Wednesday, 27 December 2017

Mahmud Ghazni and Sanskrit

डॉ.हरि देसाई का बड़ौदा के लोकसत्ता-जनसत्ता दैनिक में साप्ताहिक कालम "नो मेन्स लेन्ड" २७ दिसम्बर २०१७
સોમનાથને  ભાંગનારા મહમૂદ ગઝનીની રાજભાષા સંસ્કૃત
નો મૅન્સ લૅન્ડ : ડૉ.હરિ દેસાઈ
શ્રીકૃષ્ણના વંશજ ગજપતે સ્થાપેલા અત્યારના ગઝની કે ગીઝની કે પછી ગઝાનામાં રાજધાની ધરાવીને છેક પંજાબ અને પાકિસ્તાન લગી પોતાના સામ્રાજ્યને વિસ્તારનાર સુલતાન મહમૂદ ગઝનીએ અનેક દિશાઓમાં આક્રમણો કરીને લખલૂટ સંપત્તિ એકઠી કરી.સોમનાથના વિધ્વંશક તરીકે મહમૂદનું નામ ઘૃણા સાથે લેવાય છે. ઇતિહાસમાં જેની કીર્તિ ખલનાયક તરીકેની છે એ મહમૂદની રાજભાષા કે દરબારીભાષા  સંસ્કૃત હતી, એવું જયારે દિલ્હી યુનિવર્સિટીનાં ઇતિહાસકાર પ્રા.શાંતા પાંડે નોંધે, ત્યારે આશ્ચર્ય જરૂર થાય, પણ એ પુરાવા સાથે જ વાત કરે છે. પ્રા.પાંડે નોંધે છે : “મહમૂદ ગઝનવીના ચલણી સિક્કા પર સંસ્કૃત ભાષામાં જ ‘મહમૂદ સુરત્રાણ’નું અંકન મળે છે.સંસ્કૃત વ્યાકરણના જનક પાણિનિ ખુદ પખ્તૂન કે પઠાણ હતા અને અફઘાનિસ્તાનના શાલાતુર ગામના નિવાસી હતા.કાબુલમાં હિંદુઓની ખૂબ વસ્તી હતી.એમનાં પોતાનાં મંદિરો હતાં અને પૂજાવિધિની પૂર્ણ સ્વતંત્રતા હતી.ઇસ્લામના જન્મ પહેલાં તો કાબુલ અને આસપાસનો વિસ્તાર ભારતનું જ અંગ લેખાતો હતો.”
ભારત ભણી મહમૂદે ૧૬ વાર સવારી કરી અને ઈ.સ. ૧૦૨૬ની ૧૬મી અને છેલ્લી સવારીમાં એણે હિંદુઓનાં ભવ્ય આસ્થાસ્થાન એવાં બાર જ્યોતિર્લિંગમાંના સૌથી મહત્ત્વના એવા સોમનાથને લૂંટવા, તોડવા અને ભારે કત્લેઆમ ચલાવવાનું દુષ્કૃત્ય કર્યું. પોતાના પાંચ હજાર વર્ષના ભવ્ય ભૂતકાળની દુહાઈ દેતા રહેલા હિંદુઓ આપસી યુદ્ધો અને કલહમાં કપાઈ મર્યા એટલે જ ક્યારેક સોનાની ચિડિયા ગણાતા ભારતવર્ષમાં સદીઓ સુધી ગુલામી ઘર કરી ગઈ.

પાટણ ઊઘાડું મૂકી રાજા ભાગી ગયો

ગઝનીએ ચડાઈ કરી ત્યારે પણ વરવી સ્થિતિ એવી હતી કે એનો મુકાબલો કરવાની સ્થિતિમાં ગણાતો ગુજરાતનો રાજા ભીમદેવ પહેલો રાજધાની અણહિલવાડ પાટણ છોડી ગયો હતો. પોતાની પ્રજાને એ ગઝનીના  હિંદુ સેનાપતિ ટિળક હેઠળની  ક્રૂર સેનાના આતંકનો ભોગ બનવા રેઢી મૂકી ગયો હતો. આવા કાયર રાજપૂત રાજવી છતાં એની પ્રજામાંના જ  ૨૦ હજાર શૂરવીર રાજપૂતોએ મોઢેરા ખાતે પોતાનાં બલિદાન આપીને પણ સુલતાન મહમૂદની સેનાને સોમનાથ ભણી આગળ વધતી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
વાતો કાલ્પનિક નથી. ઈતિહાસે નોંધાયેલી છે. ગઝની ચડાઈ કરે એ પહેલાં પોતાના જાસૂસોને પાઠવીને સઘળી માહિતી મેળવીને દુશ્મનની નબળાઈઓ પારખીને આક્રમણ કરતો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટે ૧૯૬૫માં પ્રકાશિત કરેલા અને  શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ(નિવૃત્ત આઇએએસ)એ લખેલા  પ્રભાસ અને સોમનાથ નામક ગ્રંથમાં મહમૂદની સોમનાથ ઉપર સવારીના ઘટનાક્રમ અને મહમૂદના હિંદુ સરસેનાપતિ ટિળક તથા એની સેનામાંના જાટ હિંદુ સૈનિકોની હયાતી વિશે સવિસ્તર વર્ણન છે. તત્કાલીન મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાએ આ ગ્રંથના આવકારમાં ઈતિહાસકાર દેશાઈની તથ્યોને ઉજાગર કરવાની અને નીરક્ષીર કરવાની દૃષ્ટિ તથા ફારસી ભાષાના એમના જ્ઞાનને કારણે મૂળ દસ્તાવેજોના અધ્યયનમાં નિપુણતાને બિરદાવી છે.
શંભુપ્રસાદ નિવૃત્ત આઈએએસ અધિકારી હતા એટલું જ નહીં, સામાન્ય રીતે રાજવીઓના દરબારમાં વહીવટ સંભાળવામાં નિપુણ લેખાતા જૂનાગઢના નાગર પરિવારના હતા. ઈતિહાસકાર દેશાઈ નોંધે છે : “અણહિલવાડ પાટણમાં આ સમયે પહેલો ભીમદેવ રાજ્ય કરતો હતો. માલવપતિ મુંજ અને ભોજ પરમાર, ચેદીરામ કર્ણ અને સિંધના રાજાઓ સામે યુદ્ધે ચડેલો આ વીર રાજા તેના પાદરે પડેલી (ગઝનીની) વિરાટ સેના જોઈ નાહિમ્મત થઈ ગયો. વિચારવાનો સમય હતો નહીં. મુસ્લિમો સામે અફળાઈને સર્વવિનાશ વહેરી લેવો અથવા શરણે થવું તે બે વિકલ્પો હતા. જીવતો નર ભદ્રા પામેએ ન્યાય વિચારી પાટણને ઊઘાડું મૂકી ગુપ્ત માર્ગે તેણે પોતાનું પાટનગર પરદેશી સૈન્યની દયા ઉપર છોડી પલાયન થઈ જવાનું યોગ્ય ધાર્યું.” મહમૂદનો માર્ગ મોકળો હતો. તેણે પાટણમાં પ્રવેશ કરી લૂંટફાટ કરી અને મંદિરો ભ્રષ્ટ કર્યાં. અણહિલવાડ પાટણથી પ્રભાસ પાટણ સુધી એનો માર્ગ રોકે તેવો કોઈ બીજો રાજા હતો નહીં. “મહમૂદે (પ્રભાસમાં) તેનાં સૈન્યોનો પડાવ નગર બહાર સરિતાના તીરે કર્યો અને આસપાસના પ્રદેશ જોવામાં કેટલોક સમય ગાળ્યો. મહમૂદે કદી સમુદ્ર જોયો ન હતો. તેણે ઊછળતા ઉદધિના તીરે ઊભેલા સ્થાપત્યના અપ્રતિમ પ્રતિક જેવા પવિત્ર દેવાલયનાં પગથિયાં, ઘૂઘવતાં જળથી ધોવાતાં જોયાં. તેનું હૃદય તેની રમણીયતા, પવિત્રતા કે રમ્યતા જોઈ રાચ્યું નહીં, પણ તેનો નાશ કરી તેનું દ્રવ્ય લૂંટી લઈ જવા માટેના વિચારે ધબકવા લાગ્યું.”

દોઢ લાખની સેનામાંથી માંડ બે હજાર પાછા ફર્યા

એની સાથે વિશાળ સેના હતી. ૩૦ હજાર ઘોડેસવારો હતા. ઉપરાંત લગભગ ૫૪ હજાર જેટલા અનિયમિત પાળા સ્વયંસેવકો હતા. એમને વચન આપેલું હતું કે સોમનાથની લૂંટમાંથી સરાહના કાનૂનો મુજબ તેમને ભાગ આપવામાં આવશે. લોભને વશ થઈ તેઓ ધન કમાવા આવેલા ગાઝીઓ બન્યા હતા. ૩૦ હજાર ઊંટ સૈનિકોનાં અંગત સાધનો અને યુદ્ધસામગ્રી વહન કરવા માટે હતાં. મહમૂદની અંગત સામગ્રી માટે બીજાં ૨૦ હજાર ઊંટ અને એક-એક ઊંટવાહક હતો. હજારો ભિસ્તીઓ, રસોઈયા, મુલ્લાં, ચાકરો, લેખકો, કવિઓ સહિતના દસ હજારનો રસાલો હતો. આ બધાનો હિસાબ કરીને શંભુપ્રસાદે એની સેનામાં કુલ ૩૦ હજાર ઘોડા, ૫૦ હજાર ઊંટ અને એક લાખ પાંચ હજાર (ઉપરાંત) માણસો હોવાનો હિસાબ મૂક્યો છે. ૧૮ દિવસ પ્રભાસમાં રોકાણ દરમિયાન લૂંટફાટ અને આતંક મચાવીને મહમૂદે લખલૂટ સામગ્રી સાથે ૨૪ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ગીઝની તરફ કૂચ કરી. એ ગીઝની પહોંચ્યો (૨ એપ્રિલ ૧૦૨૬) ત્યારે  “૧ લાખ ૫૦ હજાર માણસોમાંથી માત્ર ૨૦૦૦ માણસ જ તેની સાથે પાછા આવ્યા. ગાઝીનું બિરુદ પ્રાપ્ત કરવા અને ધન કમાવવા ગયેલા સ્વયંસેવકો શહીદ થઈ ગયા. ગીઝની નિર્જન દેખાવા માંડ્યું... ગીઝનીમાં ભારતમાંથી પકડી લાવેલા ગુલામો સિવાય પ્રજાજનો દેખાતાં નહીં. એમનું બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું.” મહમૂદ ગઝનીએ ભારત સવારીના ૧૬મા ફેરામાં સોમનાથને લૂંટ્યું, અપવિત્ર કર્યું, ખંડિત કર્યું અને રાજધાની પાછા ફરતાં સુધીમાં અનેક સાથીઓ ગુમાવ્યા, પણ લખલૂટ સંપત્તિ પ્રાપ્ત કરી.

હિંદુ પિતા સબકતગીનનું સંતાન મહમૂદ

દુનિયાભરના હિંદુઓ માટે ઘૃણા ધરાવતો મહમૂદ ગઝની પોતે હિંદુ ગુલામ સબક્તગીન(શાક્તસિંહ)નો પાટવી કુંવર હતો. સબકતગીને દગાથી કાબુલના રાજા જયપાલને હરાવ્યો હતો. તેણે સંયોગવશાત્ ઈસ્લામ કબૂલ્યો હતો. પોતાની વીરતા અને કુશળતાથી એ ગઝનીના અમીરના હોદ્દા સુધી પહોંચ્યો હતો. તે સમયે અમીરો ઠાકોરો જેવા નાના નાના રાજાઓ હતા. તેઓ ખલિફ કે ખલિફાનું સાર્વભૌમત્વ સ્વીકારતા. ગઝની, કાબુલ, ખુરાસાન, તુર્કસ્તાન વગેરે દેશોમાં બૌદ્ધ કે હિંદુઓની પ્રજા મોટા પ્રમાણમાં વસતી હતી. સમયાંતરે આ પ્રદેશો ઈસ્લામના પ્રભાવ તળે આવતા ગયા, પણ હજુ ૧૩મી સદી સુધી કાબુલ પર હિંદુ રાજાઓ રાજ કરતા હતા અને ગઝનીના શાસક સબકતગીન  જ નહીં, એના પુત્ર મહમૂદ ગઝનીએ પણ કાબુલના હિંદુ રાજાઓ સાથે જંગ ખેલ્યા હતા. એણે પોતાનું સામ્રાજ્ય છેક પંજાબ-સિંધ લગી વિસ્તાર્યું હતું. ૨ ઓક્ટોબર ૯૭૧ના રોજ જન્મેલા મહમૂદ ગઝનીએ ૩૦ એપ્રિલ ૧૦૩૦ના રોજ ભયાનક વ્યાધિનો ભોગ બનીને  મોતને વહાલું કરવાનો વખત આવ્યો હતો. ઈતિહાસકાર દેશાઈ નોંધે છે : “પોતાના દ્રવ્યલોભને કારણે કરેલાં રાક્ષસી કૃત્યોનાં દૃશ્ય મહમૂદની આંખો સામે ફરતાં હતાં.”  એના મૃત્યુ પછી એના સામ્રાજ્યનો વારસ એના સાત પુત્રો અને ત્રણ પુત્રીઓમાંથી સૌથી મોટો પુત્ર મસૂદ બન્યો, પણ એના પૌત્રના સમયમાં ઈ.સ. ૧૧૩૦માં ઘોરના અમીર અલ્લાઉદ્દીને ગઝની પર ચડાઈ કરીને રક્તપિપાસુ અને દ્રવ્યલોભીરાજવી મહમૂદના વંશના શાસનનો અંત આણ્યો હતો.

શ્રીકૃષ્ણના વંશજ અસપતે ઈસ્લામ કબૂલ્યો

ઈસ્લામનો પ્રાદુર્ભાવ ઈ.સ. ૬૧૦માં થયો અને તે સમયમાં શોણિતપુર (મિસર-ઈજિપ્ત-બેબિલોન)માં શ્રીકૃષ્ણના ૮૨મી પેઢીએ વંશજ એવા રાજા દેવેન્દ્ર કે દેવ યાદવનું શાસન હતું. ઈસ્લામ સામેના જંગમાં એ હાર્યા. રાજા દેવેન્દ્રના ચાર પુત્રો અસપત (અશ્વપતિ), નરપત (નરપતિ), ગજપત (ગજપતિ) અને ભૂપત (ભૂપતિ)માંથી મિસરની ગાદીએ અસપત, ઈસ્લામ કબૂલીને ખલિફાની શાહજાદી સાથે નિકાહ કરીને, આરૂઢ થયાની ઈતિહાસમાં નોંધ છે.શંભુપ્રસાદ નોંધે છે : “ઈ.સ. ૯૫૫માં  ગીઝનીમાં અનુપ નામે હિંદુ રાજા રાજ્ય કરતો હતો. અલપ્તગીન(અલિપ્તસિંહ ) નામના ગુલામે તુખારીસ્તાનના હાકેમનું પદ પ્રાપ્ત કર્યું અને ઈ.સ. ૯૬૧માં અનુપ પર ચડાઈ કરી તેણે ગીઝની અને બલુચિસ્તાનનો પ્રદેશ જીતી લીધો...ઈ.સ. ૯૭૭માં એપ્રિલની દશમી તારીખે અને શુક્રવારે તેણે (સબક્તગીને) પોતાને ગીઝનીનો અમીર જાહેર કર્યો.” સબક્તગીનની પુત્રી સાથે અલપ્તગીને લગ્ન કર્યાં અને એ ગીઝનીનો અમીર બન્યો હતો. અસપતના બીજા ત્રણ ભાઈ સિરિયા, ઈરાક, ઈરાન વગેરે પ્રદેશોમાં રાજ્યો સ્થાપતાં અને ગુમાવતાં અંતે કાબુલ અને ખુરાસાનમાં આવ્યા. ગજપતે અહીં સંવત ૭૦૮ (ઈ.સ. ૬૫૨)ના વૈશાખ સુદ ૩ શનિવારે રોહિણી નક્ષત્રમાં ગઝની-ગઝના-ગીઝની વસાવ્યું. સમયાંતરે એમના વંશજો સિંધ-ગુજરાત ભણી સ્થળાંતરિત થતા ગયા. ગુજરાત અને રાજસ્થાન તથા સિંધના  જાડેજા, ચુડાસમા અને ભાટી રાજવીઓ એમના વંશજો ગણાય છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                                                               (HD-Ghazni-Sanskrit21-12-2017)

Narendra Modi,the Saviour, Gandhigiri of Rahul Gandhi Successful

નરેન્દ્ર મોદી તારણહાર, રાહુલની ગાંધીગીરી યશસ્વી
 અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ 
·         શંકરસિંહ વાઘેલાએ  વિપક્ષને રમણભમણ કર્યાનો ભાજપને લાભ તો થયો, પણ બેઠકો ૧૧૫ની ૯૯ જ
·         આંદોલનત્રિપુટીના ટેકે કોંગ્રેસ રાખમાંથી બેઠી થઈ ૬૧થી ૭૭ના આંકડે પહોંચી ૨૦૧૯ માટેનો પડકાર
·         સુમનબહેન ચૌહાણ, ગીતાબા જાડેજા, માલતી મહેશ્વરી,જયેશ રાદડિયામાં ઝગારા મારતો ભાજપનો વંશવાદ
·         ઈવીએમ સામે તો ભાજપ થકી જ ફરિયાદો થઇ હતી અને હવે હારનાર કોંગ્રેસ જ કાગારોળ મચાવી રહી છે  

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીનાં પરિણામો અપેક્ષા મુજબ જ આવ્યાં :  કોંગ્રેસના મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના ૧૯૮૫ના કુલ ૧૮૨માંથી ૧૪૯ બેઠકોના વિક્રમને તોડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૧૫૦ પ્લસનો લક્ષ્યાંક ઠરાવ્યો હતો, પણ વિજયનો આંકડો ૯૯ એ આવીને અટક્યો. જો જીતા વો હી સિકંદર. સતત છઠ્ઠીવાર ભાજપની સરકાર ગુજરાતમાં રચાવાનો હાશકારો શ્રી કમલમ્લઈ શકે. સામે પક્ષે બબ્બે દાયકાથી કોંગ્રેસમાં વિવિધ સત્તા-હોદ્દા ભોગવતા રહેલા શંકરસિંહ વાઘેલાએ છેલ્લે વિધાનસભામાં વિપક્ષના નેતાપદે રહીને કોંગ્રેસનું રમણભમણ કરવાનો ખેલ પાડ્યો. આમ છતાં કોંગ્રેસના યુવા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રભારી અશોક ગેહલોતે બાજી સંભાળીને માધવસિંહ-પુત્ર ભરતસિંહ સોલંકીના વડપણ હેઠળની ગુજરાત કોંગ્રેસને બબ્બે દાયકાના સત્તા-વનવાસ પછી પણ નવસર્જન ભણી આગળ વધારીને ૭૭ના આંકડે પહોંચાડી. ભાજપના વિજયનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર અને પક્ષ જ નહીં, પક્ષની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સંસ્થાઓના અંતરિયાળ ગુજરાત અને ખાસ કરીને આદિવાસી પટ્ટાના કામને આપવું પડે.લુણાવાડાના કોંગ્રેસના બળવાખોર એવા અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડે ભાજપને ટેકો જાહેર કર્યો અને મોરવાહડફ(અનુસૂચિત જનજાતિ અનામત)ના કોંગ્રેસી બળવાખોર અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ વેચાત ખાંટ પોતાની બેઠક બચાવવા ભાજપના શરણમાં જાય એ સ્વાભાવિક છે, કારણ અહીંના ભાજપના હારેલા ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોર થકી ભૂપેન્દ્રસિંહના સગાભાઈ  ગોવિંદ વેચાત ડિંડોર તાલુકા પંચાયતમાં ઓબીસી અનામત બેઠક પર સભ્ય હોવાનો મુદ્દો આગળ કર્યો છે. ભાજપ માંડ ૧૦૧ના આંક સુધી પહોંચે છે.
આંદોલનત્રિપુટીનો કોંગ્રેસને ફાયદો
કોંગ્રેસનું નેતૃત્વ રાહુલે સંભાળ્યું. એણે પપ્પૂની છબિમાંથી બહાર આવીને મોદી સાથે સતત સરખામણી થવાના સંજોગો સર્જ્યાં. કોંગ્રેસનું રાજ્ય સ્તરનું માળખું પક્ષના ગદ્દારો થકી છિન્નભિન્ન હતું, છતાં આંદોલનત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સાથેના વ્યૂહાત્મક જોડાણ અને ગેહલોત તથા પક્ષના ક્ષેત્રીય નેતાઓ સાથે સીધા સંવાદ અને વિશ્વાસના પ્રતાપે હતાશ કોંગ્રેસમાં પ્રાણ પૂર્યાં. સામે આખું ગામ અને કોંગ્રેસ તરફથી એકલવીર રાહુલ જેવા સંજોગોમાં સ્વસ્થતા ગુમાવ્યા વિના, પ્રચારના સ્તરને નીચલી કક્ષાએ જવા દીધા વિના, અગાઉની ચૂંટણીઓમાં પક્ષનેતાઓએ કરેલી ભૂલોના પુનરાવર્તન વિના રાહુલ ગાંધીએ સુકાન સંભાળ્યું. પક્ષનેતા મણિશંકર ઐયરની વડા પ્રધાન મોદી માટેની નીચજેવી ટિપ્પણીએ ભાજપ અને ખાસ કરીને મોદીને ભાવનાત્મક મુદ્દો બક્ષ્યો. ગુજરાતની અસ્મિતાના ભાવનાત્મક મુદ્દાને ખૂબ ચગાવાયો. રાહુલે વડા પ્રધાન મોદી માટે પક્ષના કોઈ નેતા-કાર્યકર હીન શબ્દો નહીં વાપરે એવી સ્પષ્ટ સૂચના આપ્યા છતાં ઐયર થકી  જાણી જોઈને કે અજાણતાં રાહુલ માટે દ્વિધા સર્જાઈ. મણિશંકરને પક્ષમાંથી તગેડવામાં આવ્યા છતાં નુકસાનને ખાળી ના જ શકાયું. રાહુલના અઢી મહિનાના ગુજરાતપ્રવાસે ભાજપની ભીંસ જરૂર વધારી. વડા પ્રધાન મોદીના ખભા પર જીતની જવાબદારી હતી. પૂરી કેન્દ્રીય કેબિનેટ ઉતારી દેવાઈ. ગુજરાતને યેનકેન પ્રકારણે જાળવવામાં ભાજપને સફળતા મળી તો ખરી, પણ કોંગ્રેસના ઉપાધ્યક્ષમાંથી અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીની ગાંધીગીરી યશસ્વી લેખાઈ. હવે ૨૦૧૯ની લોકસભાનો પડકાર ઝીલવાનો છે.
વિધાનસભા ચૂંટણીના બોધપાઠ
યુદ્ધ અને પ્રેમમાં બધું જ વાજબી લેખાવાય છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કથની અને કરનીમાં અંતર ઊડીને આંખે વળગે તેવાં રહ્યાં. ૧૯૯૫ પછી ગુજરાતમાં પહેલીવાર કોંગ્રેસ ચૂંટણી લડતી હોય તેવું લાગ્યું. કેન્દ્રમાં દસ વર્ષ રાજ કર્યા પછી કોંગ્રેસે સત્તા ગુમાવી એટલું જ નહીં, એની લોકસભાની સભ્યસંખ્યા સાવ જ તળિયે એટલે કે ૪૪ના આંકડે (૫૪૩+૨માંથી) પહોંચ્યાના પ્રતિકૂળ સમયે તથા વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના પરાજ્યના સંજોગો પછી વડા પ્રધાન મોદી જેવા ભાજપના સુપરસ્ટારની ઝીંક રાહુલ ગાંધી જેવા અત્યાર લગી બહુ ગંભીર નહીં લેખાવાતા યુવા નેતાએ ઝીલવાની હતી. નબળી ગાયને બગઈઓ ઝાઝીએ ઉક્તિના ન્યાયે નબળી પડેલી કોંગ્રેસના ગુજરાતના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ ગ્રહણ ટાણે જ સાપ કાઢવાનો  કારસો રચ્યો. રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહના ધારાસભ્ય-પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના ૧૪-૧૫ કોંગ્રેસી ધારાસભ્યોનું હૃદય પરિવર્તનથઈ ગયું અને તેઓએ ભાજપ સાથે ઘર માંડ્યું, છતાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ જીત્યા અને મહેન્દ્રસિંહના અબજોપતિ-વેવાઈ બળવંતસિંહ રાજપૂત હાર્યા. શંકરસિંહના કોંગ્રેસવિરોધી અટકચાળા ચાલુ રહેતાં એ કોંગ્રેસથી ફારેગ થઈને જનવિકલ્પ મોરચે ભાજપને ટેકો કરવા લાગ્યા, પણ ના ઘરના રહ્યા કે ના ઘાટના. સગ્ગા પુત્ર મહેન્દ્રસિંહનું ભાવિ રોળવા માટે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાઘેલા જ જવાબદાર ઠર્યાં. છેલ્લે છેલ્લે ભાજપ થકી મહેન્દ્રસિંહને એમના મતવિસ્તાર બાયડથી લડવાની ઓફર કરાઈ, પણ આ મતવિસ્તારમાં ઠાકોર મતના પ્રભુત્ત્વને કારણે મહેન્દ્રસિંહે લડવાનું માંડી વાળ્યું. બાયડમાં જીત પણ કોંગ્રેસના ધવલ સિંહ ઝાલાની જ થઈ.
મહારથી હાર્યા, મુસ્લિમો જીત્યા
વિધાનસભાની આ ચૂંટણીમાં બંને પક્ષના ઘણા મહારથીઓ હાર્યા. વળી જય-પરાજય વચ્ચેનું અંતર પણ ખૂબ ઓછું રહ્યું એટલે કે હારના મારજીન ખૂબ ઓછા રહ્યા. વર્તમાન ભાજપી સરકારના છ પ્રધાનો આત્મારામ પરમાર, શંકરભાઈ ચૌધરી, ચીમનભાઈ સાપરિયા, જશા બારડ, કેશાજી ચૌહાણ અને શબ્દશરણ તડવી હાર્યાં. સિદ્ધપુરથી જયનારાયણ વ્યાસનો પરાજય આંચકારૂપ હતો. કોંગ્રેસના મહારથી લેખાતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી હાર્યા, પણ ૨૭ આદિવાસી અનામત બેઠકોમાંથી કોંગ્રેસ અને મિત્રપક્ષે ૧૪ બેઠકો જાળવી છે. ઉત્તર ગુજરાતની ત્રણેય બેઠકો પર વર્તમાન આદિવાસી ધારાસભ્ય ફરી જીત્યા :  અશ્વિન કોટવાળ, કાંતિભાઈ ખરાડી અને ડો. અનિલ જોશિયારા. કોંગ્રેસે જે છ મુસ્લિમ ઉમેદવાર લડાવ્યા તેમાંથી ત્રણ જીત્યા:  ઈમરાન ખેડાવાલા (જમાલપુર-ખાડિયા), ગ્યાસુદીન શેખ (દરિયાપુર) અને મહમદ જાવીદ પીરજાદા (વાંકાનેર).  ૧૨ મહિલા જીતી :  સુમનબહેન ચૌહાણ, ગીતાબા જાડેજા, વિભાવરી દવે, ઝંખના પટેલ, સંગીતા પાટીલ, મનીષા વકીલ, સીમાબહેન મોહિલે, માલતી મહેશ્વરી,ડો. નીમાબહેન આચાર્ય(તમામ ભાજપ), ચંદ્રિકા બારિયા, ડો. આશા પટેલ, અને ગેનીબહેન ઠાકોર (તમામ કોંગ્રેસ).
વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા ઈડર (અનુસૂચિત અનામત) બેઠક પર પાટીદાર આંદોલનના પ્રભાવથી ગભરાઈને દસાડા (અનુસૂચિત અનામત) પર લડવા ગયા, પણ એ ત્યાં કોંગ્રેસના નૌશાદ સોલંકી સામે હાર્યાં. એનાથી વિપરીત અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વતન કડી (અનુસૂચિત અનામત) પર હારેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયા રમણભાઈની મૂળ બેઠક ઈડર પર ભાજપની ટિકિટ પર જીત્યા! નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અગાઉ ૨૦૧૨માં ૨૪ હજાર કરતાં વધુ મતે મહેસાણા બેઠક જીત્યા હતા. આ વખતે એ માત્ર ૭ હજાર મતની સરસાઈથી જીત્યા. અહીં પાટીદાર આંદોલનનો પ્રભાવ જોવા મળે છે. ઊંઝામાં ભાજપના મહારથી નારણ લલ્લુ પટેલ હાર્યા. ઉત્તર ગુજરાત વડા પ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ તથા નીતિનભાઈનું વતન હોવાથી ભાવનાત્મક અપીલો છતાં અહીંની બેઠકો પર પાટીદાર અને ઠાકોર આંદોલનની અસર વર્તાઈ. ગઈ વખતની જેમ જ આ વખતે પણ ઉત્તર ગુજરાતમાં બહુમતી બેઠકો કોંગ્રેસ જ જીતી શકી છે. પાટીદાર આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળી અને કોંગ્રેસના ટેકામાં એ અનુભવાઈ, પણ સુરત-અમદાવાદ સહિતનાં શહેરોમાં પાટીદાર આંદોલનનો પ્રભાવ જોવા ના મળ્યો. એના પ્રતાપે અમદાવાદની ૨૧માંથી ૧૬, સુરતની ૧૬માંથી ૧૫, વડોદરાની ૧૦માંથી ૯ અને રાજકોટની ૮માંથી ૬ બેઠકો ભાજપને મળી. આદિવાસી પટ્ટામાં ભાજપની માતૃસંસ્થાનું કામ એને લાભ અપાવનારું રહ્યું. દલિત બેઠકો બંને પક્ષો વચ્ચે વહેંચાઈ. 
કોંગ્રેસના આયાતી ભાજપી ઉમેદવાર હાર્યા
કોંગ્રેસના જે ધારાસભ્યોનું છેલ્લી ઘડીએ હૃદય પરિવર્તન થયું અને ભાજપમાં જોડાયા એમાંથી ચૂંટણી લડનારામાંથી  ગોધરામાં સી. કે. રાઉલજી (અને એ પણ માત્ર ૨૫૮ મતથી) અને જામનગર ઉત્તરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) જીત્યા, બાકીના હાર્યા. માણસાની બેઠક પર અમિત ચૌધરી (૫૨૪ મતથી) હાર્યા, વીરમગામમાં ડો. તેજશ્રી પટેલ હર્યાં. અમૂલ ડેરીના અણનમ ચેરમેન અને ઠાસરાના સતત ચૂંટાતા કોંગ્રેસી ધારાસભ્ય રામસિંહ પરમાર, ડેરીનું ચેરમેનપદ બચાવવા માટે, ભાજપનો ખેસ વહોર્યા પછી પણ હારી ગયા, એ આંચકારૂપ ગણાય. મહેસૂલ-શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ માંડ ૩૨૭ મતથી જીત્યા. આનંદીબહેનની બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ એક લાખ કરતાં વધુ મતની સરસાઈથી જીત્યા. ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને દલિત આંદોલનના અગ્રણી જિજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે અનુસૂચિત અનામત વડગામ બેઠક જીત્યા. એમ તો અમરેલીથી પટેલ યુવાન પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા એટલું જ નહીં જિલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસ જીતી. વડા પ્રધાન મોદીએ ધારીમાં દિલીપ સંઘાણીને વિજયી બનાવવા જાહેરસભા યોજી હોવા છતાં એ પણ હાર્યાં. અમરેલી જિલ્લો કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો છે. અહીં પાટીદાર આંદોલન પ્રભાવી રહ્યું.
જાતિવાદ-વંશવાદ પોકળ દાવા
સત્તારૂઢ ભાજપના નેતાઓ તરફથી જાતિવાદ-વંશવાદને ફગાવાયાની વાતો જોરશોરથી કહેવામાં આવી, પણ ભાજપ થકી પણ જ્ઞાતિવાદી સમીકરણોનો વિચાર કરીને જ ઉમેદવારોને ટિકિટો અપાઈ હતી. સાથે જ વંશવાદનો મુદ્દો પણ ભાજપમાં સગાવહાલાઓને જ ટિકિટોની લહાણી કરાવતાં નિરર્થક બની ગયો છે. એમના દાવાથી વિપરીત આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટો આપવામાં સગાવાદ કે વંશવાદનો પ્રભાવ ઓછો જણાયો. ભાજપમાં તો સાંસદના પુત્ર-પુત્રવધૂ કે કોઈની ભત્રીજીને ટિકિટ આપવાનું પ્રમાણ ઊડીને આંખે વળગે તેવું રહ્યું. જોકે, અંસતોષ સર્જાય નહીં એટલા માટે ભાજપ દ્વારા મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવાની વિવશતા વધુ વર્તાઈ હતી. જીતી શકે એવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસના આયાતી ઉમેદવાર કે પૂર્વ ધારાસભ્યના પરિવારજનોને પણ ઉમેદવારી આપવી પડી. હવે પછીની લોકસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિતની સજ્જ કોંગ્રેસનનો મુકાબલો કરવાનો રહેશે. ભાજપને ૪૯.૧ ટકા મત મળ્યા તો સામે કોંગ્રેસને પણ ૪૧.૧ ટકા મત મળ્યા. ગઈ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપને ૪૭.૮૫ ટકા અને કોંગ્રેસને ૩૮.૯૩ ટકા મત મળ્યા હતા. ભાજપની બેઠકો સતત ઘટતી ગઈ છે. વર્ષ ૨૦૦૨માં ૧૨૭, ૨૦૦૭માં ૧૧૭, ૨૦૧૨માં ૧૧૫ અને ૨૦૧૭માં ૯૯.
ઈવીએમ સામે ફરિયાદો
ફરી એકવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સામે ફરિયાદો ઊઠાવવાનું મતદાનથી લઈને મતગણતરીના ગાળામાં ઘણું બન્યું. એ બાબત ઉત્તર પ્રદેશમાં મહાપાલિકા અને પાલિકાની ચૂંટણીઓનાં તાજાં પરિણામોને લીધે કોંગ્રેસ તથા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ થકી કાગારોળ મચાવાઈ. ઉત્તર પ્રદેશમાં ઈવીએમ વપરાયાં ત્યાં ભાજપનો વિજય થયો અને બેલેટ પેપર વપરાયાં ત્યાં ભાજપના ઉમેદવારોની ડિપોઝિટો પણ ગઈ. પરંતુ આવી ફરિયાદોને ચૂંટણીપંચે નકારી. આશ્ચર્ય એ વાતનું છે કે ૨૦૦૯માં કોંગ્રેસ થકી ઈવીએમથી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરાયા બાદ ભાજપ થકી એની વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઈ હતી !


ઈ-મેઈલ : haridesai@gmail.com

Thursday, 21 December 2017

Atal Bihari Vajpayee, a Poet and a Statesman

Atal Bihari Vajpayee, a Poet and a Statesman
·         Not my nature to behave rudely with my political opponents : Atal ji
·         After Gandhi, Nehru and Sardar, the most respected Indian politician
Dr. Hari Desai’s Weekly Column “Back to Roots” in Asian Voice, the Newsweekly of ABPL Group, London 23 December 2017  Web Link : http://bit.ly/2kJTZIj  Blog : haridesai.blogspot.com
·         Vajpayee has been liberal in expressing opinion about the Congress Prime Ministers unlike his party and RSS leaders. He finds Pandit Nehru “by nature a democrat, but somewhat headstrong. His capacity to take the House with him was unparalleled.” Atal ji finds Shastri proving “a worthy successor to Pandit Nehru”.
·         While comparing Indira with Morarji Desai as the PM, Atal ji records: “She believed in talking little. After listening to all, she formed her opinion and expressed it at the end if at all. Morarji Desai’s personality was just the opposite. He expressed himself even before listening to others.”
·         In the initial days the comment about Smt. Gandhi calling her “a dumb doll” was unfair to her, says Vajpayee. While Vajpayee denies comparing Smt. Gandhi with “Durga” in the Parliament, he does put on record: “I was also one of those who praised Indiraji highly for her successful leadership in the Bangladesh crisis” and “Shri Jagjivan Ram’s substantial contribution”. 

·         Atal Bihari, is pained to note: “In Parliament there is less discussion but more noise. Election have been reduced to a farce because of the use of money power on an expensive scale…The parties are forming the Governments on the strength of 30-35 per cent of votes….The society already divided by the considerations of caste, sub-caste, modes of worship, languages and different life styles is getting gradually disintegrated. Communalism is at its worst….In their lust for power the political parties do not refrain from giving encouragement to secessionist forces, so much so that they do not even desist from hobnobbing with anti-national elements.”

Vajpayee is known for respecting the political opponents

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી
ડો. હરિ દેસાઈ

·         સ્વજનોએ જ ધોતી બિકી આઠ કરોડ મેંના નારા લગાવી  પિતાતુલ્ય વ્યક્તિત્વને વ્યથા પહોંચાડી હતી
·         અટલજી ઉવાચ  : પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ
·         હાર-જીતને સમભાવથી લેનારા વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે નિહાળતા
·         કવિ કૈદીરાય કહેતા હતા કે જિનમેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે

વિપક્ષીનેતામાંથી વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીનું નામ આજેય ખૂબ આદરથી  લેવાય છે. ૨૫ ડિસેમ્બર એમનો જન્મદિવસ. જન્મનું ચલણી વર્ષ છે ૧૯૨૪. જોકે, શાળામાં એમની જન્મતારીખ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ નોંધાયેલી છે. છેક ૧૯૫૭થી લઈને આજ લગી રાજકારણમાં જ નહીં, સમાજકારણ અને સાહિત્ય સર્જનકારણમાં પણ અટલજી કે કવિ કૈદીરાયનું નામ પોતાનો આગવો પ્રભાવ પાડનારું રહ્યું છે. આજે એ લોકજનરથી ઓઝલ થવા જેવી નાજુક આરોગ્યથી સ્થિતિમાં હોવા છતાં સત્તા પક્ષ કે વિપક્ષ, દેશની પ્રજામાં કે વિદેશના લોકોમાં ભાવ સાથે, આદર સાથે, હૃદયના ઉમળકાથી જેમનું નામ લેવાય એવા અટલ બિહાર વાજપેયી ૧૯૫૭માં લોકસભે આવ્યા ત્યારથી સંસદનાં બેઉ ગૃહોમાં પોતાની અમીટ છાપ મૂકી ગયા છે. ભાષની ગરિમા અને સંયમ, વિપક્ષ ભણીનો આદર અને અંગત સંબંધોના ઉદ્યાન ખીલાવતા રહેલા અટલજી, કાશ્મીર કોકડાંની વાત હોય કે ઈશાન ભારતની સમસ્યાઓની, વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પૂર્વ વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નહેરુથી લઈને પી. વી. નરસિંહ રાવ સહિતના હોય, અટલજી કાયમ સૌને યાદ આવે જ આવે. થવું હતું તો અધ્યાપક, પણ થઈ ગયા રાજનેતા. રાજનેતા કરતાં રાજપુરુષ વધુ ગણાય. રાજનેતા ચૂંટણીઓ જીતીને સત્તા સુધી પહોંચવાની ટૂંકી દૃષ્ટિ ધરાવતો હોય છે. રાજપુરુષ (સ્ટેટ્સમેન) તો ભાવિ પેઢીઓના ભવિષ્યને ઊજ્જવળ બનાવવાના ધખારા ધરાવતો હોય છે. સ્વના સ્વાર્થ વિનાનો.

કુર્સી પૂજા અને વ્યક્તિપૂજા ભાજપનું લક્ષ્ય નહોતું
હમારે સામને એક લક્ષ્ય હૈ, કેવલ કુર્સી કી લડાઈ નહીં હૈ’, ૧૯૮૦માં મુંબઈના વાંદરા ખાતેના રેક્લેમેશનમાં ઊભા કરાયેલા સમતાનગરમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું પ્રથમ અધિવેશન મળ્યું ત્યારે અટલજી એના પ્રથમ અધ્યક્ષ તરીકે, નહેરુ અને ઈંદિરા ગાંધીની સરકારમાં પ્રધાન અને મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહેલા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા (મર્ચન્ટ-કચ્છી ગુજરાતી) સાથેના મંચ પરથી બોલી રહ્યા હતાઃ અભી હમારે સાથી મુઝે લેકર નારે લગા રહે થે, આપ કે પ્રેમ કી મૈં કદ્ર કરતા હૂં. મગર હમેં વ્યક્તિપૂજા કો બઢાવા નહીં દેના હૈ. અંધેરા હૈ, ઘનીભૂત અંધકાર હૈ, હમ એક અંધેરી ગલી મેં ઘુસ રહે હૈયપ્રકાશ-કિરણ દિખાઈ નહીં દેતી, મગર ઈસ અંધેરે કો ચીને કે લિયે એક ચિનગારી સે કામ નહીં ચેલગા. હમ મેં હરેક કો અપની-અપની જગહ પર ચિનગારી બન જાના હૈ.મુંબઈમાં રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના હિંદી વિભાગના બાલ્ય-સંવાદદાતા તરીકે ગાંધીવાદી સમાજવાદને અપનાવતા અને પાછળથી ફગાવતા ભાજપના એ પાયાના પથ્થરોને નજીકથી નિહાળવાનો રોમાંચ કાંઈક અનેરો હતો. જસ્ટિસ ચાગલાને ભાજપમાં ભારતનું ભવિષ્ય નિહાળીને નિર્લેપભાવે આશીર્વાદ આપવાનું પસંદ કર્યું હતું.

સ્વજનોમાં ઘા ઝીલ્યા છતાં વિવેક ના ચૂક્યા
અનેકવાર સ્વજનોનાં હળાહળ પચાવી જનારા અટલજી ક્યારેક ગુજરાત ભાજપમાં શંકરસિંહ ફેઈમ ખજૂરાહો કાંડના ગાળામાં ઘરની વાત ઘરમાં રાખવા આવ્યા હતા. સ્વજનોએ જ ધોતી બિકી આઠ કરોડ મેંના નારા લગાવીને જનસંઘ અને ભાજપના આ પિતાતુલ્ય વ્યક્તિત્વને કેટલી હદની વ્યથા પહોંચાડી હતી એ તો કવિ કૈદીરાયની કવિતામાં જ પ્રગટ થઈ શકેઃ
કૌરવ કૌન
કૌન પાંડવ,
ટેઢા સવાલ હૈ
દોનોં ઓર શકુનિ
કા ફૈલા
ફૂટ જાળ હૈ.
અપનોં કે મેલે મેં મીત નહીં પાતા હૂંની વ્યથા અનુભવતા અટલજીને સ્વજનો જ સૌથી વધુ ઘા અને છરકા કર્યાંનું ક્યારેક એ અંતરંગોને કહેવાનું ચૂકતા નથી, છતાં પ્રગટપણે એમણે ક્યારેક અવિવેક કર્યો હોય, અન્ય રાજકીય પક્ષના નેતાઓ માટે ય અવિવેકી ભાષા વાપરી હોય એવું ઉદાહરણ અડધી સદી કરતાં પણ લાંબી ચાલેલી એમની રાજકીય યાત્રામાં ભાગ્યે જ મળે છે. વડા પ્રધાન બન્યા પછી ય પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક ગણનાર અટલજી તત્કાલીન સરસંઘચાલક કુપહલ્લી સિતારામૈયા સુદર્શનને આવકારવા દરવાજે આવીને ઊભા રહે અને કહે પણ ખરા, ‘આપને મુઝે બુલા લિયા હોતા.ત્રણ-ત્રણ વાર ખોડંગાતી કેન્દ્ર સરકારના વડા પ્રધાન બન્યા, પણ એમના યુગમાં કોઈ સાંસદ કે પ્રધાન એલફેલ નિવેદનો કરી નહીં એની પૂરતી તકેદારી રાખે. હાર-જીતને સમભાવથી લેવાની પ્રકૃતિ કેળવનાર વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ  નહીં, પણ સ્વજનભાવે જ નિહાળવાની પ્રકૃતિ ધરાવતા હતા. એટલે જ એમની ઊણપ કે ગેરહાજરી વર્તમાનમાં ય અનુભવાય છે.

ભારત જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ
અટલજીનું વ્યાખ્યાન સંસદમાં કે જાહેરસભામાં સાંભળવું એ લહાવો લેખાતો. અસ્ખલિત કાવ્યમય શૈલીમાં એ શ્રોતાગણને ડોલાવે એવું રસિક વ્યાખ્યાન આપતા રહેતા. પદ્યશૈલી પણ સાવ સરળ, ગાંધીજીના પેલા કોશિયાને ય સમજાય એવી અને સાથે જ રાષ્ટ્રજતન અને સમર્પણનો સંદેશ આપનારી. દા.ત.
ભારત જમીન કા ટુકડા નહીં, જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ,
હિમાલય ઈસકા મસ્તક હૈ, ગૌરીશંકર શિખા હૈ.
કશ્મીર કિરીટ હૈ, પંજાબ ઔર બંગાલ દો વિશાલ કંધે હૈ,
વિંધ્યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ.
પૂર્વી ઔર પશ્ચિમી ઘાટ, દો વિશાલ જંઘાએં હૈ,
કન્યાકુમારી ઈસકે ચરણ હૈ, સાગર ઈસકે પગ પખારતા હૈ.
પાવસ કે કાલે-કાલે મેઘ ઈસકે કુંતલ કેશ હૈ,
ચાંદ ઔર સૂરજ ઈસકી આરતી ઉતારતે હૈ.
યહ વદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ,
યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ.
ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ,
હમ જિયેંગે તો ઈસ સે લિયે, મરેંગે તો ઈસ કે લિયે.
- આ કવિતા પણ અટલજીના જ એક ભાષણનો જ અંશ છે.

પદ, પૈસા અને પ્રતિષ્ઠા નહીં, આત્મસન્માન
વાજપેયી યુગમાં ક્યારેક ભાજપીનેતા પ્રમોદ મહાજને ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતાડી. પી. યાદવને પક્ષમાં લીધા, પણ સાંજ પડતાં સુધીમાં તો એમને રુખસદ આપવી પડી હતી. થોડાક વખત પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા (હવે માર્ગદર્શક મંડળમાંના) ડો. મુરલી મનોહર જોશી સાથે વાત થઈ તો કહેઃ હરિભાઈ, પરિવર્તન તો પ્રકૃતિ કા નિયમ હૈ.વાત તો સાચી, પણ વાજપેયીયુગનો નોસ્ટાલ્જિયા શેં વીસરાય?’
ફરીને ભાજપના પ્રથમ અધિવેશનમાંના અટલજીના એ શબ્દો કાનમાં છેઃ શિખર કી રાજનીતિ કે દિન લદ ગયે. જોડ-તોડ કી રાજનીતિ કા અબ કોઈ ભવિષ્ય નહીં રહા. પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ. જિન મેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે. હમ તો એક હાથ મેં ભારત કા સંવિધાન ઔર દૂસરે મેં સમતા કા નિશાન લેકર મૈદાન મેં જૂઝેંગે. હમ છત્રપતિ શિવાજી મહારાજ કે જીવન ઔર સંઘર્ષ સે પ્રેરણા લેંગે. સામાજિક સમતા કા બિગુલ બજાનેવાલે મહાત્મા ફૂલે હમારે પથદર્શક હોંગે. ભારત કે પશ્ચિમ ઘાટ કો મંડિત કરનેવાલે મહાસાગર કે કિનારે ખડે હોકર મેં યહ ભવિષ્યવાણી કરને કા સાહસ કરતા હૂં કિ અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા!

આજના સત્તાધીશોને કવિ કૈદીરાયના કવિતાસ્વરૂપે હૃદયમાંથી પ્રગટેલા આ શબ્દોનું સ્મરણ કરવાનો કદાચ આજે વખત પણ ના હોય!
ઈ-મેઈલ : haridesai@gmail.com

(Atalji 16-12-2017)