છે જ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને સારી એવી બેઠકો મળી. સાતેક જિલ્લા તો ભાજપમુક્ત થઈ ગયા. રાજ્યની કુલ  ૩૩માંથી ૨૪ જિલ્લા પંચાયતો કૉંગ્રેસ હસ્તક હોવાને કારણે કૉંગ્રેસ બેપાંદડે થાય એ સમજી શકાય છે. પણ સંસ્કારિતા છોડીને વાત કરવા સમાન વાણીવિલાસ એને શોભતો નથી. હજુ થોડા વખત પહેલાં જ ગુજરાત વિધાનસભામાં ગાળાગાળી અને મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં એ પછી પણ ભાજપ અને કૉંગ્રેસ બેઉ કાંઈ સુધર્યા લાગતા નથી.વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખીને પાટીદારોના પ્રશ્નો અને અનામત મુદ્દે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાનીમાંગણી કરી છે.બંને પક્ષો આ મુદ્દે પણ નર્યું રાજકારણ રમવાને બદલે સાથે બેસીને સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરે તો ગનીમત.
ભાજપના નેતાઓ પણ સખણા રહ્યા નથી
પાટીદાર મહાપંચાયતમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ માઝા મૂકીને સંબોધન કર્યા તો એમને ઉશ્કેરવાનું નિમિત્ત ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જિતુ વાઘાણીએ જ પૂરું પાડ્યું હતું. વાઘાણીએ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને “કૉંગ્રેસનો પિઠ્ઠુ” કહેવાની ગુસ્તાખી કરી હતી. આ મુદ્દે હાર્દિક સેના ગિન્નાવી સ્વાભાવિક હતી. હાર્દિક હજુ ૨૪ વર્ષનો છે. ધારાસભા કે લોકસભાની ચૂંટણી લડવાની એની ઉંમર નથી. એનો પરિવાર ભાજપનો રહ્યો છે, પરંતુ પાટીદાર અનામત આંદોલનને પગલે એ રાજ્ય સરકાર વિરુદ્ધ થઈ ગયો હતો. હાર્દિકના મોટા ભાગના સાથીઓ ભાજપમાં ગોઠવાઈ ગયા છે અને પક્ષના પ્રવક્તા બની ગયા છે.
હાર્દિકનું કહેવું છે કે મહાપંચાયતમાં અમે તો ભાજપ અને કૉંગ્રેસ બેઉના પટેલ નેતાઓ અને ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું. ભાજપના ધારાસભ્યો આવ્યા નહીં અને કૉંગ્રેસના આવ્યા એટલે અમને કૉંગ્રેસના પિઠ્ઠુ કહીને ભાંડવામાં આવે એ યોગ્ય નથી. અમે કોઈ પક્ષમાં જોડાયેલા નથી અને માત્ર પાટીદારોના હિતની વાત કરીએ છીએ ત્યારે અમારા માટે આવા હીન શબ્દો વપરાય એ યોગ્ય નથી. ભાજપની નેતાગીરીનું ગોત્ર સંઘનું હોવા છતાં રાજકીય વિરોધીઓને ભાંડવામાં કોઈ મણા કે મર્યાદા રાખવાનું એમણે પણ કબૂલ્યું નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના ઇટાલિયન ગોત્ર સહિતના મુદ્દે આવો જ વાણીવિલાસ કરતા રહ્યા છે.મોદીએ તો શ્રીમતી ગાંધીને “જર્સી ગાય” ગણાવ્યાં હતાં.હજુ હમણાં જ સંસદમાં વડાપ્રધાને કૉંગ્રેસનાં સભ્ય રેણુકા ચૌધરીને “શૂર્પણખા” સાથે સરખાવ્યાં હતાં.મોદીએ અગાઉ કૉંગ્રેસના સાંસદ શશી થરૂરનાં પત્ની સુનંદા વિશે  પચાસ કરોડની ગર્લફ્રેન્ડજેવો  શબ્દપ્રયોગ કર્યો હતો. ભાજપની ટોચની નેતાગીરીના મોંઢામાં આવા શબ્દો શોભતા નથી. સાથે જ ભાજપના નેતા બેફામ વાણીવિલાસ કરે એટલે કૉંગ્રેસે પણ એ કરવું એ યોગ્ય તર્ક નથી.બંને પક્ષોએ સંસદીય ગરિમાને શોભે એવાં ઉચ્ચારણો કરવાની જરૂર ખરી.
ઉકળાટ નીતિન પટેલના મુદ્દાનો છે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ત્રાગું કરીને નાણાં ખાતું મેળવ્યા પછી પક્ષનું મોવડીમંડળ એમનો વારો કાઢી લેવાની વેતરણમાં છે. આજકાલ એમના રાજીનામા કે તેમને કાઢી મૂકવાની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. અગાઉ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ વિશે પણ આવી ચર્ચા ચાલ્યા પછી એમનું રાજીનામું આવી પડ્યું હતું. ભાજપમાં કોઈ મોવડીમંડળને પડકારે અથવા ત્રાગું કરે એ સહન કરી લેવામાં આવતું નથી. છેક જનસંઘના સમયથી આવી જ પરંપરા રહી છે. જનસંઘના સંસ્થાપક સભ્ય બલરાજ મધોક જ્યારે પક્ષના અધ્યક્ષ હતા ત્યારે એમને પક્ષમાંથી તગેડી મૂકાયા હતા.એનું  કારણ એ હતું કે નાગપુર મુખ્યાલયના એટલે કે સંઘના આદેશોને માનવા તેઓ  તૈયાર નહોતા. એવું જ જનસંઘના બીજા અધ્યક્ષ મૌલિચંદ્ર શર્માનું થયું હતું. સ્વયં લાલકૃષ્ણ આડવાણીએ પણ પાકિસ્તાનની મુલાકાત પછી સંઘની અવકૃપાને કારણે ભાજપનું અધ્યક્ષપદ છોડવું પડ્યું હતું.નીતિનભાઈના પિતા રતિભાઈ તો કૉંગ્રેસના અગ્રણી હતા.એટલે નીતિનભાઈને  ભાજપ છોડીને કૉંગ્રેસમાં આવવા આગ્રહ કરીને મુખ્યમંત્રી પદ આપવાની ઑફરો થતાં ભાજપમાં અકળામણ વધવી સ્વાભાવિક છે.
હાર્દિકનો નીતિનભાઈને આવકાર
નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ વારંવાર રૂસણે બેસતા હોવાથી પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલે એમને ભાજપમાંથી  નીકળી જવા વારંવાર હાકલ કરી છે. નીતિનભાઈ પોતાના રાજીનામાની કે પક્ષ છોડવાની વાતનો ઈનકાર કરતા રહ્યા હોવા છતાં હાર્દિક એમને છંછેડતો રહ્યો છે. ભાજપવાળાને ચિંતા પણ પેઠી છે કે નીતિનભાઈને નારાજ કરવા જતાં ગુજરાતમાં સરકાર ખોવી પડે એવો વખત આવી શકે. ઘણા બધા ભાજપી ધારાસભ્યો અને નેતાઓની નારાજગી નીતિનભાઈ આસપાસ સંગઠિત થઈ જાય તો વિજય રૂપાણી સરકારને ગબડાવવાનું અશક્ય નથી.અત્યાર લગી  ભાજપની નેતાગીરી કૉંગ્રેસમાં ધાડ પાડતી રહી છે. એનાથી ઉલટું પણ થઈ શકે છે. હમણાં પાછા સંઘ-જનસંઘ-ભાજપ ગોત્રના કૉંગ્રેસી રહેલા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી અવગણાઈ રહ્યાની અનુભૂતિને કારણે બેઠકો કરવા માંડ્યા છે.એ કંઈક નવાજૂનીના સંકેત જરૂર આપે છે.
ગુજરાત વિધાનસભામાં ૧૮૨ સભ્યોમાંથી ભાજપ પાસે માત્ર ૯૯ સભ્યો છે. જ્યારે કૉંગ્રેસ પાસે ૮૧નું સંખ્યાબળ છે. દસેક ભાજપી ધારાસભ્યો આઘાપાછા થાય તો ભાજપની રાજ્ય સરકાર ગબડી શકે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી કેન્દ્રથી લઈને દેશભરમાં સૌથી વધુ રાજ્ય સરકારો ભાજપ અને મિત્રપક્ષોની હોવા છતાં બૅંગલૂરુમાં જનતા દળ (એસ) અને કૉંગ્રેસની સરકારે વિશ્વાસનો મત મેળવ્યો, એ પછી ભાજપવિરોધી મોરચો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવવા બાબત આશાવાદી બન્યો છે.આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢ  તેલુગુ દેશમ્ પાર્ટી  અને મહારાષ્ટ્રમાં સત્તામાં સહભાગી શિવસેના જેવા ભાજપના સાથીપક્ષો પણ વાડ ઠેકવા માંડ્યા છે. આવા સંજોગોમાં કૉંગ્રેસમાંથી ધાડ પાડીને ભાજપમાં લવાયેલા નેતાઓ આસમાની સુલતાની કરી પણ  શકે છે.જોકે વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ જાગતા નેતાઓ છે એટલે એ પાણી પહેલાં પાળ બાંધવા માટે નવાં રાજકીય જોડાણો કરવાની વેતરણમાં જરૂર હશે.આવતા દિવસોનાં આકાર લેનારાં રાજકીય સમીકરણો રસપ્રદ બની રહેશે.
ઈ-મેઈલ : haridesai2018@gmail.com                                             (લખ્યા તારીખ: ૩૦  મે ૨૦૧૮)

No comments:

Post a Comment