Wednesday 30 August 2017

Who will hunt out the real culprits of the Nationwide Bomb blasts?

દેશવ્યાપી બૉમ્બવિસ્ફોટોની સચ્ચાઈ શોધવાનો પડકાર
અતીતથી આજડૉ. હરિ દેસાઈ

·         સંઘના લોકો વિરુદ્ધ સજ્જડ પુરાવા હોવાનું કહેનાર ગૃહસચિવ હવે છે ભાજપી સાંસદ !

·         ડાંગના શબરીકુંભવાળા અસીમાનંદ, સાધ્વી પ્રજ્ઞા અને હવે કર્નલ પુરોહિતને જામીન
·         કેન્દ્રના ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેના ભગવા આતંકવાદના ભાંગરાએ કૉંગ્રેસને ડૂબાડી
·         ઈન્દ્રેશજીની તમામને નિર્દોષ જાહેર કરવાની માગણી, પણ જવાબદારોને શોધશે કોણ
?


બહુચર્ચિત માલેગાંવ બૉમ્બ વિસ્ફોટ સહિતના ખટલાઓમાં ત્રણેક ડઝન સાક્ષીઓ અદાલતમાં  ફરી જતાં ભારતની સર્વોચ્ચ અદાલતે નવ વર્ષ પછી લૅફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને જેલમાંથી જામીન પર છોડવાનો આદેશ આપ્યો અને એ ફરી ફરજ પર હાજર થશે. ભારતથી લાહોર જતી સમજૌતા ઍક્સપ્રેસમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ વિસ્ફોટ થયો અને ૬૮ લોકો માર્યા ગયા. એ પછીના વર્ષે ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના માલેગાંવ મસ્જિદ પાસેના બૉમ્બ વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા. એવો જ ઘટનાક્રમ અજમેરમાં દરગાહ શરીફમાં થયેલા વિસ્ફોટ અને હૈદરાબાદની મક્કા મસ્જિદના વિસ્ફોટ કાંડમાં જોવા મળ્યો. કૉંગ્રેસના વડપણવાળી સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)ની ડૉ. મનમોહન સિંહની સરકારના સમયમાં થયેલી આ આતંકવાદી ઘટનાઓની તપાસ ત્રાસવાદ વિરોધી પોલીસ દળ ઉપરાંત રાષ્ટ્રીય તપાસ એજન્સી (ઍનઆઈએ) થકી કરવામાં આવી હતી. વિસ્તૃત તપાસને અંતે દસ જણાની ધરપકડ કરવામાં આવી હતી. સંયોગવસાત્ એ દસેય જણ હિંદુ હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે એ વેળા કાર્યરત એવા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદેએ આ આતંકી કૃત્યોને ભગવો આંતકવાદ’ (સૅફ્રન ટૅરરિઝમ) કહેવાનું પસંદ કર્યું. એટલે ભારતીય જનતા પક્ષના નેતાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આતંકવાદ આતંકવાદ છે, એને ભગવો કે લીલો કે પછી લાલ જેવા રંગે રંગવાનું યોગ્ય ના લેખાય એવી તેમની દલીલ યોગ્ય જ હતી.
મહારાષ્ટ્રના ટોચના દલિત નેતા શિંદેથી કાચું કપાયું હતું એટલે કૉંગ્રેસના પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ એ વેળા ગૃહ પ્રધાન શિંદેની ભગવાકે હિંદુઆતંકવાદની ભાષા કે શબ્દપ્રયોગ સાથે કૉંગ્રેસ સહમત નહીં હોવાનું જાહેર કરીને નુકસાની ભરપાઈ કરવાની કોશિશ કરી. જોકે બૂંદ સે ગઈ હૌજ સે ભરને કી કોશિશ જેવા આ પ્રયાસથી કૉંગ્રેસને થયેલા નુકસાનને ખાળી શકાય એવું નહોતું. જે દસ જણાની ધરપકડ કરાઈ હતી, તેમાં ગુજરાતના ડાંગમાં વનવાસી કલ્યાણ આશ્રમના સૂત્રધાર સ્વામી અસીમાનંદ, મધ્ય પ્રદેશમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં અગ્રણી રહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત ભારતીય લશ્કરમાં ગુપ્તચર શાખામાં કાર્યરત એવા લૅફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત સહિતનાનો સમાવેશ હતો. આ બૉમ્બ વિસ્ફોટોમાં સંઘના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારનું પણ નામ આવ્યું હતું, પરંતુ એમના સુધી ઍનઆઈએની તપાસનું પગેરું પહોંચ્યું નહોતું એટલે એમની ધરપકડ થઈ નહોતી.
કેન્દ્રમાં કૉંગ્રેસના વડપણવાળી સરકાર હતી. મહારાષ્ટ્રમાં પણ એ વેળા કૉંગ્રેસની સરકાર હતી. વિસ્ફોટો શ્રેણીબદ્ધ થયા હતા અને માર્યા ગયેલા લોકો મુસ્લિમ હતા તથા દેશવ્યાપી આતંકી ઘટનાઓને ધ્યાને લઈને ભારત સરકારની નવરચિત નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (ઍનઆઈએ)ને એ તમામ ખટલાઓની તપાસ સુપરત કરાઈ. યુદ્ધના ધોરણે કાર્યવાહી આદરવામાં આવી. કેન્દ્રના ગૃહસચિવ આર. કે. સિંહે ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ પત્રકાર પરિષદ ભરીને ઘોષણા કરીઃ ઉપરોક્ત તમામ આતંકી ઘટનાઓ સંદર્ભે અમને ૧૦ જણાંની સંડોવણીના નક્કર પુરાવા મળ્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરઍસઍસ) સાથે સંકળાયેલા છે.મૂળ બિહારના તેજતર્રાર આઈપીએસ અધિકારી સિંહ પાસે સંઘના દસ જણાની વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાનો દાવો તેમણે કર્યો હતો. બીજે વર્ષે દિલ્હીમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારને સ્થાને ભાજપના વડપણવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (ઍનડીએ)ની સરકાર આરુઢ થઈ. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. લોકસભાના ચૂંટાયેલા સાંસદોની ભાજપીસેનામાં પેલા આર. કે. સિંહ પણ હતા ! ગૃહસચિવ તરીકે નિવૃત્ત થતાંની સાથે જ બિહારમાં અન્ય પક્ષોની ટિકિટોની ઑફર હોવા છતાં સિંહને ભાજપમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડવાનું વધુ માફક આવ્યું. એ જુદી વાત છે કે બિહાર ભાજપમાં એ પાછા અસંતુષ્ટોમાં જ ગણાય છે.
ડાંગમાં શબરીકુંભના નામે વધુ ચર્ચામાં આવેલા મૂળ બંગાળી એવા સ્વામી અસીમાનંદે અંબાલાની જેલમાં કૅરેવાનનામના પ્રતિષ્ઠિત સામયિકની સંવાદદાતા લીના ગીતા રઘુનાથને ૨૦૧૨ અને ૨૦૧૪ દરમિયાન ચાર વાર ટૅપ રૅકોર્ડેડ ઈન્ટરવ્યૂ આપ્યા. બૉમ્બ કા બદલા બૉમ્બની ભૂમિકામાં વિશ્વાસ ધરાવતા અસીમાનંદ સમગ્ર કાવતરામાં સંઘના વડા ડૉ. મોહન ભાગવત અને ઈન્દ્રેશ કુમારને કાવતરાબાજ ગણાવે છે. મુખ્યપ્રધાનો કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી સહિતના ભાજપી નેતાઓથી લઈને સંઘ-ભાજપના હોદ્દેદારો સાથેના ઘરોબાની વાત કરવા ઉપરાંત કથાકાર મોરારિબાપુ સાથેના અંતરંગ સંબંધની વાત પણ એ કરે છે. જોકે, પાછળથી આ ઈન્ટરવ્યૂ પોતે આપ્યો જ નહીં હોવાનું એમણે જણાવ્યું હતું. અગાઉ તમામ વિસ્ફોટોના કાવતરામાં પોતાની સંડોવણીને કબૂલનાર સ્વામીએ પાછળથી ફેરવી તોળ્યું હતું. છ વર્ષ પછી સ્વામી અસીમાનંદને અદાલત તરફથી માર્ચ ૨૦૧૭માં જામીન મળ્યા અને જેલમુક્તિ મળી. એવું જ કાંઈક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું થયું. સાધ્વીને જેલવાસ દરમિયાન કૅન્સર થયા છતાં છેક આઠ વર્ષે અદાલતે એને જેલમુક્તિ માટે એપ્રિલ ૨૦૧૭માં જામીન આપ્યા. એવું જ ઑગસ્ટ ૨૦૧૭માં કર્નલ પુરોહિતનું થયું. કર્નલ પુરોહિત પહેલા બે કરતાં જુદા પડતા હતા કારણ અસીમાનંદ અને સાધ્વી  સંઘ પરિવારસંલગ્ન હતાં, જયારે પુરોહિત પુણેરી ગૉડસે-સાવરકર પરિવારનાં હિંદુમહાસભાવાદી હિમાની સાવરકરની નિકટ લેખાતા હતા.
અભિનવ ભારતનામક સ્વાતંત્ર્યવીર સાવરકરની ગુપ્ત સંસ્થાના નવ-નામકરણવાળી સંસ્થા ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગૉડસેના એ જ હત્યાકાંડમાં લાંબી સજા ભોગવનાર ભાઈ  ગોપાલ ગૉડસેનાં પુત્રી તથા સાવરકર પરિવારનાં પુત્રવધૂ હિમાની સાવરકરના નેજા હેઠળ ચાલતી રહી છે. આ સંસ્થા સાથે સંબંધ ધરાવતા મનાતા કર્નલ પુરોહિતને નવ વર્ષે જામીન મળ્યા. એટલું જ નહીં એમણે તો લશ્કરી વડાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મારી સાથે યુદ્ધકેદી કરતાં પણ ભૂંડું વર્તન કરવામાં આવે છે. આરોપીઓમાંથી કેટલાક મૃત્યુ પામ્યા છે એમાં પણ સંઘસંલગ્ન પ્રચારકનો સમાવેશ પણ છે. સુનીલ જોશી નામના આ પ્રચારકની હત્યા પણ સંઘ પરિવારમાંથી જ કરવામાં આવી હોવાનું જણાવાય છે. જોકે, વર્ષોથી દેશની વિવિધ અદાલતોમાં ચાલતા રહેલા આ ખટલાઓ ખૂબ મોટા કાનૂની અને માનવીય ગૂંચવાડા સર્જનાર સાબિત થયા છે. હવે કર્નલ પુરોહિતની જામીન અરજીને સુપ્રીમ કૉર્ટે ઍનઆઈએના વિરોધ છતાં મંજૂર કરી છે ત્યારે આગામી દિવસોમાં આ ખટલાઓમાં જેમને આરોપી ગણાવાયા છે એ બધાનું ભવિષ્ય કેવું રહેશે એની ચર્ચા અને કશ્મકશ અત્યારથી શરૂ થઈ ગઈ છે.
સંઘના વરિષ્ઠ પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રણેતા એવા ઈન્દ્રેશ કુમારની માગણી છે કે કર્નલ પુરોહિતને માત્ર જામીન મળ્યા એટલું જ પૂરતું નથી, તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે. એમનું કહેવું છે કે જેમણે ભગવા આતંકવાદ કે હિંદુ આતંકવાદની વાતો વહેવડાવી એ કૉંગ્રેસીઓને તો એમના પાપનો બદલો મળી ચૂક્યો છે. તેઓની દયનીય હારનું કારણ એમણે ચલાવેલા હિંદુ આતંકવાદ કે ભગવા આતંકવાદનાં જુઠ્ઠાણાં જ છે. ખરો પ્રશ્ન હવે ઊભો થાય છે. ઉપરોક્ત તમામ આતંકવાદી ખટલાઓ અદાલતમાં હજુ ચાલતા રહેશે. એના દોષિત સંઘ કે હિંદુ મહાસભા કે અભિનવ ભારત સાથે સંકળાયેલા મનાતા આરોપીઓ નથી, તો ખરા આરોપીઓ છે કોણ? એ ક્યારે ય પકડાશે કે પછી અનેક પ્રકરણોમાં બને છે તેમ  ઉપરોક્ત પ્રકરણોમાં અનેકોની હત્યા માટે જવાબદાર કોઈને પકડવા અને શિક્ષા કરવાથી સરકારીતંત્ર વિમુખ જ રહેશે? એ બાબત હવે કેન્દ્રસ્થાને આવી ગઈ છે.સામાન્ય રીતે સનદી અધિકારીઓ દેશનાં હિતના કસ્ટોડિયન ગણાય. એટલે રાજનેતાઓ તો પોતાના રાજકીય સ્વાર્થની પૂર્તિ માટે બેજવાબદાર નિવેદનો કરે, પણ દેશભરમાં બૉમ્બ વિસ્ફોટોમાં સંડોવાયેલા દસ લોકો આરઍસઍસ સાથે સંકળાયેલા હોવાનું પત્રકાર પરિષદ ભરીને કહેનાર કેન્દ્રના એ વેળાના ગૃહ સચિવ સામે સંઘ તરફથી બદનક્ષીનો ખાટલો દાખલ કરીને ફોજદારી કાર્યવાહી કરવાને બદલે એમને સંઘના સંતાન એવા ભાજપના સંસદસભ્ય બનાવી દેવાય ત્યારે એ જરા અજુગતું તો લાગે જ છે. એમની પાસે નક્કર પુરાવા હતા તો એ ક્યાં પગ કરી ગયા, એ મહાપ્રશ્ન  તો ઊભો જ રહે છે.આવા પુરાવા અને ફાઈલો રાજકીય નેતાગીરીની કસ્ટડીમાં નહીં,પણ અધિકારીઓની કસ્ટડીમાં રહેતી હોય છે એ સર્વવિદિત છે.
 ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment