Wednesday 7 February 2018

Attacks by BJP Boomranged : Gujarat in soup on Ministry Expansion

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં:સંસદીય સચિવ મામલે ભાજપીતીર બૂમરેંગ થયાં
Attacks by BJP Boomranged : Gujarat in soup on Ministry Expansion

Dr. Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar), Jan Setu (Palanpur) and Hamlog ( Patan). You may read the full text  here or on Blog : haridesai.blogspot.com and feel free to comment.

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં:સંસદીય સચિવ મામલે ભાજપીતીર બૂમરેંગ થયાં
ડૉ.હરિ દેસાઈ

·         કેજરીવાલના સંસદીય સચિવોને ગેરબંધારણીય ઠરાવાતાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં રાજકીય મુશ્કેલી
·         કૉંગ્રેસના મોવડીમંડળને  ગુજરાતમાં સરકારને ગબડાવવા કરતાં ભીંસમાં મૂકવામાં વધુ રસ હોવાનું સ્પષ્ટ છે
·         સુપ્રીમ કોર્ટના ચુકાદાએ  ધારો ઘડીને સંસદીય સચિવો નીમવા કે દંડકને સુવિધાઓ આપવાનું વિકટ બનાવ્યું
·         મોરવાહડફના ધારાસભ્યના આદિવાસી હોવાના વિવાદે બોગસ પ્રમાણપત્રો અંગે વધુ ભડાકાનાં એંધાણ આપ્યાં

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર માટે પોતાના ધારાસભ્યોને સંસદીય સચિવ નિયુક્ત કરીને રાજી કરવાની સત્તારૂઢ પક્ષની યોજનાને સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પગલાએ મૂંઝવણમાં મૂકી છે. કૉંગ્રેસના જાગતા ધારાશાસ્ત્રી  એવા વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા શક્તિસિંહ ગોહિલ આ વખતની ચૂંટણી ભલે હાર્યા હોય, ગુજરાતની ભાજપ સરકારને હંફાવવાની દિશામાં એમણે વધુ એક ચાલ રમી છે. અગાઉ, રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહના જાગૃત પ્રયાસોને કારણે જ કૉંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજયી બન્યા હતા. હવે એમણે ભાજપ થકી સંસદીય સચિવોના હોદ્દાઓની લહાણી કરીને પક્ષના આંતરિક અસંતોષને ઠારવાની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની યોજના પર પાણી ફેરવવાના વ્યૂહ તરીકે  રાજ્યપાલ ઓ. પી. કોહલીને પત્ર લખીને પાણી પહેલાં પાળ બાંધી છે. 

ગુજરાતની વિધાનસભાના કુલ ૧૮૨ સભ્યોમાંથી ભાજપના માત્ર ૯૯ સભ્યો છે. વિપક્ષ કૉંગ્રેસ પાસે ૮૧ સભ્યોનું સંખ્યાબળ છે. અત્યાર લગી ૧૦ કૅબિનેટ કક્ષાના અને ૧૦ રાજ્યકક્ષાના એમાં કુલ મળીને ૨૦ પ્રધાનોની સરકારે શપથ લીધા છે. વાજપેયી યુગમાં કરવામાં આવેલા બંધારણીય સુધારા ૯૧ મુજબ, રાજ્ય કે કેન્દ્રમાં ધારાગૃહોની કુલ સભ્ય સંખ્યાના ૧૫ ટકાથી વધુને પ્રધાનમંડળમાં સામેલ કરી શકાય નહીં. ગુજરાતમાં ૧૮૨ સભ્યોની ધારાસભા હોવાથી માત્ર ૨૭  પ્રધાન બનાવી શકાય. અગાઉ રૂપાણી સરકારમાં ૯ કૅબિનેટ પ્રધાનો અને ૧૭ રાજ્યકક્ષાના પ્રધાનો ઉપરાંત  ૧૦ સંસદીય સચિવ બનાવાયા હતા એટલેકે ૩૬ ધારાસભ્યોને રાજી કરવાનો અવસર મળ્યો હતો.. હવે સ્થિતિ બદલાઈ છે: આસામની કૉંગ્રેસ સરકાર થકી વર્ષ ૨૦૦૫માં નિયુક્ત કરવામાં આવેલા સંસદીય સચિવોની નિમણૂક અને એમની નિયુક્તિ અંગે રાજ્ય સરકારે કરાવેલા કાયદાને દેશની સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશો ચેલમેશ્વર, આર. કે. અગરવાલ અને અભય મનોહર સપ્રેએ, સઘળી પ્રક્રિયાને ક્ષતિયુક્ત જણાવીને, ગેરબંધારણીય જાહેર કર્યો  છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર સંસદીય સચિવોની નિયુક્ત કરી શકે નહીં, એવો પત્ર રાજ્યપાલને તકેદારી રાખવાની વિનંતી સાથે શક્તિસિંહે લખ્યો છે. હકીકતમાં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી પ્રધાનોની જે કાનૂની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમાં પ્રધાન, રાજ્યકક્ષાના પ્રધાન, નાયબ પ્રધાન અને સંસદીય સચિવનો પણ સમાવેશ છે. ભાજપ માટે સાપે છછૂંદર ગળ્યા જેવો તાલ થયો હોવાથી એનો સન્નિપાત વધ્યો છે. હજુ સરકાર પક્ષના  મુખ્ય દંડક, નાયબ મુખ્ય દંડક  અને દંડકને પ્રધાનો જેવી સગવડો આપે એ અંગે પણ કૉંગ્રેસ મુદ્દો ઊઠાવશે.આ વખતે કૉંગ્રેસના મોવડીમંડળે ગુજરાતમાં ભાજપના આંતરિક અસંતોષનો લાભ ઊઠાવીને સરકારને ગબડાવવાના પ્રયાસો નહીં કરવાના નિર્દેશ આપ્યા છે. જોકે, સરકારની ભીંસ વધારવા સક્રિય રહેવાનું જરૂર ફરમાવ્યું છે.

“આપ”ના ૨૦ ધારાસભ્યો ગેરલાયક છતાં બહુમતી

ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ માથે રહીને દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના જે ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ (પાર્લામેન્ટરી સેક્રેટરી) બનાવાયા હતા, તેમાંના ૨૦ને ચૂંટણી પંચની ભલામણ મુજબ, નવનિર્વાચિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરાવ્યો છે. એક સંસદીય સચિવે અગાઉ રાજીનામું આપી દીધું હતું એટલે જે ૨૦ સંસદીય સચિવોએ નિમણૂક મેળવીને પ્રધાનોની જેમ આર્થિક લાભ મેળવ્યા કે અન્ય લાભ મેળવ્યા હોય તો એ સરકારી તિજોરીમાં જમા કરાવવાની ઝુંબેશ ભાજપ થકી આદરવામાં આવી હતી. સામે પક્ષે આપની સરકાર અને એના મુખ્ય પ્રધાનનું કહેવું હતું કે એમના આ સંસદીય સચિવોએ કોઈ આર્થિક સહિતના લાભ મેળવ્યા નથી.જોકે, દિલ્હીમાં ભાજપની જે ભૂમિકા અપનાવવામાં આવી એ જ ભૂમિકા ગુજરાતમાં લઈને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ જણાવે છે કે , ૨૬ જુલાઈ ૨૦૧૭ના સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત ચુકાદા પછી પણ ચાલુ રહેલા, ગુજરાતના દસ જેટલા સંસદીય સચિવોએ પગાર-ભથ્થાં, ગાડી,બંગલા સહિતની જે સુવિધા મેળવી હોય એની મેળવેલી થતી રકમ  સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે. જુલાઈમાં ચુકાદો આવ્યા પછી પાંચ મહિના માટે ભાજપ સરકારના આ સંસદીય સચિવો ચાલુ રહ્યા હતા. એ પછી વિધાનસભાની ચૂંટણી થઈ અને નવી સરકારે હજુ સંસદીય સચિવ નિયુક્ત કર્યાં નથી. જોકે, શક્તિસિંહના પત્રથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી છળી ઊઠ્યા હોય એવું લાગે છે. એમણે ગુજરાત સરકાર બંધારણ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને સમજી વિચારીને યોગ્ય તે નિર્ણય લેશે એવું જણાવીને શક્તિસિંહની સલાહનો ખપ નહીં હોવાનું નિવેદન કર્યું છે.દિલ્હીમાં તો ‘આપ’ના  ૨૦ ધારાસભ્યો ગેરલાયક ઠર્યા છતાં એની બહુમતીને ઉની આંચ આવે તેમ નથી કારણ ૭૦ના સભાગૃહમાં તેના ૪૫ સભ્યો તો રહે જ છે.દિલ્હીમાં કૉંગ્રેસ અને ભાજપ એકસરખી ભૂમિકા લઈને કેજરીવાલને ઘેર બેસાડવાના વ્યૂહ ઘડે છે,પણ એ જ ભૂમિકા ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલી સર્જે તેમ છે.સંભવતઃ એટલેજ હારેલા પ્રધાન અને બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ બનાવવાની છેલ્લી ઘડીએ માંડવાળ કરીને ભાજપના આયાતી અને હારેલા ઉમેદવાર રામસિંહ પરમારને અધ્યક્ષ અને પ્રધાનપદના આગ્રહી દાવેદાર ધારાસભ્ય જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ બનાવવા પડ્યા છે. હજુ રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકી વટકેલા હોવાના સંકેત ૩૧ જાન્યુઆરીએ  કૅબિનેટમાં ફરીને ગેરહાજર રહીને આપ્યા છે.ભાજપની અવસ્થા એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે.

ઈશાન ભારતમાં ૯૩ સંસદીય સચિવો ઘરભેગા

સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ બે બાબત સ્પષ્ટ કરી દીધી છે : સંસદીય સચિવની નિયુક્તિ કરી શકાય નહીં અને કરવામાં આવે તો વિધાનગૃહની સભ્યસંખ્યાના ૧૫ ટકાથી વધુ પ્રધાન, રાજ્ય પ્રધાન, નાયબ પ્રધાન અને સંસદીય સચિવની કુલ સંખ્યા હોઈ શકે નહીં.  સંસદીય સભ્યોની નિમણૂકને મંજૂરી આપીને ઑફિસ ઑફ પ્રૉફિટમાંથી એમને બાકાત રાખીને નિયુક્તિ અંગેનો કોઈ કાયદો રાજ્ય સરકારો બનાવી શકે નહીં, એ પણ ચુકાદામાં સ્પષ્ટ કરી દેવાયું છે. સમગ્ર ભારતનાં વિવિધ રાજ્યોમાં અત્યાર લગી સર્વપક્ષી સરકારો મનસ્વી રીતે સંસદીય સચિવો નિયુક્ત કરીને રાજકીય અસંતોષ ઠારવા માટે તેમને પ્રધાનની જેમ તમામ સુવિધાઓ આપવાનું પસંદ કરતી હતી. હવે એના પર અંકુશ આવી જાય છે.ચુકાદાની સૌથી વધુ અસર ઈશાન ભારતનાં રાજ્યોમાં અને પક્ષાંતર કરીને ભાજપમાં ભળેલા ધારાસભ્યોમાંથી સંસદીય સચિવ બનેલા નેતાઓને થવી સ્વાભાવિક છે. અરુણાચલ પ્રદેશમાં મોટાપાયે કૉંગ્રેસમાંથી પક્ષાંતર કરીને કૉંગ્રેસી સરકારમાંથી ભાજપ સરકાર અસ્તિત્વમાં આવી છે. આસામમાં અગાઉની કૉંગ્રેસ સરકારમાં પ્રધાન અને સંસદીય સચિવ રહેલાઓમાંથી મોટાભાગના ભાજપમાં જોડાઈ ચૂંટણી લડીને સત્તામાં આવ્યા છે. જોકે, નવી ભાજપ સરકારે સંસદીય સચિવ તરીકે  હજુ કોઈને નિયુક્ત કર્યાં નથી. અરુણાચલમાં ૩૧ જણાને સંસદીય સચિવ બનાવાયા હતા. નાગાલેન્ડમાં ૨૬, મેઘાલયમાં ૧૭, મણિપુરમાં ૧૨ અને મિઝોરમમાં ૭ જણાને. બીજાં રાજ્યોમાં પણ સંસદીય સચિવો નિયુક્ત કરવાની પ્રણાલી રહી છે. મેઘાલયની વડી અદાલતે સંસદીય સચિવોની નિમણૂકને ગેરકાયદે ઠરાવી કે તમામ ૧૭ સંસદીય સચિવોએ રાજીનામાં આપી દીધાં હતાં. જોકે, હવે ચૂંટણીમાં જનારા મેઘાલયના કૉંગ્રેસી મુખ્ય પ્રધાન મુકુલ સંગમાએ સંસદીય સચિવોનાં રાજીનામાં તો સ્વીકાર્યાં હતાં, પણ તેમની નિયુક્તિને વાજબી ઠરાવી હતી.

ગુજરાતમાં સરકારની ભીંસ વધી રહી છે

ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા ઘટી છે એટલું જ નહીં, કૉંગ્રેસ પક્ષ મજબૂત વિપક્ષ તરીકે ઉપસ્યો છે. સાથે જ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવનાર ધારાસભ્યો કે પરાજિત ઉમેદવારોને સરકારી હોદ્દાઓની અપેક્ષા રહેવી સ્વાભાવિક છે. મુખ્ય પ્રધાનપદે નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી પક્ષના ધારાસભ્યો કે અન્ય નેતાઓ હોદ્દાઓની માગણી માટે ત્રાગાં કરવાની હિંમત કરી શકતા નહોતા. જોકે, આ વખતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ નાણાં ખાતું મેળવવા માટે રૂસણે બેઠા હતા. ત્રાગું કરીને નાણા ખાતું મેળવવાની જીદ પૂરી કરાવીને જ રહ્યા. એના સંકેત બીજાઓને પણ અસંતોષ માટે પ્રેરે  છે. રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી ઉપરાંત ધારાસભ્યો સી. કે. રાઉલજી, જેઠા ભરવાડ, સહિતના તેમજ બાબુ બોખરીયા જેવા પડતા મૂકાયેલા પ્રધાનોની નારાજગી છાસવારે પ્રગટે છે. મુખ્ય પ્રધાન અસંતુષ્ટોને સંસદીય સચિવ બનાવવાની ખાતરી આપતા રહ્યા હોવા છતાં એમાંના બે જણાએ વિપક્ષનો સંપર્ક સાધ્યો ત્યારે સંસદીય સચિવ નિયુક્તિ અશક્ય હોવાનું જાણવા મળતાં અસંતોષનો ચરુ વધુ ઊકળે એવા સંજોગો નિર્માણ થયા છે.ઓછામાં પૂરું મોરવાહડફ અનુસૂચિત જનજાતિની બેઠક પર ચૂંટાયેલા મૂળ કૉંગ્રેસના  અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ વેચાત ખાંટ  થકી કૉંગ્રેસને ટેકો અપાતાં તેમની વિરુદ્ધની સરકારી તપાસ ઝડપી બની છે.મામલો વડી અદાલતે ગયો છે. રાજયસરકારે મોટા ઉપાડે કુતિયાણામાં જાહેર સમારંભ યોજીને નેસના રબારી-ભરવાડને બદલે નેસ બહાર વસનારાઓને મોટી  સંખ્યામાં અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્રો આપ્યાં એટલુંજ નહીં,નાયબ કલેક્ટરો અને નાયબ જિલ્લા પોલીસ વડાની જીપીએસસીની યાદીમાં આદિવાસીઓ તરીકે અડધા કરતાં વધુ આવા ઉમેદવારો પસંદ કરાયાથી મામલો ઉગ્ર બન્યો છે.આવાં ખોટાં પ્રમાણપત્રો અંગેનાં સંખ્યબંધ પ્રકરણોની તપાસ પણ સરકારે શરૂ કરવી પડી છે. એ ઉકળાટની ઝલક હમણાં રાજપીપળામાં આદિવાસીઓના કાર્યક્રમમાંથી આદિજાતિ વિકાસ  પ્રધાન ગણપત વસાવાને ભગાડાયામાં જોવા મળી હતી.

ધારાસભ્યોને ચેરમેન બનાવી ના શકાય

ગુજરાતમાં માધવસિંહ યુગમાં પક્ષના નેતાઓને રાજી રાખવા માટે ઢગલાબંધ સરકારી બોર્ડ-નિગમો રચવામાં આવ્યાં હતાં. ધારાસભ્યોને ચેરમેનપદ અપાતાં રહ્યાં છે. સમયાંતરે  પછીની સરકારો પણ એમાં સતત ઉમેરણ કરતી રહી હતી. જોકે, ધારાસભ્યોને આવાં બોર્ડ-નિગમોના અધ્યક્ષપદે નિયુક્ત કરીને સંતુષ્ટ કરવાની કોશિશ કરવા જતાં ફરીને પેલો ઑફિસ ઑફ પ્રૉફિટ અને જનપ્રતિનિધિ ધારાની જોગવાઈ મુજબ, ધારાસભ્યો ગેરલાયક ઠરે એવી શક્યતા રહે છે.નિર્ધારિત ખર્ચ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરનાર ભાજપના બે ધારાસભ્યો (રાજેન્દ્રસિંહ ચાવડા-હિંમતનગર અને કુબેરસિંહ ડિંડોર-સંતરામપુર)ને માથે ગેરલાયક ઠરવાની તલવાર તો લટકી જ રહી છે.  ભારત સરકાર બંધારણમાં સુધારો કરવાનું વિચારે તો ટીકા સહન કરવાનો વખત આવવા ઉપરાંત અન્ય રાજકીય પક્ષોની સરકારોને પણ એનો લાભ ખાટવાની તક મળે. દિલ્હીની આપસરકારના સત્તારૂઢ પક્ષના ૨૦ ધારાસભ્યોનાં સભ્યપદ રદ કરાવ્યા છતાં ૭૦ના ગૃહમાં આપ૪૫ ધારાસભ્યો સાથે બહુમતીમાં તો રહે જ છે એટલે કેજરીવાલને ઘેર મોકલવાની વેતરણ નિષ્ફળ રહી છે. ગુજરાતમાં હવે સંસદીય સચિવો અને ૭ થી વધુ પ્રધાનો નિયુક્ત કરવાનું લગભગ અશક્ય બન્યું છે. એમાંય બંધારણવિદ કૃષ્ણકાંત વખારિયા હવે સક્રિય થઈને વડી અદાલતમાં કાનૂની મુદ્દો ઊઠાવીને બંધારણનો ભંગ કરવા સબબ જાહેર હિતની અરજી કરવા મેદાને પડવાના હોવાનું જણાવે છે.આવા સંજોગોમાં ગુજરાતમાં છઠ્ઠીવાર સત્તા મેળવવાનો હરખ કરનાર ભાજપની મુશ્કેલીઓ વધવાનાં ચિહ્નો સ્પષ્ટ જોવા મળે છે.


ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment