Wednesday 3 January 2018

Gujarat Assembly Election promotes Caste-Community Divide

Dr. Hari Desai’s Weekly  Column  in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat),Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar), Sanj Samachar (Rajkot), Hamlog (Patan) and Jansetu (Palanpur). Please read the full text here or on blog : haridesai.blogspot.com and do express your opinion.
જ્ઞાતિજાતિવાદને ખીલવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી
ડૉ.હરિ દેસાઈ
·         ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારી અને વિપક્ષના પડકારને પહોંચી વળવા એકંદરે સમતોલ પ્રધાનમંડળ
·         માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધ છતાં જ્ઞાતિઆધારિત વસ્તીગણતરી ૨૦૧૧ને ભાજપે ટેકો આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પતી અને હાશકારો અનુભવાયો.ચૂંટણીમાં  ઉડીને આંખે વળગે એવી વાત તો એ છે કે જ્ઞાતિવાદ અને જાતિવાદનું ભૂત ફરીને ખૂબ ધૂણ્યું. હકીકતમાં તો જ્ઞાતિવાદ કે જાતિવાદ કે ધાર્મિક ભેદભાવ સ્વતંત્ર ભારતમાં છેક ૧૯૫૧-૫૨માં પહેલી ચૂંટણી યોજાઈ ત્યારથી આજ લગીની ચૂંટણીઓમાં ક્યારેય દૂર થયા નથી. ઉમેદવારો નક્કી કરતી વેળા હવે તો કઈ  જ્ઞાતિ, જાતિ કે કોમના કેટલા મત, કયા મતવિસ્તારમાં છે અને જે તે જ્ઞાતિ, જાતિ કે કોમનો કયો ઉમેદવાર જીતી શકે તેમ છે; એનો વિચાર કરીને જ ઉમેદવાર પસંદ થાય છે. આ વખતે હાર્દિક પટેલના નેતૃત્વવાળું પાટીદાર અનામત આંદોલન,અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર-અન્ય પછાત વર્ગો (ઓબીસી)નું આંદોલન અને જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન થકી  રાજ્યમાં એક પ્રકારની પ્રકારની જાગૃતિ આવી.સત્તાપક્ષ ભાજપ તરફથી એમનો સહયોગ મેળવવાના પ્રયાસો ઝાઝા સફળ ના રહ્યા અને કોંગ્રેસને એમનો ટેકો મળ્યો, એટલે એમને જ્ઞાતિવાદી કે જાતિવાદી તથા ભાગલાવાદી  ગણાવી દેવાયા. મૂળ જ્ઞાતિવાદ-જાતિવાદના દર્દનો ઈલાજ કરવાને બદલે રાજકીય આક્ષેપ-પ્રત્યાક્ષેપ ખૂબ ચાલતા રહ્યા.ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં સરકાર રચાઈ. એમાં પણ જ્ઞાતિવાદી સમીકરણોને સમતોલ કરીને વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડવામાં ભાજપની નેતાગીરીએ સફળતા મેળવી છે.લઘુમતી જૈન સમાજના સર્વામિત્ર લેખાતા મુખ્ય મંત્રીના વડપણ હેઠળની રાજ્ય સરકારમાં ૬ ઉજળિયાત પટેલ (ઓબીસી અને આદિવાસીમાં પણ પટેલ અટક હોય છે,મુસ્લિમોમાં પણ અને કચ્છમાં તો દલિતોમાં પણ ! ) તથા ૬ ઓબીસીના પ્રતિનિધિ સામેલ કરાયા છે.કુલ ૨૦ પ્રધાનોમાં રાજ્યના કુલ ૩૩માંથી માત્ર ૧૪ જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું. ૩ રાજપૂત, ૨ આદિવાસી,૧ દલિત અને ૧ બ્રાહ્મણ સહિતની સરકાર રાજ્યના ઠરેલ અનુભવી અને યુવાન એમ બેઉ પ્રકારના પ્રધાનોના સમાવેશથી કામ કરતી સરકાર તરીકે કામે વળશે. મજબૂત વિપક્ષના વિધાનસભા ગૃહમાં  અને બહાર પણ પડકારોને પહોંચી વળવા રાજ્ય સરકાર કટિબદ્ધ લાગે છે.પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને વધુ ૭ પ્રધાનોનો સમાવેશ કરી શકવા ઉપરાંત સંસદીય સચિવો તથા પક્ષના માળખામાં અમુક ધારાસભ્યોને જોતરીને માંડ દોઢ વર્ષ પછી આવનાર લોકસભાની ચૂંટણી માટે આક્રમક તૈયારી થશે.
૧૯૩૧ પછી ૨૦૧૧માં જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી
બ્રિટિશ ઇન્ડિયામાં વર્ષ ૧૯૩૧માં જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી થઇ, એ  પછીની દર દસ વર્ષે થતી ચૂંટણીઓમાંથી જ્ઞાતિનું ખાનું કાઢી નાખવામાં આવ્યું હતું, પણ ૨૦૧૧ની વસ્તીગણતરી  યોજવાના સમયે એ ખાનું ફરીને તાજું થયું.ખાસ કરીને અનામત પ્રથા જ્ઞાતિ આધારિત રાખવાની પરંપરાને લીધે રાજકીય અનુકૂળતાઓ મુજબ લંબાવવા અને વિસ્તારતા જવાની અનિવાર્યતા સર્જાઈ છે. વર્ષ ૨૦૧૧માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હાથ તો ધરાઈ, પણ એના આંકડાઓ પ્રકાશિત કરવામાં ફરીને મંડળ પંચ જેવા નવતર વિવાદ ઊઠે એ સંજોગોને ટાળવા માટે એના આંકડા જાહેર કરવાનું ટાળવાનું વર્તમાન કેન્દ્ર સરકાર થકી વિચારાયું.વર્ષ ૨૦૧૦માં કોંગ્રેસના વડપણ હેઠળની ડૉ.મનમોહન સિંહ સરકારે જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી ૨૦૧૧ યોજવાનો નિર્ણય કર્યો હતો. એ વેળા સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવ,રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ અને જનતા દળ (યુનાઇટેડ)ના નેતા શરદ યાદવ જ્ઞાતિઆધારિત વસ્તીગણતરીના ટેકામાં હતા.સરકારમાં પણ આ મુદ્દે બે ભાગ પડી ગયા હતા. કેન્દ્રના પ્રધાનો વીરપ્પા મોઈલી,વાયલાર રવિ, એસ.જયપાલ રેડ્ડી,એ.રાજા અને એમ.કે.અલાગીરી જ્ઞાતિઆધારિત વસ્તીગણતરીના પ્રખર સમર્થક હતા,જયારે પી.ચિદમ્બરમ, આનંદ શર્મા અને મુકુલ વાસનિક એના  વિરોધમાં હતા. ભાજપનાં નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના ટેકામાં હતાં. ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ(મહામંત્રી) ભૈયાજી જોશીએ પ્રગટપણે ચેતવણી આપી હતી કે  “જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી દેશના સામાજિક માળખાને  છિન્નભિન્ન કરી નાખશે.” આમછતાં એ વેળાના નાણા પ્રધાન પ્રણવ મુખરજીના વડપણવાળા પ્રધાનોના જૂથે એની તરફેણ કરી અને અમલ થયો.
બંધારણ બદલીને આર્થિક અનામત
ઉત્તર પ્રદેશમાં માયાવતી મુખ્ય મંત્રી હતાં ત્યારથી એમણે આર્થિક રીતે પછાત એવા તથાકથિત સવર્ણોને, બંધારણ સુધારો કરીને પણ, અનામતનો લાભ આપવાનો આગ્રહ કર્યો હતો, પણ વાતને ખાળે નંખાઈ હતી. ગુજરાતમાં પટેલો, ઉત્તરનાં રાજ્યોમાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા અને આંધ્ર પ્રદેશમાં કાપુ સમાજ જેવા તથાકથિત ઉજળિયાતોએ અનામતની માંગણી કરવાના ટેકામાં આંદોલનો આદર્યાં,ત્યારે રાજનેતાઓને માયાવતીની વાતમાં દમ લાગ્યો. જોકે ઘણું મોડું થઇ ગયું હતું.કેન્દ્રના સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ બંધારણ સુધારો કરીને ૨૫ ટકા જેટલી અનામત આર્થિક રીતે પછાત એવા ઉજળિયાતોને આપવાની સાથે અનામતનું કુલ પ્રમાણ ૭૫ ટકા કરવાની વાત કરવા માંડી.અનુસૂચિત જાતિ(એસ.સી.),અનુસૂચિત જનજાતિ(એસ.ટી.) અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત “વર્ગો”, “જાતિઓ”.અને “જ્ઞાતિઓ” (ઓબીસી વિશે સરકાર પોતેજ આ ત્રણ શબ્દોના ગોટાળા કરે છે ! ) માટે અનામતનું  પ્રમાણ ૫૦ ટકાથી વધે નહીં એની મર્યાદા સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સાહની ચૂકાદામાં ઠરાવી હતી. એ ચૂકાદાની સમીક્ષા કે ઓબીસીની સમીક્ષાને બદલે પછાત વર્ગો, જાતિઓ અને જ્ઞાતિઓને પોતાની ઓળખ માટે જગાડવાનું કામ સરકાર અને કોઈ અપવાદ વિના તમામ રાજકીય પક્ષો કરે છે. જ્ઞાતિ-જાતિ ભૂલવા માટે અટકો છોડવાનો એક સમયગાળો હતો,પણ હવે તો ફરીને તમે કઈ નાતના કે કઈ જાતના કે પછી હિંદુ કે મુસ્લિમ; એવા પ્રશ્નો અને ઓળખ સરકાર જ તાજી કરાવતી હોય ત્યાં ચૂંટણીમાં જ્ઞાતિવાદ કે જાતિવાદ લઈને સામેવાળા મેદાને પડ્યાની વાતો કોઈ કરે એ હાસ્યાસ્પદ જ લાગે.
ધારાગૃહોમાં અનામતનાબૂદી ઝુંબેશ
ગુજરાતમાં સંખ્યાબંધ સરકારી કર્મચારીઓ અનુસૂચિત જાતિનાં ખોટાં પ્રમાણપત્રો સાથે નોકરી કરી રહ્યા હોવા છતાં એમણે દૂર કરવાનું લગભગ અશક્ય બની ગયું હોવાનું રાજ્ય સરકારના સામાજિક ન્યાય વિભાગના નિવૃત્ત અધિક મુખ્ય સચિવ અને પછીથી સત્તાપક્ષના ધારાસભ્ય રહેલા રજનીકાંત પટેલે જણાવ્યું હતું.વાત આટલે અટકી હોત તો સારું.રાજ્યમાં આદિવાસી અનામતના ૧૫ ટકા જેટલા પ્રમાણમાં ભાગ પડાવવા માટે મોટા પ્રમાણમાં બિન-આદિવાસી કોમના લોકો આદિવાસી તરીકેનું પ્રમાણપત્ર મેળવીને નોકરી કરે છે. એસ.ટી. માટેની અનામત મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભાજપના પરાજિત ઉમેદવાર વિક્રમસિંહ  ડિંડોરે  તો ચૂંટાયેલા કોંગ્રેસના બળવાખોર અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ વેચાત ખાંટ આદિવાસી નહીં હોવાનું જણાવ્યું. એમના સગાભાઈ ગોવિંદ વેચાત ખાંટ તાલુકા પંચાયતમાં ઓબીસી અનામત બેઠકના ચૂંટાયેલા સભ્ય હોવાનું ડિંડોર દર્શાવે છે.અગાઉ પણ આદિવાસી બેઠક પરના કેટલાક ધારાસભ્ય વિશે  આવી વાત થઇ હતી. ભારતીય બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના પૌત્ર અને  પૂર્વ સાંસદ એડવોકેટ પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકર તો સંસદ અને  ધારાસભામાંથી એસ.સી. અને એસ.ટી. માટેની અનામત બેઠકો રદ કરવા માટેની ઝુંબેશ ચલાવી રહ્યા છે, પણ ભાજપ કે કોંગ્રેસ સહિતનો કોઈપણ પક્ષ એને ટેકો આપતો નથી. જ્ઞાતિવાદ અને જાતિવાદ તથા કોમવાદ દૂર કરવાને બદલે એને મજબૂત કરવાનું રાજકારણ ખેલવામાં બધા શૂરા છે.
નવી વિધાનસભાનું જ્ઞાતિ-સ્વરૂપ
વર્ષ ૨૦૧૨માં કુલ ૧૮૨ સભ્યોની વિધાનસભામાં ભાજપને  ૧૧૫ બેઠકો મળી હતી.આ વખતે ૯૯ જ મળી. લુણાવાડાના ચૂંટાયેલા કોંગ્રેસી બળવાખોર અપક્ષ ધારાસભ્યે ભાજપને ટેકો આપતાં ૧૦૦ બેઠકો થાય. કોંગ્રેસને ગઈ વખત ૬૧ બેઠકો મળી હતી.આ વખતે તેને ૭૭ મળી.તેના મોરચામાં  છોટુ વસાવાની ટ્રાયબલ પાર્ટીના ૨ અને અપક્ષ જીજ્ઞેશ મેવાણી એમ કુલ ૮૦ ઉપરાંત મોરવાહડફ બેઠક પર ચૂંટાયેલા  પક્ષના જ બળવાખોર સહિત સંખ્યાબળ ૮૧ થાય.રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ટેકો આપનાર એનસીપીના કાંધલ જાડેજા પણ ચૂંટાયા છે. નવી વિધાનસભામાં ગયા વખત કરતાં બે ઓછા પટેલ ચૂંટાયા છે.રાજ્યની ૧૨ ટકા વસ્તી એટલેકે ૭૯,૬૧,૦૬૮ વસ્તી ધરાવતા પાટીદાર સમાજના ૪૫(૧૯ કડવા + ૨૬ લેઉવા)ધારાસભ્યો ચૂંટાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડવા પટેલ છે.અનુસૂચિત જનજાતિની ૧૫ ટકા વસ્તી (૯૯,૫૨,૩૩૫)ના પ્રતિનિધિ તરીકે અનામત બેઠકો પર ૨૭ ધારાસભ્યો ચૂંટાયા છે. કુલ ૩૩ બેઠકો આદિવાસીબહુલ છે. અનુસૂચિત જાતિની વસ્તી ૭ ટકા એટલેકે ૪૩,૪૩,૯૫૬ છે અને એના માટે અનામત ૧૩ બેઠકો પર દલિત ધારાસભ્યો ચૂંટાયા છે. અનામત બેઠકોથી વધુ જે તે સમાજના કોઈ ધારાસભ્ય કોઈ બેઠક પરથી ચૂંટાયા નથી.અગાઉ આદિવાસી અનામત બેઠક ઉપરાંત ભીલોડાની જનરલ બેઠક પર કોંગ્રેસના ડૉ.અનીલ જોશિયારા ચૂંટાતા હતા, પણ હવે એ અનામત બેઠક હોવાથી ડૉ. જોશિયારા અહીંથી જ ચૂંટાયા છે.વ્યારાની આદિવાસી અનામત બેઠક પર ચૂંટાયેલા પુનાભાઈ ગામીત એકમાત્ર ખ્રિસ્તી ધારાસભ્ય છે. ગુજરાતમાં ૫ ટકા ( ૩૩,૩૧,૧૧૧) રાજપૂતની વસ્તી છે. ધારાસભામાં ૧૫ રાજપૂત ક્ષત્રિય ચૂંટાયા છે.રાજ્યમાં ૧.૫ ટકો (૯,૯૫,૧૩૩) બ્રાહ્મણ વસ્તી છે. વિધાનસભામાં ૮ બ્રાહ્મણ ચૂંટાયા છે.મુસ્લિમોની ૯ ટકા (૫૯,૭૦,૮૦૧) વસ્તી છે અને કોંગ્રેસના છ મુસ્લિમ ઉમેદવારમાંથી ૩ ચૂંટાયા છે.રાજ્યની ૪૦ ટકા (૨,૬૫,૩૬,૮૯૪) વસ્તી ઓબીસી એટલેકે બક્ષી પંચની ૧૪૭ જ્ઞાતિ/ ધાર્મિક સમૂહમાંથી ૬૨ ધારાસભ્યો ચૂંટાયા છે.એમાં ૧૬ ઠાકોર, ૩ આંજણા પટેલ-ચૌધરી, ૬ આહીર, ૫ કોળી, ૧૪  કોળી પટેલ અને બીજા ૧૮ જણા ચૂંટાયા છે. જૈન વાણિયા સહિતની બિન-મુસ્લિમ લઘુમતી વસ્તી ૩ ટકા (૧૯,૯૦,૨૬૭) છે.ગૃહમાં ૩ જૈન ધારાસભ્ય ચૂંટાયા છે.મુખ્ય મંત્રી વિજય રૂપાણી જૈન છે.લોહાણા, સિંધી,વૈષ્ણવ, મરાઠીભાષી કે ઉત્તર ભારતીય સહિતના અન્ય ૬ ધારાસભ્યો ગૃહમાં બેસશે. તમામ પ્રધાનો અને ધારાસભ્યો નાતજાતના ભેદ ભૂલીને પ્રજાના હિતનાં કામો કરે, એટલી અપેક્ષા જરૂર કરીએ.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                                                    
     (HD-Castes-26-12-2017)

No comments:

Post a Comment