Wednesday 9 August 2017

J&K Chief Minister Mehbooba Mufti Challenges BJP

કાશ્મીરને નજરકેદગણાવતાં  મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીના બગાવતીસૂર
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ

·         જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર જમ્મુના ભાજપી હિંદુ અગ્રણી મુખ્યપ્રધાન બને એવા સંજોગો
·         પીડીપી-ભાજપનાં મુખ્યમંત્રી કહે છે કે કલમ ૩૭૦ કાઢી નાંખવાની વાત કરે એ રાષ્ટ્રદ્રોહી
·         ઈન્સાનિયત, જમ્હુરિયત ઔર કશ્મીરિયતની વાજપેયીની અમરવાણીને બધા યાદ કરે છે
·         અબદુલ્લાએ સ્વતંત્ર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો અને નેહરુએ જ તેમને જેલવાસી કર્યા

ભારત સરકારની નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી(એનઆઈએ)એ  જમ્મુ-કાશ્મીરની હિંસાને ડામવા એના મૂળમાં જેવોને ઘા કર્યો કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકારનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી છળી ઊઠ્યાં છે. જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી નેતાઓનાં નાણાંના સ્ત્રોતની તપાસ કર્યા પછી પૃથ્વી પરના સ્વર્ગ સમા જમ્મુ-કાશ્મીરમાં હિંસક અથડામણો સર્જવાનાં કાવતરાં કરનારાઓને એનઆઈએ દ્વારા જબ્બે કરવાની શરૂઆત કરાઈ છે. કેટલાક નેતાઓને જેલભેગા કરાતાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાની કાર્યવાહી સામે વિરોધ ઊઠ્યો છે. નવાઈ તો એ વાતની છે કે દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની સરકારનો જ ઘટકપક્ષ પીડીપી જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે મળીને રાજ કરતો હોવા છતાં આઝાદીના વિચારને મુખ્યપ્રધાન મુફ્તી આગળ વધારીને રીતસર ભડકો કરી રહ્યાં છે.
એકબાજુ, મુખ્યપ્રધાન મુફ્તી પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના હિસ્સાના લોકો સાથે વેપાર અને લોકોના આવાગમન માટે વધુ નાકાં ખોલવાની વાત કરે છે, ત્યારે એનઆઈએ અને વડા પ્રધાન કાર્યાલયના જમ્મુ-કાશ્મીરી રાજ્યપ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહ રાષ્ટ્રના હિતમાં સરહદને સીલ કરીને પાકિસ્તાન હસ્તકના જમ્મુ-કાશ્મીર (પીઓજેકેઃ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર)માંથી આવીને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહીની અપેક્ષા કરે  છે. અગાઉ જમ્મુ-કાશ્મીરને વિશેષ બંધારણીય દરજ્જો આપતી ભારતીય બંધારણની કલમ ૩૭૦ને કાઢી નાંખવાની સંઘ-જનસંઘ-ભાજપની પરંપરાગત માગણી અને  મુખ્યપ્રધાન મહેબૂબા સાથીપક્ષ ભાજપ સાથે સરકાર ચલાવતાં હોવા છતાં તેમણે  જાહેરમાં કહ્યું કે ૩૭૦ની કલમ કાઢી નાંખવાની વાત કરે એ રાષ્ટ્રદ્રોહી છે. હવે વાત જમ્મુ-કાશ્મીરની બંધારણીય સ્થિતિ પર આવી છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાએ તો કહ્યું કે મુખ્યપ્રધાને બંધારણી દરજ્જાની વાતે  વિવાદ સર્જીને રાજ્યમાં ભડકા કરવાનું ટાળવું જોઈએ. સાથે જ રાજ્યસભાના સભ્ય ડૉ. ફારુક અબદુલ્લાએ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓ સામે એનઆઈએની કાર્યવાહીને આવકારી છે.

મહેબુબાની પાર્ટી પીડીપીની સ્થાપના કોંગ્રેસના બાળક તરીકે થઈ છે. મહેબુબાના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ મૂળે કોંગ્રેસના નેતા હતા. તેઓ વિશ્વનાથ પ્રતાપસિંહની જનતાદળ સરકારમાં ભારતના ગૃહપ્રધાન હતા. એ જ વખતે કેટલાક ત્રાસવાદીને જેલમુક્ત કરવાના નાટક તરીકે’ (જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહેલા લેફ્ટ. જનરલ એસ. કે. સિંહાના પુસ્તક મિશન કશ્મીરમાં નોંધાયા મુજબ) ૧૯૮૯માં મુફ્તીની દીકરી રૂબિયાનું અપહરણ થયું હતું. એને છોડાવવા માટે કેટલાક ખૂનખાર ત્રાસવાદીઓને મુક્ત કરાયા હતા. બસ, ત્યારથી રાજ્યમાં આતંકવાદ બેપાંદડે થયો. હિંસા વધી. કાશ્મીરી પંડિતોએ મોતથી બચવા માટે રાજ્ય છોડીને અન્યત્ર જવાની ફરજ પડી હતી. એ નિર્વાસિત કાશ્મીરી પંડિતો હજુ પાછા ફરતા નથી.

વર્ષ ૨૦૧૪માં જમ્મુ-કાશ્મીરની કુલ ૮૭ (વત્તા બે નામનિયુક્ત) બેઠકોની ચૂંટણી થઈ. ચૂંટણીમાં ભાજપનું નેશનલ કોન્ફરન્સ કે પીડીપી સાથે જોડાણ નહોતું. વડા પ્રધાન મોદીએ અબદુલ્લા પરિવારને બાપ-બેટાની અને મુફ્તી પરિવારને બાપ-બેટીની પારિવારિક  રાજનીતિ પર ખૂબ ચાબખા માર્યા હતા. આમ છતાં જ્યારે પીડીપીને ૨૮, ભાજપને ૨૫, નેશનલ કોન્ફરન્સને  ૧૫ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળી એટલે કે કોઈ એકપક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતાં પીડીપી અને ભાજપની ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી’ (મુફ્તી સઈદના શબ્દોમાં) સંયુક્ત સરકાર બનાવાઈ. રાજકીય દૃષ્ટિએ પરિપક્વ મુફ્તીએ અગાઉની અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારત સરકારે કાશ્મીરકોકડું ઉકેલવા માટે ઈન્સાનિયત, જમ્હુરિયત ઔર કાશ્મીરિયતનો જે મંત્ર આપ્યો હતો, એનું અનુસરણ નવી પીડીપી-ભાજપ સરકાર થકી થાય એવો આગ્રહ સેવ્યો. વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભાજપએ આગ્રહ સેવીને કવીન્દ્ર ગુપ્તાને પસંદ કરાવ્યા. રખેને સંયુક્ત મોરચામાં કોઈ ભંગાણ પડે તો વિધાનસભાના અધ્યક્ષ ભાજપના હોવાથી અનુકૂળ નિર્ણય થઈ શકે. મુખ્યપ્રધાન પદે મુફ્તી અને એમના નિધન પછી મહેબૂબા મુફ્તી આવ્યાં. નાયબ મુખ્યપ્રધાનપદે ભાજપના ડૉ. નિર્મલ સિંહ રહ્યા. વિપક્ષી નેતાના હોદ્દે નેશનલ કોન્ફરન્સના  ઓમર અબદુલ્લા ચૂંટાયા હતા. ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદીએ ચૂંટણી જાહેરસભાઓમાં કલમ ૩૭૦ અંગે ડિબેટની રાષ્ટ્રવ્યાપી આવશ્યક્તા પ્રતિપાદિત કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. ચૂંટણી પરિણામોમાં કાશ્મીર ઘાટીમાં તમામ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા. સ્વાભાવિક રીતે તેમાંના બહુમતી પીડીપીના હતા. જમ્મુ અને લડાખ ક્ષેત્રમાંની મોટાભાગની બેઠકો પર ભાજપના હિંદુ કે બૌદ્ધ  ઉમેદવાર જીત્યા. સ્થિતિ એવી બની કે ઘાટીમાં મુસ્લિમો અને જમ્મુ-લડાખમાં હિંદુ-બૌદ્ધ ચૂંટાતા સંયુક્ત સરકારમાં સંતુલન જાળવવામાં આવ્યું. સાથે જ ચૂંટાયા પછી ૩૭૦ની કલમ અંગે ચર્ચા કે પુનર્વિચારની માંડવાળ કરવામાં આવી, પણ મહેબૂબા મુફ્તી ૩૭૦ની કલમ અંગે પુનર્વિચાર કે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જામાં ફેરફારની વાત કરનારને રાષ્ટ્રદ્રોહી ગણાવતાં રહ્યાં. હમણાં તો તેમણે ૩૭૦ કલમ અને કલમ ૩૫ (અ) અંગે ફેરફાર કરાશે તો રાજ્યમાં કોઈ ત્રિરંગો લહેરાવશે નહીં, એવું કહીને તો હદ કરી નાંખી. આમ પણ મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં રાષ્ટ્રધ્વજ અને જમ્મુ-કાશ્મીરનો ધ્વજ એમ બેઉ ધ્વજ ફરકાવવામાં આવતા હતા. અપેક્ષા એ હતી કે રાજ્યને મુખ્યધારામાં લાવવાની દિશામાં ભાજપ સાથે સરકાર ચલાવતા પક્ષો પણ સહયોગ આપશે. પરંતુ અજંપાભરી સ્થિતિમાં કાશ્મીરકોકડું ઉકેલાતું નથી અને એમાં નવા તણખા નવા ભડકા સર્જે છે.

રાજ્યમાં મોટાભાગનો સમય કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું શાસન રહ્યું છે. શેર હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈનો નારો લગાવતા સંઘ-જનસંઘ-ભાજપના આગેવાનોએ, શેખ અબદુલ્લા સરકાર વખતે જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીનું રાજ્યની જેલમાં નિધન થયાની વાતને બાજુએ સારીને, વાજપેયી યુગમાં એનસીને એનડીએમાં સામેલ કરી હતી. વાજપેયી સરકારમાં શેખ અબદુલ્લાના પૌત્ર ઓમર અબદુલ્લા વિદેશ રાજ્યપ્રધાન હતા. શેખના પુત્ર ડૉ. ફારુક અબદુલ્લા રાજ્યના મુખ્યપ્રધાન હતા. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મુખ્ય પરિવારો વચ્ચે આપસી અને રાજકીય દુશ્મની છે. અબદુલ્લા પરિવાર, મુફ્તી પરિવાર અને મીરવાઈઝ પરિવાર. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત સરકાર અબદુલ્લા-નેહરુ પરિવારના અંતરંગ સંબંધને કારણે લાંબો સમય રહી. જોકે, વડા પ્રધાન નહેરુએ જ શેખ અબદુલ્લાએ સ્વતંત્ર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપવાનો શરૂ કર્યો  ત્યારે તેમને જેલભેગા પણ કર્યા હતા. કોંગ્રેસમાંથી છૂટા થઈને વાયા જનતા દળ પીડીપીના સંસ્થાપક અધ્યક્ષ બનેલા મુફ્તીની પાર્ટી  અને કોંગ્રેસની સંયુક્ત સરકાર પણ બની. અણબનાવ થતાં છૂટા થયા. અબદુલ્લા પરિવારની ત્રણેય પેઢી મુખ્યપ્રધાન પદે રહી. ભાજપને રાજ્યમાં સત્તામાં સહભાગી થવાની તક ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી પછી મળી. કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હોવાની અસર પણ એના પર પડી હતી. દિલ્હીના સત્તાધીશ સાથે સુમેળ જાળવીને રાજ્યના વિકાસ માટે વધુ નાણા અને યોજનાઓ મેળવી શકાય, પણ તાજેતરના મહેબુબા મુફ્તીનાં નિવેદનોના ઘટનાક્રમમાં આ સંઘ કાશીએ પહોંચે તેવું લાગતું નથી.

તાજેતરમાં જ બિહારના જેડી (યુ)ના મુખ્યપ્રધાન નીતીશકુમારે લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળ સાથે છેડો ફાડીને ફરીને ભારતીય જનતા પક્ષ સાથે ફરી ઘર માંડ્યું. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના શાહજાદા તેજસ્વી પ્રસાદ નાયબ મુખ્યપ્રધાન હતા, એમને સ્થાને ફરીને ભાજપના સુશીલ મોદી નાયબ મુખ્યપ્રધાન બન્યા. કેન્દ્રમાં સત્તા ભાજપના વડપણ હેઠળના એનડીએ પાસે હોવાના લાભ મળવા સ્વાભાવિક છે. તેજસ્વી પ્રસાદના કથિત ભ્રષ્ટાચારનાં પ્રકરણોને કારણે  બિહારમાં આરજેડી-જેડી (યુ)-કોંગ્રેસનું મહાગઠબંધન તૂટ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ગમે ત્યારે વંકાઈ જતાં મહેબૂબા સાથે ઝાઝું ખેંચાય એવું નથી. અલગાવવાદી નેતાઓ પર એનઆઈએની ભીંસ વધતાં કાશ્મીર કેદમાં છે એવું પ્રગટપણે કહીને આઝાદીની વાત કરતાં મહેબુબા અને તેમના પક્ષના સાથીઓને પાઠ ભણાવવા માટે ફરીને ભાજપ એનડીએમાં નેશનલ કોન્ફરન્સમાં લાવી શકે. પક્ષાંતર કરાવી શકે. અત્યારે ભાજપ નાયબ મુખ્યપ્રધાનના હોદ્દે છે, પણ આવતા દિવસોમાં મુખ્યપ્રધાન ભાજપનો હોય અને તે હિંદુ હોય એ ઈતિહાસ જમ્મુ-કાશ્મીરમાં સર્જવાનું સ્વપ્ન ભાજપના મહારથીઓ અને સંઘ મુખ્યાલય નાગપુર જરૂર સેવે છે. સત્તાકાંક્ષી રાજનેતાઓને પીછાણીને જમ્મુ-કાશ્મીરમાં નવો મોરચો રચીને આઝાદીના પક્ષધર અને કાશ્મીરને જેલગણાવનારાં મહેબુબા મુફ્તીને પાઠ ભણાવી શકાય. મહેબુબા પાસે ૨૮ ધારાસભ્યો છે. ઈંદિરા ગાંધીના વખાણ કરીને કોંગ્રેસ સાથે મળે તો વધુ ૧૨ સભ્યો સાથે એમના ૪૦ સભ્યો થાય. ૪ બીજા સભ્યોની વ્યવસ્થા કરે તો પણ અગાઉ કોંગ્રેસ સાથે પીડીપીના કટુ અનુભવ તથા વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપના સભ્ય હોવાથી એમને મુશ્કેલ પડી શકે. ભાજપ પાસે ૨૫ બેઠકો છે. એમાં નેશનલ કોન્ફરન્સની ૧૫ ઉમેરવામાં આવે તો ૪૦ થાય. બહુમતી માટે ૪૪ બેઠકોની જરૂર પડે. એ તો ભાજપી મોરચામાં બીજા પૂંછડિયા ખેલાડી છે. સાથે જ કોંગ્રેસને તોડવાની ફાવટ પણ ભાજપને આવી ગઈ છે. એટલે આવતા દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં હિંદુ ભાજપી મુખ્યપ્રધાનની શક્યતા નકારી શકાય નહીં. નાયબ મુખ્યપ્રધાન તરીકે કાશ્મીર ઘાટીના કોઈ મુસ્લિમ નેતાને સ્થાન મળી શકે.

ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment